Loading Please Wait !!!
કચ્છમાં દુષ્કાળના કારણે માલધારીઓની હિજરત શરૂ!

  • આઠસોથી વધુ પશુઓ સાથે માલવણ પહોંચ્યા પરિવારો!
  • ઘાસચારા અને પાણીની અછતથી માલધારીઓ લાચાર!
  • બાળકોનું ભણતર છૂટતા પરિવારમાં ચિંતા વધી!

    સિટી ન્યુઝ @ સુરેન્દ્રનગર 

    ગુજરાતમાં ચાલુ વર્ષે અપૂરતા વરસાદના કારણે સર્જાયેલી ઘાસચારા અને પાણીની ગંભીર અછતની સૌથી મોટી અસર પશુપાલન પર નિર્ભર પરિવારો પર જોવા મળી રહી છે, જેના કારણે કચ્છના માલધારીઓ વતન છોડવા મજબૂર બન્યા છે.

    કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં ચારાની તંગી સર્જાતા સોથી વધુ માલધારી પરિવારો પોતાના આઠસોથી વધુ પશુઓને લઈને પગપાળા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના માલવણ ગામે પહોંચ્યા છે અને હાઇવે નજીક તંબુ બાંધી વસવાટ કરી રહ્યા છે.

    દિવાળી જેવા તહેવારોમાં જ્યાં એક તરફ લોકો પરિવાર સાથે ખુશીઓ મનાવી રહ્યા છે, ત્યારે આ માલધારી પરિવારો પોતાના મૂગા પશુધનનો નિભાવ કરવા માટે ઘરબાર છોડીને ખુલ્લા આકાશ નીચે જીવન વિતાવી રહ્યા છે.

    હિજરત કરવાના કારણે નાના બાળકોનું શિક્ષણ અધવચ્ચે જ છૂટી ગયું છે, સાથોસાથ વીજળી અને પંખાની સગવડ ન હોવાથી અસહ્ય તડકા, કેનાલના કારણે વધેલા મચ્છરોના ઉપદ્રવ અને બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે.

    માલધારીઓએ સરકાર સમક્ષ માંગ કરી છે કે જો વતન અથવા આસપાસના વિસ્તારોમાં રાહતના ભાવે ઘાસચારો પૂરો પાડવામાં આવે અને કેટલ કેમ્પ શરૂ કરવામાં આવે, તો આ પ્રકારની હિજરત અટકાવી શકાય તેમ છે.

    પશુપાલન વ્યવસાય અને માલધારીઓની સામાજિક વેદના

    ગુજરાતની સંસ્કૃતિ અને ગ્રામીણ અર્થવ્યવસ્થામાં પશુપાલન અને માલધારી સમાજનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે, પરંતુ જ્યારે કુદરતી પ્રકોપ કે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે, ત્યારે આ વર્ગને સૌથી મોટો આર્થિક અને માનસિક આઘાત સહન કરવો પડતો હોય છે. પોતાના પશુધનને બચાવવા માટે વતન છોડીને અજાણ્યા પ્રદેશોમાં ભટકવું, બાળકોના ભણતરનો ભોગ લેવાવો અને પ્રાથમિક સુવિધાઓ વિના જીવન વિતાવવું એ કોઈપણ કલ્યાણકારી સમાજ માટે ગંભીર ચિંતનનો વિષય છે. પશુપાલકો માટે કાયમી ધોરણે ઘાસારાની વ્યવસ્થા અને રાહત પેકેજો સમયસર ઉપલબ્ધ કરાવવા એ પ્રશાસનની પ્રાથમિક જવાબદારી બનવી જોઈએ.