Loading Please Wait !!!
"ભાવનગર AAPમાં ભડકો: ટિકિટ ન મળતા શહેર ઉપપ્રમુખ ડી.એન. મારૂનું 40 કાર્યકરો સાથે સામુહિક રાજીનામું"

  • "દલિત હોવાથી મારી અવગણના થઈ" - જેલવાસ ભોગવનાર પાયાના નેતાએ પક્ષના હોદ્દા પરથી ધરી દીધું રાજીનામું
  • 5 વર્ષની મહેનત અને પોલીસ અટકાયતો છતાં અવગણનાનો આક્ષેપ - ભાવનગર મનપાની ચૂંટણીમાં AAPને મોટો ફટકો
  • "પોતાના ખર્ચે પ્રચાર કર્યો પણ માન-સન્માન ન મળ્યું" - ડી.એન. મારૂએ પ્રદેશ નેતાગીરી સામે ઠાલવ્યો રોષ

ભાવનગર મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડગમ વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP) માટે માઠા સમાચાર સામે આવ્યા છે. પક્ષમાં ટિકિટ વહેંચણી અને આંતરિક વિખવાદને કારણે મોટું ગાબડું પડ્યું છે. ભાવનગર શહેર 'આપ'ના ઉપપ્રમુખ ડી.એન. મારૂએ આજે પક્ષની નેતાગીરી સામે ગંભીર આક્ષેપો કરી પોતાની ટીમ સાથે રાજીનામું ધરી દેતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

"દલિત હોવાથી મારી અવગણના થઈ" - ડી.એન. મારૂ રાજીનામું આપ્યા બાદ ડી.એન. મારૂએ પક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, "મેં છેલ્લા 5 વર્ષથી રાત-દિવસ એક કરીને પક્ષ માટે કામ કર્યું છે. 2022ની વિધાનસભા અને 2024ની લોકસભા ચૂંટણીમાં સ્ટાર પ્રચારક તરીકે ઘરે-ઘરે જઈને પ્રચાર કર્યો હતો. તેમ છતાં, હું અનુસૂચિત જાતિ (દલિત) હોવાથી મારી કદર કરવામાં આવતી નથી. પક્ષમાં જ્ઞાતિવાદને કારણે લાયક કાર્યકરોની અવગણના થઈ રહી છે, જે અત્યંત દુઃખદ છે."

જેલવાસ ભોગવ્યો પણ માન ન મળ્યું તેમણે વધુમાં યાદ અપાવ્યું કે, જ્યારે પણ વિરોધ પ્રદર્શનો કરવાના હોય, કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવાનું હોય કે પોલીસની અટકાયત સહન કરવાની હોય, તેઓ હંમેશા મોખરે રહ્યા છે. વડાપ્રધાન કે ગૃહમંત્રીના આગમન સમયે પક્ષના આદેશથી જેલવાસ પણ ભોગવ્યો છે. હરિયાણા, રાજકોટ અને વિસાવદર જેવા વિસ્તારોમાં પોતાના ખર્ચે પ્રચાર કરવા છતાં, જ્યારે મનપાની ચૂંટણીમાં ટિકિટ આપવાની વાત આવી ત્યારે તેમની નોંધ લેવામાં આવી નથી.

સામુહિક રાજીનામાથી 'આપ'ને મોટો ફટકો માત્ર ડી.એન. મારૂ જ નહીં, પરંતુ તેમની સાથે 30 થી 40 જેટલા સક્રિય કાર્યકરોએ પણ રાજીનામું આપી દેતા ભાવનગર 'આપ'ના પાયા હચમચી ગયા છે. આ રાજીનામું શહેર પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીને સંબોધીને મોકલી આપવામાં આવ્યું છે. 12 ઉમેદવારોના નામ જાહેર થયા બાદ તરત જ આ બળવો થતા, આગામી દિવસોમાં અન્ય વોર્ડમાં પણ અસંતોષ ફાટી નીકળવાની શક્યતા નકારી શકાતી નથી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર અસર ચૂંટણીના સમયે પક્ષના પાયાના અને મહેનતુ હોદ્દેદારનું પક્ષ છોડવું એ 'આપ' માટે મોટો ફટકો સાબિત થશે. ભાવનગરમાં પરિવર્તનના નામે મતો મેળવવા મથતી આમ આદમી પાર્ટી માટે હવે આંતરિક ડખા અને જ્ઞાતિવાદના આક્ષેપો નવો પડકાર ઊભો કરશે. બીજી તરફ, ડી.એન. મારૂ હવે કયા પક્ષમાં જોડાશે કે અપક્ષ તરીકે ચૂંટણી લડશે, તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી.