પોલીસમેન 10 વર્ષથી ડબ્બા ટ્રેડીંગ ચલાવતો
- સુરેન્દ્રનગરનો ASI સંજયસિંહ રાઠોડ સસ્પેન્ડ, તપાસ જેતપુર PIને સોંપાઈ
- ડબ્બા ટ્રેડીંગમાં 100 કરોડથી વધુના હિસાબી વ્યવહાર મળી આવ્યા
સિટી ન્યૂઝ @ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં રક્ષક જ ભક્ષક બન્યો હોવાનો અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રતનપર વિસ્તારમાં કાયદાના રક્ષક એવા એક ASI (આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર) ના જ નિવાસસ્થાનથી શેરબજારના ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગનું ૧૦૦ કરોડથી વધુનું મસમોટું કૌભાંડ ઝડપાયું છે. સ્થાનિક પોલીસ અને LCB ને ઊંઘતા રાખીને રાજકોટ રેંજ આઈજી નિર્લિપ્ત રાયની સ્પેશિયલ ટીમે આ મેગા ઓપરેશન પાર પાડ્યું છે. આ કૌભાંડમાં આંગડિયા પેઢી મારફતે થતા કરોડોના હવાલાના તાર ખૂલતા ED ની એન્ટ્રી થવાની પૂરેપૂરી સંભાવના છે. સમગ્ર કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર એવા ધજાલા પોલીસ સ્ટેશનના ASI સંજયસિંહ રાઠોડને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયા છે અને સમગ્ર તપાસ સુરેન્દ્રનગર પોલીસ પાસેથી આંચકીને જેતપુર સિટી PI ને સોંપવામાં આવી છે.
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલી રામેશ્વર ટાઉનશિપના મકાન નંબર પર માં ખાખી વર્દીની આડમાં કાળો કારોબાર ધમધમતો હતો. રાજકોટ રેંજ આઈજી નિર્લિપ્ત રાયને મળેલી
ચોક્કસ બાતમીના આધારે તેમની ટીમે દરોડો પાડ્યો હતો. આ મકાન ધજાલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસએસઆઈ સંજયસિંહ રાઠોડનું હોવાનું ખુલ્લું હતું, જ્યાં છેલ્લા ૧૦ વર્ષથી કોઈપણ ડર વિના શેરબજારના સત્તાનું અને ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગનું આંતરરાજ્ય નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું. દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી ૬ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
રેંજ આઈજીની ટીમે દરોડા દરમિયાન ૧૦ લેપટોપ, ૨૯ મોબાઈલ ફોન, ૪ પેન ડ્રાઈવ, વાઈ-ફાઈ રાઉટર, ચોપડા અને ૩,૦૭,૦૦૦ રૂપિયાની રોકડ સહિતનો મોટો મુદામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં જ આ ડિજિટલ આર્થિક વ્યવહારો મળી આવ્યા છે. સૌથી મોટો ખુલાસો એ થયો છે કે સટ્ટાની હારજીતની રકમની કરોડોની લેતીદેતી આંગડિયા પેઢી મારફતે
કરવામાં આવતી હતી. આ નેટવર્ક મની લોન્ડરિંગ અને હવાલા સાથે જોડાયેલું હોવાની આશંકાએ સ્થાનિક પોલીસ પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ને સોંપી, જેનાથી અનેક મોટા માથાઓની સંડોવણી ખૂલવાની શક્યતા છે.
આ કૌભાંડમાં પોલીસને જતીન, લાલો, નિતેશ, એમએનટી, અજય સહિતના ૧૬ જેટલા મોટા બ્રોકરોના નામ મળ્યા છે. જોરાવગરનગર પોલીસ સ્ટેશનમાં ASI સંજયસિંહ રાઠોડ, પકડાયેલા ૬ ગ્રાહકો અને સંચાલકો સહિત કુલ ૨૬ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. રેંજ આઈજી નિર્લિપ્ત રાયે આ કેસની નિષ્પક્ષ તપાસ માટે સુરેન્દ્રનગર પોલીસ પાસેથી સમગ્ર તપાસ આંચકી લઈને જેતપુરના PI એ. ડી. પરમારને સોંપી દીધી છે. ઓનલાઈન ટ્રેડિંગ માટે વપરાતા જુગાર આઈડી અને ડમી બેંક એકાઉન્ટ્સની તપાસ માટે સ્પેશિયલ સાયબર ટીમો કામે લગાવવામાં આવી છે.
રેંજ આઈ.જી. નિર્લિપ્ત રાયે ભાંડાફોડ કર્યો તો સ્થાનિક પોલીસના અધિકારીઓ શું કરતા હતા
16 બ્રોકરો સહિત 26 શખ્સો સામે ગુનો દાખલ આંગડીયા પેઢીથી હારજીતની રકમની લેતી-દેતી કરવામાં આવતી હતી
સ્થાનિક પોલીસ અને LCB ની મિલીભગત? મોટા અધિકારીઓના તપેલા ચડશે
કાયદાનું રક્ષણ કરવાની જવાબદારી જેના માથે છે તેવા પોલીસકર્મીના ઘરમાં જ ૧૦ વર્ષથી આટલું મોટું ડબ્બા ચાલતું હોય અને સ્થાનિક પોલીસ કે LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ને ગંધ સુદ્ધાં ન આવે તે વાત ગળે ઉતરે તેવી નથી. રેંજ આઈજીના આ સફળ ઓપરેશને સુરેન્દ્રનગર પોલીસની લાપરવાહી અને કથિત સંડોવણીની પોલ ખોલી નાખી છે. ઝીરો ટોલરન્સ નીતિ ધરાવતા આઈજી નિર્લિપ્ત રાય આ મામલે અત્યંત કડક વલણ અપનાવશે તે નિશ્ચિત છે, જેના પગલે સુરેન્દ્રનગર પોલીસ બેડામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી દિવસોમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સામે પણ આકરી વહીવટી કાર્યવાહીના એંધાણ વર્તાઈ રહ્યા છે.