સોમનાથમાં શ્રાવણના પ્રથમ સોમવારે માનવસાગર છલકાયો
- સાંજ સુધીમાં 1.43 લાખથી વધુ ભાવિકોએ શીશ ઝુકાવ્યું; 91 ધ્વજાપૂજા, 73 સોમેશ્વર મહાપૂજા અને મહામૃત્યુંજય યજ્ઞમાં 57 હજારથી વધુ આહુતિ
સિટી ન્યૂઝ@રવિ ખખ્ખર-ગીર સોમનાથ
શિવભક્તિ માટે પવિત્ર ગણાતા શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરવા ભાવિકોનો માનવસાગર ઉમટી પડ્યો હતો. સોમનાથ મહાદેવના પ્રથમ દર્શન કરવાની અપેક્ષાએ રવિવારની મોડી રાતથી જ હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ યાત્રાધામમાં પહોંચ્યા હતા. વહેલી સવારે ૪ વાગ્યે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી સમગ્ર મંદિર પરિસર શિવમય બની ગયું હતું.
સાંજ ૬ વાગ્યા સુધીમાં ૧.૪૩ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. ગત વર્ષની સરખામણીએ આ વખતે यात्री પ્રવાહમાં બમણો વધારો નોંધાયો હતો.
સવારે ૯:૩૦ વાગ્યે સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવની ભવ્ય પાલખીયાત્રા યોજાઈ હતી. પ્રથમ ટ્રસ્ટી પી.કે. લહેરી, જીએમ વિજયસિંહ ચાવડા સહિતના હસ્તે સોમનાથ મહાદેવના ગુજારવિંદની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ મુખારવિંદને પાલખીમાં બિરાજમાન કરી મંદિર પરિસરમાં નગરચર્યા કરાવવામાં આવી હતી.
પાલખીયાત્રા દરમિયાન જય સોમનાથ અને હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અનેક ભાવિકોએ પાલખી ઊંચકીને પુણ્યનું ભાથું બાંધવાનો લ્હાવો મેળવ્યો હતો. જાણે સ્વયં મહાદેવ ભક્તોને આશીર્વાદ આપવા આવ્યા હોવી તેવી અનુભૂતિ ભાવિકોએ કરી હતી.
શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ દર્શન માટે રવિવારની મોડી રાતથી જ આસપાસના તાલુકા અને પંથકમાંથી મોટી સંખ્યામાં શિવભક્તો પગપાળા સોમનાથ તરફ આવી રહ્યા હતા. સોમનાથ પહોંચવાના માર્ગો અને ફાઈવ પર પગપાળા યાત્રિકોનો પ્રવાહ જોવા મળ્યો હતો.
પગપાળા આવતા ભક્તો માટે વિવિધ સ્થળોએ સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ તથા જૂથો દ્વારા ફરાળ, ચા અને પાણીના સ્ટોલ ઉભા કરી સેવા કરવામાં આવી હતી.
સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા દાતાઓથી ભાવિકોમાં પરમ આસ્થાનું કેન્દ્ર રહી છે. શ્રાવણના પ્રથમ સોમવારે અત્યાર સુધીના તમામ વિક્રમને પાર કરતાં ૯૧ ધ્વજાપૂજા નોંધાઈ હતી. વેદોક્ત મંત્રોચ્ચાર સાથે વિધિবিধানપૂર્વક ધ્વજાપૂજા કરી ભક્તોએ સોમનાથ મહાદેવના પરમ સાનિધ્યનો અનુભવ કર્યો હતો. આ ઉપરાંત મહામૃત્યુંજય યજ્ઞમાં ૫૭ હજારથી વધુ આહુતિ, ૭૩ સોમેશ્વર મહાપૂજા, ૯૩૭ રુદ્રાભિષેક અને ૩૨ પાઠાત્મક લઘુરુદ્ર યોજાયા હતા.
ટ્રસ્ટ-પોલીસની આગોતરી વ્યવસ્થાથી દર્શન સરળ બન્યા
પ્રથમ સોમવારે ઉમટેલા વિશાળ ચારી પ્રવાહને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. યાત્રિકોની સુરક્ષા અને ઝડપી પ્રવેશ માટે મોટી સંખ્યામાં ફિરિંગ ક્યુ ગોઠવવામાં આવી હતી. સામાનની સુરક્ષા માટે વિશાળ ક્લોકરૂમની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભીડને નિયંત્રિત કરવા અને દર્શન પ્રક્રિયા સરળ બનાવવા ઝીગઝેગ લાઈન વ્યવસ્થાનું સઘન પાલન કરાવવામાં આવ્યું હતું. આગોતરી વ્યવસ્થાના પરિણામે મોટી સંખ્યામાં ભક્તોની હાજરી છતાં દર્શનાર્થીઓએ સુલભતા અને શાંતિપૂર્ણ માહોલમાં સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન યાત્રિકોની સુરક્ષા અને સુવિધા જળવાઈ રહે તે માટે તંત્ર સતત કાર્યરત રહેશે.
સફેદ વસ્ત્રો અને પુષ્પોથી મહાદેવનો અલૌકિક શણગાર
પ્રથમ સોમવારે સવારે ૭ વાગ્યે મહાપૂજા અને મહાઆરતી સમયે સોમનાથ મહાદેવને સફેદ વસ્ત્રો તથા ગુલાબ સહિતના વિવિધ પુષ્પોથી અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. શણગારના દર્શન કરી ભાવિકો ભાવવિભोर બન્યા હતા. ત્યારબાદ સવારે ૮ વાગ્યાથી ભાવિકોના હસ્તે સોમેશ્વર મહાપૂજા, ધ્વજાપૂજા સહિતની વિવિધ પૂજાઓનો પ્રારંભ થયો હતો.