Loading Please Wait !!!
ગુજરાત સરકાર દ્વારા ITI ઇન્સ્ટ્રક્ટરોને મોટી ભેટ!

  • પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરોના મહેનતાણામાં સીધો બમણો વધારો!
  • કૌશલ્ય તાલીમ વ્યવસ્થાને મજબૂત કરવા સરકાર સક્રિય!
  • અનુભવી ઇન્સ્ટ્રક્ટરો આઈટીઆઈ સાથે જોડાવા માટે પ્રેરાશે!

સિટી ન્યુઝ @ ગાંધીનગર 

રાજ્યની સરકારી અને અનુદાનિત આઈટીઆઈ (ITI) માં તાલીમ આપતા પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરો માટે રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્યાર સુધી કલાકના માત્ર ૯૦ રૂપિયા લેખે માનદ વેતન મેળવતા આ ઇન્સ્ટ્રક્ટરોને હવે કલાકના ૧૮0 રૂપિયા મળશે, એટલે કે તેમના મહેનતાણામાં સીધો બમણો વધારો કરવામાં આવ્યો છે.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા ઠરાવ મુજબ માત્ર કલાકદીઠ જ નહીં પરંતુ દૈનિક અને માસિક મહત્તમ મર્યાદામાં પણ બમણો વધારો કરાયો છે.

જેના કારણે અગાઉ દૈનિક ૫૪0 રૂપિયા મળતા હતા તે હવે વધીને ૧,૦૮0 રૂપિયા થયા છે, જ્યારે માસિક મહત્તમ માનદ વેતન ૧૪,૦૪0 રૂપિયાથી વધારીને ૨૮,૦૮0 રૂપિયા કરી દેવામાં આવ્યું છે.

સરકારના આ સરાહનીય નિર્ણયથી વધુ કુશળ અને અનુભવી ઇન્સ્ટ્રક્ટરો આઈટીઆઈ સાથે જોડાવા માટે પ્રેરાશે, જેનાથી વિદ્યાર્થીઓને ઉદ્યોગોની જરૂરિયાત મુજબ ઉત્તમ પ્રેક્ટિકલ તાલીમ મળી રહેશે.

કૌશલ્ય વિકાસ અને તાલીમ ક્ષેત્રે મહત્વનું પગલું

ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) એ યુવાનોને રોજગારીક્ષમ અને કુશળ બનાવવામાં કરોડરજ્જુ સમાન ભૂમિકા ભજવતી હોય છે. જ્યારે આવા સંસ્થાઓમાં પાયાનું માર્ગદર્શન આપતા પ્રવાસી ઇન્સ્ટ્રક્ટરોનું આર્થિક ઉત્થાન કરવામાં આવે, ત્યારે તે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉત્સાહી કાર્યસંસ્કૃતિને સીધી પ્રોત્સાહન પૂરું પાડે છે. સરકારની આ સક્રિયતા રાજ્યના યુવાધન માટે ઉજ્જવળ તકોનું નિર્માણ કરવામાં અત્યંત કારગર સાબિત થશે.