પંજાબમાં આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ઝટકો!
ચોવીસ કલાકમાં આપના ત્રીજા ધારાસભ્યનું રાજીનામું!
પૂર્વ આઈપીએસ કુંવર વિજય પ્રતાપે ધારાસભ્યપદ છોડ્યું!
પોતાની જ સરકાર સામે અવાજ ઉઠાવનાર નેતા ફર્યા!
સિટી ન્યુઝ @ ચંદીગઢ
પંજાબના રાજકારણમાં આમ આદમી પાર્ટી (AAP) માટે સંકટના વાદળો વધુ ઘેરા બન્યા છે, કારણ કે માત્ર ચોવીસ કલાકની અંદર જ પાર્ટીના ત્રીજા ધારાસભ્ય અને પૂર્વ આઈપીએસ અધિકારી કુંવર વિજય પ્રતાપ સિંહે વિધાનસભા સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.
અમૃતસર નોર્થ બેઠક પરથી ધારાસભ્ય એવા કુંવર વિજય પ્રતાપે પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ કુલતાર સિંહ સંધવાં મોકલી આપીને 1 નવેમ્બર, 2026 થી અમલી ગણવાની રજૂઆત કરી છે.
રવિવારે જ સમાના બેઠકના ધારાસભ્ય ચેતન સિંહ જોડામાજરા અને સનોર બેઠકના ધારાસભ્ય હરમીત સિંહ પઠાનમાજરાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું, અને હવે કુંવર વિજય પ્રતાપ પણ ભાજપ કાર્યાલય પહોંચીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ છે.
ઉલ્લેખનીય છે કે કુંવર વિજય પ્રતાપ સિંહ છેલ્લા કેટલાક સમયથી બેઅદબી કેસ, ઝેરી દારૂની ઘટના અને બિક્રમ મજીઠિયા જેવા મુદ્દાઓ પર પોતાની જ ભગવંત માન સરકારની કાર્યશૈલી સામે જાહેરમાં સવાલો ઉઠાવતા આવ્યા હતા અને તેમને ગયા વર્ષે પક્ષમાંથી નિલંબિત પણ કરાયા હતા.
વર્ષ 2021માં પોલીસ સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લઈને રાજકારણમાં આવેલ આ નેતાના રાજીનામાથી પંજાબના રાજકીય સમીકરણોમાં મોટો બદલાવ આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
પક્ષ પલટો અને આંતરિક અસંતોષનું રાજકારણ
ભારતીય લોકશાહીમાં રાજકીય પક્ષો અને નેતાઓ વચ્ચેનો સંબંધ ઘણીવાર સત્તા અને વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની આસપાસ જ ફરતો જોવા મળતો હોય છે. જ્યારે કોઈ ધારાસભ્ય પોતાની જ સરકાર સામે લાંબા સમય સુધી મોરચો ખોલીને અચાનક પક્ષ છોડી દે છે, ત્યારે તે શાસન પ્રણાલી અને પક્ષીય શિસ્ત પર ગંભીર સવાલો ઊભા કરે છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર સામે ઉઠતા અસંતોષના અવાજો અને ટાંકણે જ નેતાઓનો પક્ષપલટો દર્શાવે છે કે રાજકારણમાં સ્થાયી મિત્રતા કે સિદ્ધાંતો કરતા રાજકીય સમીકરણો વધુ શક્તિશાળી સાબિત થતા હોય છે. જનતાના ભરોસા પર ચૂંટાઈ આવેલા પ્રતિનિધિઓ જ્યારે આ રીતે પક્ષ બદલે છે, ત્યારે તેનાથી સામાન્ય નાગરિકોનો રાજકારણ પ્રત્યેનો વિશ્વાસ ડગમગવા લાગે છે.