નળનું પાણી બન્યું જોખમ; અનેક વિસ્તારોમાં પાણીની લાઇનમાં ભળ્યા બેક્ટેરિયા
- રિપોર્ટથી હાહાકાર; રામધામ સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ઘાતક
- વર્ડ નં.8 અને 13ના વિસ્તારમાંથી પાઈપલાઈન વિતરણથી થતા લેવાયેલા પાણીના સેમ્પલ ફેઈલ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં પાણીજન્ય રોગચાળાએ અજગરભરકો લીધો હોવાનો મનપાની જ આરોગ્ય શાખાના સત્તાવાર પખવાડિક રિપોર્ટમાં દર્શાવાયુ છે. ઝાડા-ઉલટી, મરડાના કેસ વધ્યા છે. ત્યારે અત્યંત ચોંકાવનારી એક સત્તાવાર હકીકત એ પણ સામે આવી છે કે, મનપા દ્વારા પાઈપલાઈન દ્વારા ચાલતી પાણી વિતરણ વ્યવસ્થામાં શહેરના વધુ બે વિસ્તારોમાં ભયજનક કહી શકાય તેવા બેક્ટેરિયા પાઈપલાઈનમાં ભળ્યા છે.
વર્ડ નં.૮માં આવેલી રામધામ સોસાયટી-૧ અને વોર્ડ નં.૧૩માં આવેલા શ્રદ્ધા ડી-માર્ટ પાછળના વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા વિતરણ થતા પાણીમાં આરોગ્ય જોખમાય તેવા ઘાતક બેક્ટેરિયા મળી આવ્યા છે. પાણીના સેમ્પલ લેબોરેટરીમાં ફેઈલ થયા છે. ક્લોરીનેશન પણ યોગ્ય માત્રામાં થતું ન હોવાનો રિપોર્ટ આવ્યો છે. સ્માર્ટ સીટીના બોર્ડ ઝૂલાવતા રાજકોટ મહાનગર પાલિકાના શાસકો અને તંત્રવાહકોની નાકામી હવે સીધી નાગરિકોના આરોગ્ય અને જિંદગી સાથે ખેલ કરી રહી છે.આગતો ઉનાળાના આખરી દિવસોથી જ નગરજનો જે ભયંકર દૂષિત અને વાસ મારતા પાણીની ફરિયાદો કરી રહ્યા હતા, તે ચોમાસાના આરંભ સાથે જ અત્યંત ગંભીર અને જીવલેણ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. અગાઉ મોરબી રોડ સહિતના અનેક વિસ્તારોમાં જ્યારે જનતા રોડ પર ઉતરી આવી હતી, પ્રદર્શનો કર્યા હતા અને તંત્રના બહેરા કાન સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે આણસું વહીવટી તંત્ર ઊંઘતું રહ્યું હતું.
હવે જ્યારે સ્થિતિ હાથબહાર નીકળી ગઈ છે અને સેગવાળો ફાટી નીકળવાની અણી પર છે. ચોમાસુ શાલુ થયા બાદ ઝાડા-ઉલટીના રોગચાળાના કેસમાં પણ વધારો થયો છે. ખુદ મેયર દો. નેહલ શુક્લે પત્રકાર પરિષદમાં સ્વીકાર્યું હતું કે “હા, શહેરના લાખો લોકોને દૂષિત પાણી મળી રહ્યું છે!”પાછલા કેટલાક દિવસો દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી મનપાના જ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા પીવાના પાણીના સેમ્પલો મોટા પ્રમાણમાં ફેલ આવ્યા છે. આ આંકડા પૂરવાર કરે છે કે રાજકોટવાસીઓના ઘરોમાં નળ વાટે પાણી નહીં પરંતુ ધીમું ઝેર સપ્લાય થઈ રહ્યું છે. શહેરના વધુ બે વિસ્તારોમાં પાઈપલાઈન દ્વારા આવતું પાણી જોખમી હોવાનું ઓનપેપર સાબિત થયું છે.
શહેરના વોર્ડ નં.૮માં આવેલી રામધામ સોસાયટી-૧ તેમજ વોર્ડ નં.૧૩માં આવેલા શ્રદ્ધા ડી-માર્ટ પાછળ આવેલા વિસ્તારોમાં દૂષિત પાણી આવતું હોવાની વ્યાપક ફરિયાદો પરથી મનપાની આરોગ્ય શાખાએ પાણીના સેમ્પલ લીધા હતા. આ બંને સેમ્પલના લેબોરેટરી રિપોર્ટ આવ્યા છે.
રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો: ડેન્ગ્યુના 2 કેસ મળી આવ્યા
રાજકોટમાં ઋતુજન્ય રોગચાળાના આંકડા સામે આવ્યા હતા જેમાં ડેન્ગ્યુના નવા ૨ કેસ મળી આવ્યા, સામાન્ય તાવ અને વાયરલ તાવના ૬૫૪ દર્દી નોંધાયા છે. શરદી ઉધરસના ૭૫૭ દર્દીઓ, ઝાડા ઉલટીના ૪૫૦ થી વધુ કેસ નોંધાયા છે. મચ્છર ઉત્પત્તિ અટકાવવા ઘરે ઘરે ચકાસણી કરવામાં આવી હતી જેમાં ૩૬૨ ઘર અને ૧૫૬ કમર્શિયલ સ્થળોને નોટિસ અપાઈ હતી. મચ્છર ઉત્પત્તિ રોકવા ફોગિંગ, મચ્છર નાશક કામગીરી સઘન કરવા આરોગ્ય વિભાગે કવાયત હાથધરી છે.