રાજકોટમાં સીસી રોડ બનશે
- મહાપલિકાની સ્ટેન્ડિંગમાં 20.25 કરોડના વિકાસ કામોને મંજૂરી
- સાઈબાબા સર્કલથી કોઠારીયા રોડ 80 ફૂટનો રોડ 11 કરોડના ખર્ચે બનાવાશે
- 16 દરવાસ્તોમાંથી 12 મંજૂર બે પેન્ડિંગ અને બે દરવાસ્તો સુધારા સાથે પરત મોકલાઈ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે શહેરના વિકાસને વેગ આપતા અનેક મહત્વના નિર્ણયો લેવાયા હતા. ચેરમેન પરેશભાઈ પીપળીયાના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં કુલ ૧૬ દરવાસ્તો રજૂ થઈ હતી, જેમાંથી ૨૦.૨૫ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોને લીલીઝંડી આપવામાં આવી છે. ખાસ કરીને કોઠારીયા વિસ્તારના માળખાકીય વિકાસ પર ભાર મુકતા ૧૧ કરોડથી વધુના ખર્ચે મેટ્રો સિટી જેવો સિમેન્ટ રોડ અને પૂરની સમસ્યા ઉકેલવા નવો કોઝ-વે બનાવવાનો નિર્ણય લેવાયો છે. જોકે, વહીવટી પારદર્શિતા અને ચોક્કસ આયોજનના આગ્રહ સાથે કમિટીએ વૃક્ષારોપણ, સ્ટેચ્યુટરી ઓડિટ અને સોલિડ વેસ્ટ પ્રોજેક્ટના કન્સલ્ટન્ટ નિમણૂક સહિતની ૪ દરવાસ્તો પેન્ડિંગ રાખીને અધિકારીઓ પાસે વધુ સ્પષ્ટતા માંગી છે.
રાજકોટ મહાનગરપાલિકામાં ભવ્યા બાદ કોઠારીયા વિસ્તારનો અકલ્પનીય વિકાસ થઈ રહ્યો છે. રોજબરોજ લાખો લોકોની અવરજવર ધરાવતા રોલેક્સ રોડ (માલધારી ફાટકથી સાંઈબાબા સર્કલ થઈને ભવાની ચોક, કોઠારીયા મેઈન રોડ સુધી) ને હવે ગૌરવપથ જેવી ઓળખ મળશે. ૯૫૦ મીટર લાંબો અને ૨૪ મીટર પહોળો આ રસ્તો સંપૂર્ણપણે
સિમેન્ટ (સીસી રોડ) થી મઢવામાં આવશે, જેના માટે ૧૧.૧૧ કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરાયો છે. આ ઉપરાંત ચોમાસામાં પૂરની સ્થિતિ નિવારવા શિવભવાની રેસિડેન્સી (જૂનું કેસરીનંદન) પાસે જૂના બેઠા પુલની જગ્યાએ પ.૫૪ કરોડના ખર્ચે નવો બોક્સ કલ્વર્ટ (કોઝ-વે) બનાવવાની દરવાસ્તને પણ મંજૂરી અપાઈ છે.
મનપાના રેકર્ડ પર રહેલી ૬.૪૫ લાખ મિલકતો પૈકી બાકી રહેલી ૨.૧૫ લાખ મિલકતોના જિઓટેગિંગ માટે હર્ટ્સ એજન્સીને ૮૨.૪૦ લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ અપાયો છે. આ કામગીરી ૪ મહિનામાં પૂર્ણ થશે, જેનાથી પ્રતિ મિલકત ૩૮.૩૨ રૂપિયાનો ખર્ચ આવશે અને શહેરના ૪૬૦૦૦ લિંકઅપ વગરના કે ભૂતિયા નળ જોડાણોની વાસ્તવિક સ્થિતિ બહાર આવશે. બીજી તરફ,
વાહકજન્ય રોગો (મેલેરિયા, ડેંગ્યુ) ને નાથવા માટે મનપા ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. બંધ ઇમારતો, મોટા જળાશયો અને દુર્ગમ વિસ્તારોમાં મચ્છરોના બ્રીડિંગના સર્વે અને દવા છંટકાવ (લાર્વીસાઈડ ટ્રીટમેન્ટ) માટે પ્રાઈમ યુઝેવી એજન્સીને ૮૧.૧૮ લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ મંજૂર કરાયો છે.
સ્ટેન્ડિંગ કમિટીએ પર્યાવરણના મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. શહેરના ૭ જુદા-જુદા સ્થળોએ (ટીપી પ્લોટ, રામવન વગેરે) મિયાવાકી અને ઘનિષ્ઠ પદ્ધતિથી ૪૪.૬૬ લાખના ખર્ચે ૧૮૨૨૬ વૃક્ષો વાવવાની દરવાસ્ત રજૂ થઈ હતી. પરંતુ ચેરમેને આ દરવાસ્ત પેન્ડિંગ રાખીને ગાર્ડન શાખા પાસે રાજ્ય સરકારના આદેશ મુજબ એક વર્ષમાં '૨૫ લાખ વૃક્ષો વાવવાના' સંપૂર્ણ અને સંકલિત આયોજનની માંગણી કરી છે.
શા માટે 4 દરવાસ્તો પેન્ડિંગ રખાઈ?
-
વૃક્ષારોપણઃ ૨૫ લાખ વૃક્ષોના ટાર્ગેટ સામે ૧૮૨૨૬ વૃક્ષોની છૂટક દરવાસ્ત હોવાથી આખું આયોજન મંગાવાયું.
-
સોલિડ વેસ્ટ કન્સલ્ટન્ટઃ ૧.૧૧ કરોડના ખર્ચે એજન્સી કયા પ્રોજેક્ટ માટે શું કામ કરશે તેની વિગતોનો અભાવ.
-
આઈલેન્ડ જાળવણીઃ ટ્રાફિક સર્કલ અને આઈલેન્ડની જાળવણી અને બ્યુટિફિકેશન માટે ૪.૧૦ કરોડના કોન્ટ્રાક્ટમાં અધૂરી વિગતો.
-
સ્ટેચ્યુટરી ઓડિટઃ ૨૦૨૬-૨૭ અને ૨૦૨૭-૨૮ ના ઓડિટ માટે સીઓની પસંદગીના પેરામીટર કે અનુભવ વિના જ ૧૮.૮૮ લાખ ફી ચૂકવવાની દરવાસ્ત સામે વાંધો.
અન્ય મહત્વના નિર્ણયો
વર્ડ નંબર ૧૫ માં આજી ડેમ ખાતે આવેલા સુપ્રસિદ્ધ દાદા હનુમાન મંદિર રોડને ૨૭ કરોડના ખર્ચે સીસી રોડ બનાવવામાં આવશે, જેથી રસ્તાનું ધોવાણ અટકશે. આ ઉપરાંત મિલકત વેરો અને પાણીવેરો ભરનારને મહત્તમ ૫૦૦૦-૫૦૦૦ રૂપિયા (કુલ ૧૦૦૦૦) ની વ્યાજમાફી આવતા વર્ષના બિલમાં મજરે આપવાની પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી.