Loading Please Wait !!!
30 વર્ષની ઉંમરમાં બે સંતાન કરો 10 લાખ રૂપિયા મેળવો

શ્રી પત્રી વીસા ઓસવાળ જૈન મહાજન સંચાલિનો નિર્ણય

સમાજમાં વહેલા લગ્ન અને સંતાનપ્રાપ્તિને પ્રોત્સાહન આપતી યોજના દાતાઓના સહયોગથી અમલમાં મૂકવામાં આવે છે

સિટી ન્યૂઝ@કચ્છ

આધુનિક યુગમાં શિક્ષણ, કારકિર્દી અને વ્યાવસાયિક સફળતાને પ્રાધાન્ય મળતાં યુવાનોમાં લગ્નની ઉંમર સતત વધી રહી છે. લગ્ન મોડાં થવાને કારણે સંતાનપ્રાપ્તિ પણ મોડેથી થઈ રહી છે, જેના પરિણામે સમાજના જન્મદરમાં ચિંતાજનક ઘટાડો નોંધાઈ રહ્યો છે. જો આ પ્રવૃત્તિ લાંબા ગાળે યથાવત રહે તો સમાજની વસ્તી, સામાજિક માળખું અને આગામી પેઢીના વિકાસ પર એની સીધી અસર પડી શકે છે.

આ ગંભીર અને સમયોચિત મુદ્દાને ધ્યાનમાં રાખીને કચ્છના પત્રી ગામના શ્રી પત્રી વીસા ઓસવાળ જૈન મહાજન સંચાલિત શ્રી પત્રી મુંબઈ મહાજને તેમના સમાજના ઈતિહાસમાં પ્રથમ વખત એક ક્રાંતિકારી અને દૂરંદેશી યોજના જાહેર કરી છે. સમાજના આગેવાનોના મતે આ યોજના માત્ર ઇનામ કે આર્થિક સહાય પૂરતી મર્યાદિત નથી; સમાજના ભવિષ્યને સુરક્ષિત બનાવવા, પરિવાર-પ્રણાલીને વધુ મજબૂત બનાવવા અને નવી પેઢીના નિર્માણ માટેનું એક સામાજિક અભિયાન છે.

સમાજમાં વહેલા લગ્ન અને સંતાનપ્રાપ્તિને પ્રોત્સાહન આપતી આ યોજના દાતાઓના સહયોગથી અમલમાં મૂકવામાં આવી રહી છે એમ જણાવતાં આ મહાજનના સેક્રેટરી હિતેષ સાવલાએ 'મિડ-ડે'ને કહ્યું હતું કે ‘આજનો યુવાવર્ગ તેના જીવનમાં કરીઅરને વધુ પ્રાધાન્ય આપવા લાગ્યો છે જેને કારણે તેઓ પહેલાં એજ્યુકેશન પાછળ વર્ષો કાઢી નાખે છે અને ત્યાર પછી તેમના જૉબમાં વ્યસ્ત બની જાય છે. તેથી તેમનાં મૅરેજ મોડી ઉંમરે થાય છે અથવા તો તેમને મૅરેજનો રસ રહેતો નથી. એને કારણે સમાજમાં જન્મદર ઘટી રહ્યો છે, વસ્તી ઘટતી જાય છે.

આથી અમે ઘણા સમયથી એક યોજના પર અભ્યાસ કરીને એને કેવી રીતે અમલમાં મૂકવી એના પર વિચારણા કરી રહ્યા હતા. આખરે તાજેતરમાં સમાજની એક પિકનિક દરમ્યાન અમારી યોજના સમાજ સમક્ષ મૂકીને એના અમલની શરૂઆત કરી હતી. જેવી આ યોજનાની જાહેરાત થઈ કે તરત જ દાતાઓએ પણ આ યોજનાને સફળતાપૂર્વક પાર કરવા માટે ખોબલે-ખોબલે દાનની રકમ આપી હતી.