હવે કાલથી શિક્ષકોનું રાજ્યભરમાં આંદોલન
=> 20 જૂન સુધી ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર આપશે
સિટી ન્યૂઝ@અમદાવાદ
ખેડૂતો બાદ હવે શિક્ષકો દ્વારા પણ રાજ્યભરમાં આંદોલન કરવામાં આવશે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની બેઠકમાં આવતીકાલથી ૨૦ જૂન સુધી તમામ જિલ્લાઓમાં ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર આપી વિરોધ કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ બંને પોતપોતાની રીતે કાર્યક્રમો યોજવાના છે. સુપ્રીમ કોર્ટે તમામ શિક્ષકો માટે TET પરીક્ષા પાસ કરવી ફરજિયાત કરી છે. જેથી વિરોધ પ્રદર્શન કરી ૨૦૧૦ પહેલાના શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવા માટે આંદોલન કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે શિક્ષકો માટે એક મહત્વનો ચુકાદો આપતાં નિર્દેશ આપ્યો છે કે, શિક્ષણ સર્વિસ સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) પાસ કરવી ફરજિયાત રહેશે. જે શિક્ષકોની નોકરીને પાંચ વર્ષથી વધુ સમય બાકી છે, તેમણે TET પાસ કરવી ફરજીયાત કરવામાં આવ્યું છે. જો તેઓ આમ નહીં કરે તો રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે. જોકે કોર્ટે માત્ર પાંચ વર્ષ બાકી રહેલા શિક્ષકોને રાહત આપી છે.
જેથી સુપ્રિમ કોર્ટના આ નિર્ણયના કારણે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને યોગ્ય ન ગણી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ૩૩ જિલ્લામાં ૩ દિવસ સુધી અલગ અલગ પ્રકારે ધરણા પ્રદર્શન અને આંદોલન કરવાની તૈયારી કરવામાં આવી છે.