ચેમ્પિયન આરસીબી પર કરોડોનો વરસાદ, ગુજરાત ટાઇટન્સ પણ માલામાલ
- આઇપીએલ 2026 ની ભવ્ય એવોર્ડ સેરેમની યોજાઈ, બેંગલુરુની ટીમને મળી 20 કરોડની બમ્પર પ્રાઇઝ મની
- 15 વર્ષના બાળકે 776 રન અને 72 સિક્સર ફટકારી આખી સીઝનમાં ભારે લાઇમલાઇટ લૂંટી
- રાજસ્થાનને 7 કરોડ અને હૈદરાબાદને 6.5 કરોડ, પર્પલ કેપ વિજેતા કગિસો રબાડાને 10 લાખ
સિટી ન્યુઝ @ અમદાવાદ
આઇપીએલ (IPL) 2026 ના રોમાંચક અને હાઈવોલ્ટેજ ખિતાબી મુકાબલાની પૂર્ણાહુતિ બાદ મોટેરા સ્ટેડિયમ ખાતે એક ભવ્ય એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઇનલ મેચમાં શાનદાર વિજય મેળવીને સતત બીજી વખત આઇપીએલ ચેમ્પિયન બનેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને રનર-અપ રહેલી ગુજરાત ટાઇટન્સ (GT) ની ટીમ પર પૈસાનો પ્રચંડ વરસાદ થયો હતો. આ ભવ્ય સમારોહમાં સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન આક્રમક અને શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓ તેમજ ટીમોને કરોડો રૂપિયાની ઇનામી રકમ અને ખાસ ટ્રોફી એનાયત કરીને નવાજવામાં આવ્યા હતા.
સત્તાવાર જાહેરાત મુજબ, વિજેતા બનેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમને ટ્રોફી સાથે 20 કરોડ રૂપિયાની બમ્પર પ્રાઇઝ મની એનાયત કરાઈ હતી, જ્યારે રનર-અપ રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમને 12.50 કરોડ રૂપિયાની રકમથી સંતોષ માનવો પડ્યો હતો. આ ઉપરાંત ત્રીજા સ્થાન પર રહેલી રાજસ્થાન રોયલ્સની ટીમને 7 કરોડ રૂપિયા અને ચોથા નંબરની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદને 6.5 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ઇનામોની આ યાદીમાં પંજાબ કિંગ્સને શિસ્તબદ્ધ રમત માટે ફેડ પ્લે એવોર્ડ અને કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાનને શ્રેષ્ઠ પિચ માટે 50 લાખ રૂપિયાનો પુરસ્કાર મળ્યો હતો.
આ સીઝનમાં રાજસ્થાન રોયલ્સના યુવા ભારતીય બેટર વૈભવ સૂર્યવંશીએ સમગ્ર ક્રિકેટ જગતમાં ભારે સનસનાટી મચાવી દીધી છે. વૈભવે આખી સીઝનમાં સૌથી વધુ 776 રન ફટકારીને 10 લાખ રૂપિયાની ઇનામી રકમ સાથેની પ્રતિષ્ઠિત ઓરેન્જ કેપ પોતાના નામે કરી લીધી છે. આ સિવાય તે ઇમર્જિંગ પ્લેયર અને સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સીઝન પણ બન્યો હતો, જેના બદલે તેને ટાટા સિયેરા (Tata Sierra) કાર ભેટમાં મળી હતી. જ્યારે ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર કગિસો રબાડાએ સીઝનમાં સૌથી વધુ 29 વિકેટો ઝડપીને 10 લાખ રૂપિયાની ચમકતી પર્પલ કેપ મેળવી હતી.
ફાઇનલ મેચમાં રન મશીન વિરાટ કોહલીનો જબરો દબદબો
ગુજરાત સામેની મહાફાઇનલ મેચમાં ધમાકેદાર બેટિંગ કરનાર વિરાટ કોહલી જીતનો મુખ્ય હીરો સાબિત થયો હતો. કોહલીને પ્લેયર ઓફ ધ મેચ, સુપર સિક્સિસ અને ઓન ધ ગો ફોર જેવા મહત્વના એવોર્ડ્સ એનાયત કરાયા હતા. આ સીઝનમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ-5 બેટર્સની યાદીમાં શુભમન ગિલ 732 રન સાથે બીજા અને સાઇ સુદર્શન 722 રન સાથે ત્રીજા સ્થાને રહ્યા છે.