જામ ટાવર ચોકનું જોખમી ટ્રાફિક સિગ્નલ સુધારો, નહીં તો અકસ્માતો કોણ રોકશે?
સિગ્નલના ટાઈમિંગની તકનીકી તપાસ અને પીક અવર્સમાં કાયમી ટ્રાફિક પોલીસ તૈનાત કરવા મયુર શાહની માંગ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના જામ ટાવર ચોક નજીકનું ટ્રાફિક સિગ્નલ લોકોની સુરક્ષાને બદલે ભયનું કારણ બની રહ્યું હોવાની રજૂઆત રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મંત્રી મયુર શાહે કરી છે. સિગ્નલની સમય વ્યવસ્થામાં રહેલી ખામીઓને કારણે વાહનચાલકો મૂંઝવણમાં મુકાતા હોવાથી અકસ્માતનું જોખમ સર્જાતું હોવાનું તેમણે જણાવ્યું છે.
મયુર શાહના જણાવ્યા મુજબ દરેક અકસ્માત માટે માત્ર વાહનચાલકોને જવાબદાર ઠેરવવાથી તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. જામ ટાવર ચોક, જંક્શન અને શ્રોફ રોડ સહિત જામનગર-અમદાવાદ તરફ જતા
માર્ગ પર દરરોજ હજારો વાહનો પસાર થાય છે. આમ છતાં સિગ્નલના ટાઈમિંગની યોગ્ય સમીક્ષા અને પીક અવર્સમાં પૂરતી ટ્રાફિક પોલીસની હાજરી ન હોવાની ફરિયાદ છે.
મયુર શાહે વાહનચાલકોને પણ ટ્રાફિક સિગ્નલનો ભંગ ન કરવા અને નિયમોનું ચુસ્ત પાલન કરવા અપીલ કરી છે. થોડી ક્ષણોની ઉતાવળ પોતાના તેમજ અન્ય લોકોના જીવ માટે જોખમી બની શકે છે, તેમણે કહ્યું કે ધરે રાહ “જોતા સ્વજનોની રાહ કાયમ માટે રાહમાં ન ફેરવાય તે માટે વાહનચાલકોએ જવાબદારીપૂર્વક વર્તવું જરૂરી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે સ્થાનિકોમાં જામ ટાવર ચોક ખાતે
કેટલાક લોકો દ્વારા બિનજરૂરી રીતે સિગ્નલનો ભંગ થતો હોવાની ફરિયાદો સાંભળવા મળે છે. તેમાં સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલા કેટલાક વિદ્યાર્થીઓ અને નવા રેસિડેન્ટ ડોક્ટરોનો પણ સમાવેશ થતો હોવાનું કહેવામાં આવે છે. જો આવું બનતું હોય તો સમાજને માર્ગદર્શન આપતા લોકોએ ટ્રાફિક નિયમોના પાલનમાં આદર્શ પૂરું પાડવું જોઈએ.
મયુર શાહે પોલીસ કમિશનર અને ટ્રાફિક વિભાગ સમક્ષ 'જામ ટાવર ચોક'ના સિગ્નલની તાત્કાલિક તકનીકી તપાસ, ટાઈમિંગમાં જરૂરી ફેરફાર અને વસંત સમયમાં કાયમી ટ્રાફિક પોલીસ તૈનાત કરવાની માંગ કરી છે. સમયસર પગલાં
નહીં લેવાય અને અકસ્માતોની ઘટનાઓ યથાવત રહે તો તેની નૈતિક જવાબદારી સંબંધિત તંત્રની રહેશે તેમ તેમણે જણાવ્યું છે.
ટ્રાફિક નિયમો નાગરિકોને હેરાન કરવા નહીં પરંતુ જીવ بچાવવા માટે છે. તંત્ર અને નાગરિકો બંને પોતાની જવાબદારી નિભાવે તો જ અકસ્માતમુક્ત અને સુરક્ષિત રાજકોટનું નિર્માણ શક્ય બનશે તેમ મયુર શાહે જણાવ્યું હતું.