માં મોગલધામ ‘ભગુડા’માં કેમ નથી લાગતા તાળા
- 500 વર્ષ જૂની આસ્થા અને અનોખી પરંપરાનો ઈતિહાસ
- મહુવા તાલુકામાં આવેલું નાનકડું ગામ આજે માં મોગલના દૈવીય પ્રભાવને કારણે વિશ્વભરમાં જાણીતું બન્યું છે
- ભગુડામાં ભૂવા, ડાક ડમરુ કે અંધશ્રદ્ધાને સ્થાન નથી : મા મોગલનો કોઈ ભૂવો નથી હોતો
સિટી ન્યૂઝ@રાજકોટ
વર્ષો પહેલાં મુસ્લિમ શાસન દરમિયાન, કડી પ્રદેશનો એક મુસ્લિમ સુબો સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં તેની નજર એક રાજપૂત કન્યા પર પડી, જે તેના પિતા માટે ખેતરે ભાતું (જમવાનું) લઈને જતી હતી. કન્યાના સૌંદર્યને જોઈ સુબાની દાનત બગડી અને તેણે તેના પિતા પાસે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. પિતાએ ક્ષત્રિય ખુમારી દાખવી આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો અને યુદ્ધ માટે તૈયાર થઈ ગયા. આ સંકટ સમયે દીકરીએ રડતા હૃદયે દ્વારકા તરફ મુખ કરી દેવી મા મોગલનું આહ્વાન કર્યું. બીજા જ દિવસે ભગવતીએ અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું-એક હાથમાં ખુલ્લી તલવાર અને બીજા હાથમાં જીવતી નાગણ લઈ તેઓ કડીના સુબાના મહેલે પહોંચી ગયા. ભયભીત થયેલો સુબો પોતાનો જીવ બચાવવા ભાગ્યો અને તળાજા પાસે આહીરોના નેસડા (ગામ)માં આવીને આશરો માંગ્યો.
આહીરોએ પોતાના આશરાધર્મને નિભાવવા સુબાને ઘરમાં છુપાવી બહારથી તાળું મારી દીધું. જ્યારે મા મોગલ ત્યાં આવ્યા અને આહીરોએ શરણાગતને સોંપવાની ના પાડી, ત્યારે માતાજીની દ્રષ્ટિ પડતાં જ ઘરના બધા તાળા આપોઆપ તૂટી ગયા. સુબો માતા ચરણોમાં પડી ગયો અને માએ તેને માફ કર્યો.
ભાગેડુ મુસ્લિમ સુબો ભાગતો-ભાગતો અહીં આવ્યો હોવાથી માતાજીએ આ ગામનું નામ 'ભગુડા' રાખવા કહ્યું. આહીરોએ તાળા મારીને જે પાપ કર્યું હતું, તેના પ્રાયશ્ચિત રૂપે માતાજીએ આજ્ઞા કરી કે, "આજ પછી આ ગામમાં કોઈ ક્યારેય તાળા નહિ લગાવે, હું પોતે અહીં બેસાણું કરીને ગામની રક્ષા કરીશ." ત્યારથી મા અહીં ભગુડાવાળી મોગલ તરીકે પૂજાય છે.
શ્રી મોગલધામ ભગુડાનો સમય
મંદિર પરિસરમાં ભક્તો માટે સુવિધા
-
દૂર-દૂરથી આવતા યાત્રિકો માટે મંદિરમાં રોકાવા માટે ધર્મશાળાની ઉત્તમ વ્યવસ્થા છે.
-
અહીં એસી (AC) અને નોન-એસી રૂમો તેમજ મોટા હોલની સગવડ છે, જ્યાં ભક્તો આરામ કરી શકે છે.
-
મંદિરમાં આવતા તમામ ભક્તો માટે ભોજન પ્રસાદ (લાપસી અને ગાંઠિયા/શાક-પૂરી) ની વ્યવસ્થા દરરોજ વિનામૂલ્યે કરવામાં આવે છે.
-
ખૂબ જ સ્વચ્છ રસોડામાં શુદ્ધ અને સાત્વિક ખોરાક તૈયાર કરવામાં આવે છે. અહીં હજારો લોકો એકસાથે બેસીને પ્રસાદ લઈ શકે તેવો મોટો ભોજન હોલ છે.
-
ભગુડામાં ખાસ કરીને મંગળવાર, રવિવાર અને પૂનમના દિવસે ભારે ભીડ થાય છે. આથી વાહનોના યોગ્ય સંચાલન માટે મંદિરની બહાર વિશાળ પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યો છે, જે તદ્દન મફત છે.
-
ભક્તો શાંતિપૂર્વક અને ઝડપથી દર્શન કરી શકે તે માટે સ્ટીલની મજબૂત રેલિંગવાળી લાઈનો બનાવવામાં આવી છે.
-
ભીડને નિયંત્રિત કરવા માટે સુરક્ષા ગાર્ડ અને સીસીટીવી (CCTV) કેમેરાની ચુસ્ત વ્યવસ્થા છે.
-
સિનિયર સિટીઝન અને દિવ્યાંગજનો માટે દર્શનની ખાસ અનુકૂળતા કરી આપવામાં આવે છે.
-
સમગ્ર મંદિર પરિસરમાં ઠંડા અને શુદ્ધ પીવાના પાણીના વોટર કૂલર મૂકવામાં આવ્યા છે.
-
ભક્તોની સુવિધા માટે સ્વચ્છ શૌચાલય અને સ્નાનગૃહની પૂરતી વ્યવસ્થા છે.
-
કોઈ ભક્તની તબિયત બગડે તો પ્રાથમિક સારવાર મળી રહે તે માટે મંદિર પ્રશાસન દ્વારા ફર્સ્ટ-એડ અને મેડિકલ હેલ્પની સુવિધા પણ રાખવામાં આવે છે.