વૃક્ષો નહીં ઉગ્ર ભ્રષ્ટાચાર ઉગ્યો ! ડિવાઈડરમાં કાળી માટીના બદલે ઈંટ-પથ્થર
વોર્ડ નં. 11માં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો ઘાટ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૧ માં વિકાસ અને પર્યાવરણ જાળવણીના નામે કેવો ખુલ્લો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તેનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના માર્ગો પર સુંદરતા વધારવા અને હરિયાળી લાવવા માટે રોડ વચ્ચે આવેલા ડિવાઈડરમાં વૃક્ષો અને છોડ વાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સામાન્ય નિયમ અને વનસ્પતિ વિજ્ઞાન મુજબ, આ ડિવાઈડરોમાં વૃક્ષોના યોગ્ય ઉછેર માટે ફળદ્રુપ ‘કાળી માટી’ નાખવાની હોય છે. પરંતુ, વાસ્તવિકતા કંઈક અલગ જ છે. કાળી માટીના બદલે અહીં કોન્ટ્રાક્ટરો દ્વારા બાંધકામનો નકામો કાટમાળ, મોટા પથ્થરો અને ઈંટોનો ભુકો ઠાલવી દેવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટના રાજકોટ મનપાની “અંધેરી નગરી અને ગંડુ રાજા” જેવી વહીવટી સ્થિતિની યાદી આપે છે. એક જાગૃત નાગરિક દ્વારા આ ગંભીર બેદરકારી અંગે વોર્ડ નંબર ૧૧ ના સ્થાનિક કોર્પોરેટર તેમજ મનપાની ગાર્ડન શાખા ચેરમેનને આજથી ૧૦ દિવસ પહેલા જ ફોન દ્વારા સ્પષ્ટ જાણ કરવામાં આવી હતી. આમ છતાં, જાણે કોઈ અધિકારી કે પદાધિકારીને
પ્રજાની રજૂઆતની કે પર્યાવરણની કોઈ પડી જ ન હોય તેમ આજ દિન સુધી કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. તંત્રની આ નિષ્ક્રિયતા અને મૌન અનેક સવાલો ઊભા કરે છે. સામે આવેલી તસવીરોમાં સ્પષ્ટપણે દર્શાવે છે કે પીળા અને કાળા રંગથી રંગાયેલા ડિવાઈડરની વચ્ચે માત્ર કચરો અને કાટમાળ જ ભરેલો છે. જો પર્યાવરણ બચાવવા માટે કરવામાં આવતા વૃક્ષારોપણ જેવા કામમાં પણ આ હદે ‘ભભૂતિનો ભ્રષ્ટાચાર’ આચરવામાં આવતો હોય, તો શહેરના અન્ય મોટા પ્રોજેક્ટ્સમાં કેવા ખેલ થતા હશે તેની માત્ર કલ્પના જ કરવી રહી. સિમેન્ટ, ઈંટોના ભુકા અને પથ્થરો વચ્ચે લીલાછમ છોડ કેવી રીતે જીવંત રહેશે તે એક મોટો પ્રશ્ન છે.
હવે સવાલ એ ઊભો થાય છે કે કાળી માટીના નામે મંજૂર થયેલા નાણાં કોના ખિસ્સામાં ગયા? ભ્રષ્ટાચારની આ ઉધઈ હવે વૃક્ષોના મૂળ સુધી પહોંચી ગઈ છે. લોકો ક્રોધિત રહ્યા છે કે મ્યુનિસિપલ કમિશનર આ મામલે સીધી દખલગીરી કરી, કસૂરવારો સામે કડક પગલાં લે અને તાત્કાલિક આ કાટમાળ હટાવીને યોગ્ય માટી નાખી સાચા અર્થમાં વૃક્ષારોપણ કરાવે.