હાઈ વે ઉપર ડીઝલનો કાળો ખેલ સામાન્ય જનતાને `નો સ્ટોક' સેટિંગવાળાને `જથ્થો' અપાઈ ગયો
=> અછતનો ડ્રામા : કાળાબજારી બેફામ : પંપ પર ડબલ ગેમ
સિટી ન્યૂઝ@પંચમહાલ
પશ્ચિમના દેશોમાં યુદ્ધના પગલે છેલ્લા 15 દિવસથી કચ્છ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલ માટે હાહાકાર મચ્યો છે. એક તરફ જનતા કલાકો સુધી લાઈનમાં ઊભી છે, અને બીજી તરફ એરકન્ડિશન્ડ ઓફિસોમાં બેઠેલા અધિકારીઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી.
સૌથી આશ્ચર્યજનક અને આઘાતજનક બાબત એ છે કે, જ્યારે જનતા મુશ્કેલીમાં છે ત્યારે પુરવઠા વિભાગ કહી રહ્યું છે કે આ જવાબદારી ઓઈલ કંપનીઓની છે. શું સરકારની જવાબદારી માત્ર ટેક્સ ઉઘરાવવા પૂરતી જ મર્યાદિત છે?
કચ્છમાં હાલ પેટ્રોલ પંપ સંચાલકો પોતાના ખાસ ગ્રાહકોને સાચવવા મોડી રાત્રે જથ્થો આપે છે, જ્યારે સામાન્ય નાગરિક એક ટીપા ઇંધણ માટે ભટકે છે. ખાનગી પંપો પર ભાવવધારો અને સરકારી પંપો પર જથ્થાનો અભાવનો ભોગ જનતા બની રહી છે. લુકાના આર્થિક વ્યવહારો પર તેની માઠી અસર જોવા મળશે.
કન્ઝ્યુમર પંપોએ માત્ર પોતાના સભ્યોને જ ઈંધણ આપવાનું હોય છે, પરંતુ અહીં સેટિંગ ધરાવતા ટ્રાન્સપોર્ટરોના વાહનોની લાંબી લાઈનો લગાવી અન્ય વાહનચાલકોના હક પર તરાપ મારવામાં આવી રહી છે.
પંજાબથી આવેલા એક ટ્રકચાલકે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે, ત્રણ દિવસથી પંપો પર રઝળપાટ કર્યા બાદ પણ ઈંધણ મળતું નથી. પંપ સંચાલકો સીધી ના પાડી દે છે, જ્યારે તેમની નજર સામે જ ઓળખાણ ધરાવતા વાહનોમાં ઈંધણ ભરી આપવામાં આવે છે. જિલ્લા પુરવઠા અધિકારી હાશ્મીએ આ અંગે જણાવ્યું કે, ખેડૂતોને 200 લિટર અને ટેલિકોમ કંપનીઓને 1000 લિટર સિવાય વિતરણમાં કોઈ કાપ નથી.
નખત્રાણા તાલુકામાં મોટાભાગના પંપો પર ડીઝલ નથી ના પાટિયા ઝૂલી રહ્યા છે, જેના કારણે સ્થાનિક ખેતી અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય ઠપ્પ થવાના આરે છે. નખત્રાણા કિસાન સંઘના પ્રમુખ શિવદાસ કેસરાણીએ જણાવ્યું કે, ખેડૂતો 7/12 ના ઉતારા રજૂ કરવા છતાં પૂરતો જથ્થો મળતો નથી. 20-30 લિટર ડીઝલ ભેગું કરવા માટે 4-5 પંપોના ધક્કા ખાવા પડે છે.
અંજારમાં પેટ્રોલ-ડીઝલની અછતને કારણે સ્થિતિ વિકટ બની છે. પંપ સંચાલકોના જણાવ્યા મુજબ, ઓઈલ ડેપોમાંથી પૂરતો જથ્થો ન મળતા મુશ્કેલી સર્જાઈ છે. વહીવટી તંત્રના આદેશ મુજબ, ખેડૂતોએ કેરબામાં ડીઝલ લેવા માટે 7/12ની નકલ અને ઓળખપત્ર જેવા પુરાવા રજૂ કરવા પડતા હોવાથી ઘર્ષણના દ્રશ્યો સર્જાય છે. બીજી તરફ, નાયરાના પંપો પર ભાવવધારાને કારણે સ્ટોક ન આવતા ઇન્ડિયન ઓઈલના પંપો પર ભારણ વધ્યું છે. ટ્રાન્સપોર્ટરોએ પણ ફુલ ટેન્ક કરાવવા માટે અનેક પંપોના ધક્કા ખાવા પડે છે.
પૂર્વ કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી ડીઝલની ભારે અછત સર્જાતા અર્થતંત્રની સફેદ નસ ગણાતા પરિવહન, ખેતી અને મીઠાં ઉદ્યોગ પર સંકટના વાદળો છવાયા છે. ઇન્ડસ્ટ્રીયલ ડીઝલના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે બલ્ક ગ્રાહકો હવે હાઈવે પરના રિટેલ પંપો તરફ વળ્યા છે.