Loading Please Wait !!!
પ્લેન ક્રેશ સાઇટ પર વિજયભાઈ રૂપાણીની તસવીર મૂકી મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ

એક વર્ષ પછી પણ તાજુ દુઃખ: સાઇટ પર પરિવારજનોનું હૈયાફાટ રૂદન

વિજયભાઈ રૂપાણીની દીકરી રાધિકાએ પ્લેન ક્રેશ સાઇટ સ્થળે વૃક્ષારોપણ કર્યું

સીટી ન્યૂઝ@અમદાવાદ

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં મેન્ટલ બારી ટર્નિંગ નજીક સિવિલ હોસ્પિટલની મેસ પર ૧૨ જૂન ૨૦૨૫ના રોજ અમદાવાદથી લંડન જતી AI૧૭૧ ફ્લાઈટનું પ્લેન ક્રેશ થતા ૨૬૦થી વધારે લોકોના કરુણ મોત થયા હતા. આજે(૧૨ જૂન) અમદાવાદ પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે પ્લેન ક્રેશ સાઇટ પર મૃતકના પરિવારજનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. શાહીબાગ ઘોડા કેમ્પ રોડ પર રહેતા અને મેન્ટલ બારી નજીક ઝાડ નીચે ચાની કીટલી ધરાવનાર મહિલા સીતાબેન પરમારનો ૧૫ વર્ષીય પુત્ર આકાશ પરમાર આ ઘટનામાં દાઝી જવાથી મૃત્યુ પામ્યો હતો. તેની માતા અને પરિવારજનો આજે પ્લેન ક્રેશ સાઇટ પર તેને યાદ કરીને વિલાપ કરી રહ્યા છે.આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના દીકરી રાધિકા રૂપાણીએ સાઇટ સ્થળે વૃક્ષ રોપણ કર્યું હતું. તેમણે પિતા સહિત તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. મૂળ કલોલના અને લંડનમાં સ્થાયી થયેલા પત્ની અને દીકરાને ગુમાવનાર યુવાને રડતાં રડતાં કહ્યું કે, અમને સાચો ન્યાય ક્યારે મળશે.પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના દીકરી રાધિકા રૂપાણી પણ બી.જે. મેડિકલ કોલેજ પહોંચ્યા હતા. જેમણે મૃતકોની યાદમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પ્લેન ક્રેશની ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. અમે આ ગોઝારી દુર્ઘટનાને અનુભવી છે. આજના દિવસે બધા જ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. પપ્પા સાથે ૨૬૦ લોકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. પપ્પાએ જે સેવાકાર્યો શરૂ કર્યા હતા જેમણે બધા લોકો આગળ ધપાવી રહ્યા છે અને અમે પણ તેને આગળ ધપાવીશું. બધા લોકો પપ્પાને યાદ કરી રહ્યા છે જેનું આજે અમને ગર્વ છે. ગુજરાત આગળ વધે તે પપ્પાનું સ્વપ્ન હતું જેથી તેને લઈને પણ અમે પ્રયાસ કરીશું.