Loading Please Wait !!!
સફાઈ કામદારોએ વિવિધ પ્રશ્ને કામગીરી બંધ કરી વિરોધ નોંધાવ્યો

  • કમી સફાઈ કામદારો, માનદ વેતન, સમયસર પગાર અને ભ્રષ્ટાચારના મુદ્દે તાત્કાલિક તપાસની માંગ
  • ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી

સિટી ન્યૂઝ @ રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧ મિત્ર મંડળ ખાતે ફરજ બજાવતા સફાઈ કામદારોએ વિવિધ ગંભીર પ્રશ્નોને લઈને આજે કામગીરી બંધ રાઝી વિરોધ નોંધાવ્યો હતો. કામદારોએ પોતાની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા સાથે સમગ્ર વ્યવસ્થાની પારદર્શક તપાસની માંગ કરી છે. સફાઈ કામદારોએ કમી સફાઈ કામદારોની વ્યવસ્થા, માનદ વેતન, ૧થી ૧૦ તારીખ દરમિયાન પગારની ચૂકવણી તેમજ વોર્ડમાં ચાલી રહેલી હોવાનો આક્ષેપ કરવામાં આવતા ભ્રષ્ટાચાર અને કૌભાંડો અંગે તાત્કાલિક તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરી છે. કામદારોએ જણાવ્યું હતું કે તેઓ નિયમિત રીતે પોતાની ફરજ બજાવે છે. તેમ છતાં કોઈ વ્યક્તિ તેમની જગ્યાએ કમી તરીકે કામ કરતી હોય અથવા હાજરી તથા પગાર સંબંધિત કોઈ ગેરરીતિ થતી હોય તો સમગ્ર વ્યવસ્થાની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે, ખાસ કરીને હાજરીના રેકોર્ડ, ફરજ ફાળવણી અને પગારની પ્રક્રિયાની ચકાસણી કરવાની માંગ કરવામાં આવી છે. રાજકોટ કામદાર યુનિયને વોર્ડ નં. ૧માં સફાઈ કામદારોની હાજરી, પગાર, માનદ વેતન, ફરજ ફાળવણી તથા અન્ય નાણાકીય વ્યવહારોની તાત્કાલિક તપાસ કરવા રજૂઆત કરી છે.

તપાસ દરમિયાન કોઈ ગેરરીતિ કે કૌભાંડ બહાર આવે તો જવાબદાર અધિકારીઓ, કર્મચારીઓ અથવા અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે. યુનિયનનું કહેવું છે કે સફાઈ કામદારો શહરેની સ્વચ્છતા વ્યવસ્થામાં મહત્વની ફરજ બજાવે છે, ત્યારે તેમના હક અને પગાર સંબંધિત પ્રશ્નોનું સમયસર નિરાકરણ થવું જરૂરી છે. કામદારોને સમયસર માનદ વેતન અને પગાર મળે તથા ફરજની વ્યવસ્થા પારદર્શક રહે તેવી માંગ કરવામાં આવી છે. રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાએ જણાવ્યું હતું કે સફાઈ કામદારોના હક અને ન્યાયાના પ્રશ્ને કોઈપણ પ્રકારનું દબાળ સહન કરવામાં આવશે નહીં. કામદારોની સમસ્યાઓનું કાયમી અને પારદર્શક નિરાકરણ ન આવે ત્યાં સુધી યુનિયન લોકશાહી અને કાયદેસરના માર્ગે લડત ચાલુ રાખશે. વોર્ડ નં. ૧ની સમગ્ર વ્યવસ્થાની નિષ્પક્ષ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.