રાજકોટ ભાજપમાં ટિકિટ માટે 'મહાજંગ': 12 વોર્ડમાં 656 દાવેદારો ઉમટ્યા, વોર્ડ નં. 7 માં સૌથી વધુ 77 મુરતિયા!
- નિરીક્ષકો સમક્ષ શક્તિ પ્રદર્શન: 60 વર્ષની વયમર્યાદા અને નો-રિપીટ થીયરીની ચર્ચાઓ વચ્ચે કાર્યકરોનો ભારે ધસારો
- પૂર્વ મેયર નયનાબેન પેઢડિયા અને મોરઝરિયા દંપતી મેદાનમાં - વોર્ડ નં. 15 માં ભાજપ માટે જીતનો પડકાર
- સક્રિય સભ્ય હોવા છતાં ટિકિટના ક્રાઈટેરિયા પર સૌની મીટ - ગુનાહિત ઇતિહાસ ધરાવતાઓએ રિપોર્ટ સાથે રાખવો પડશે
સ્માર્ટ સિટી રાજકોટના રાજકારણમાં અત્યારે ગરમીનો પારો આસમાને છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ દ્વારા મૂરતિયા પસંદ કરવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. ગઈકાલે 12 વોર્ડ માટે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં 656 કાર્યકરોએ ટિકિટની માંગણી કરતા નિરીક્ષકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. આ દરમિયાન રાજકીય નેતાઓના સ્ટેટસ અને વિવાદાસ્પદ દાવેદારીઓએ શહેરભરમાં ચર્ચા જગાવી છે.
તુલ પંડિતના સ્ટેટસથી ગભરાટ શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અતુલ પંડિતે સોશિયલ મીડિયા પર મુકેલા સ્ટેટસ - "આજે કેટલાક મૂર્ખ બનશે, કેટલાક મૂર્ખ બનાવશે" - એ અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે. કાર્યકરોમાં એવી ચર્ચા છે કે પક્ષે કદાચ મૂરતિયા નક્કી કરી લીધા છે અને આ સેન્સ પ્રક્રિયા માત્ર એક ઔપચારિકતા છે. બીજી તરફ, વોર્ડ નં. 2 માંથી અનિલ મકવાણાના પત્ની બાલુબેનની દાવેદારી પણ ચર્ચામાં છે, કારણ કે તેમના પતિ પર હાલમાં જ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા છે.
શું 'નો-રિપીટ' થીયરી આવશે? વર્ષ 2021 માં ભાજપે માત્ર 12 જુના જોગીઓને રિપીટ કરીને 60 નવા ચહેરા ઉતાર્યા હતા, જેનો જાદુ ચાલ્યો હતો અને ભાજપે 72 માંથી 68 બેઠકો જીતી હતી. આ વખતે પણ 60 વર્ષથી વધુ ઉંમરના અને ત્રણ ટર્મ લડી ચૂકેલા નેતાઓનું પત્તું કપાઈ શકે તેવી પ્રબળ ચર્ચા છે. નિરીક્ષકો દર્શનાબેન વાઘેલા, ભાવનાબેન દવે અને નરેશ દેસાઈ સહિતની ટીમ દરેક દાવેદારને વ્યક્તિગત રીતે સાંભળી રહી છે. ખાસ કરીને કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નં. 15 માં ગાબડું પાડવા માટે ભાજપે આ વખતે વિશેષ રણનીતિ ઘડી છે. આજે બાકીના 6 વોર્ડની પ્રક્રિયા બાદ આખરી લિસ્ટ પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે.