સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશની પ્રથમ વિસ્ટાડોમ બસ!
- પારદર્શક સ્કાય-વ્યૂ છત સાથે આધુનિક પરિવહન શરૂ!
- ગુજરાત પ્રવાસન ક્ષેત્રમાં અનોખી લક્ઝરી સુવિધા!
- ૩૬૦ ડિગ્રી ફરી શકે તેવી સીટ્સની સગવડ!
સિટી ન્યુઝ @ ગાંધીનગર
ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં આધુનિક પરિવહનની દિશામાં એક અદ્ભુત અને નવીન પહેલ કરવામાં આવી છે, જેના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે દેશની પ્રથમ વિસ્ટાડોમ એસી બસ સેવા શરૂ કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) અને ગુજરાત ટુરિઝમના સહયોગથી શરૂ થયેલી આ વિશેષ બસ સેવામાં મુસાફરોને ટ્રેનની જેમ જ બસમાં બેસીને પણ પારદર્શક છતમાંથી કુદરતી નજારાઓનો આનંદ માણવાનો અનોખો લહાવો મળશે.
અંદાજે ૨.૧૯ કરોડ રૂપિયાની કિંમત ધરાવતી આ લક્ઝરી બસમાં પારદર્શક સ્કાય-વ્યૂ છત, ૩૬૦ ડિગ્રી ફરી શકે તેવી ૨૩ પ્રીમિયમ રિવોલ્વિંગ સીટ્સ, એલઇડી સ્માર્ટ ટીવી અને ટી-કોફી મશીન જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.
પ્રથમ તબક્કામાં બે બસો કાર્યરત કરવામાં આવી છે, અને આગામી સમયમાં કચ્છના રણોત્સવ તથા રાજ્યના અન્ય હેરિટેજ રૂટ્સ પર પણ આવી વધુ ત્રણ વિસ્ટાડોમ બસો દોડાવવાનું ભવિષ્યનું આયોજન છે.
બસોની બહારની બોડી પર સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ, દ્વારકા અને ગીર જેવા ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળોના આકર્ષક ગ્રાફિક્સ દર્શાવવામાં આવ્યા છે, જે પ્રવાસીઓ માટે આકર્ષક કેન્દ્ર બનશે.
ગુજરાત પ્રવાસન અને આધુનિક પરિવહનનો સમન્વય
કોઈપણ પ્રદેશના પર્યટન વિકાસ માટે પરિવહનની સુવિધાઓ માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાનું સાધન નથી હોતી, પરંતુ તે પ્રવાસના અનુભવને યાદગાર બનાવવામાં કેન્દ્રસ્થાન ધરાવતી હોય છે. ટ્રેનોમાં જ જોવા મળતી વિસ્ટાડોમ કોચની વિભાવનાને રોડ ટ્રાન્સપોર્ટ અને બસ સેવામાં સફળતાપૂર્વક ઉતારવી એ ગુજરાત પ્રવાસન નિગમની એક દૂરગામી અને પ્રશંસનીય સોચ દર્શાવે છે. આવી પ્રીમિયમ અને આધુનિક સુવિધાઓ દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષિત કરવાની સાથે સ્થાનિક પર્યટનને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં અત્યંત નિર્ણાયક સાબિત થશે.