વૃત્રાસુરની અનન્ય વિષ્ણુ ભક્તિ: અસુર દેહમાં છુપાયેલો હતો પરમ ભાગવત સંત
- ઇન્દ્રના વજ્ર પ્રહાર પહેલાં રાક્ષસે ઉચ્ચારેલી 'ચતુ:શ્લોકી' ભક્તિમાર્ગનું અજોડ શિખર
- શ્રીમદ્ ભાગવત મહાપુરાણના છઠ્ઠા સ્કંધમાં આલેખાયેલી એક અસુરની અદ્ભુત કથા
- પૂર્વજન્મના રાજા ચિત્રકેતુ પાર્વતીજીના શાપને કારણે અસુર યોનિમાં જન્મ્યા હતા
સિટી ન્યુઝ @ રાજકોટ: શ્રીમદ્ ભાગવત મહાપુરાણના છઠ્ઠા સ્કંધમાં નિરૂપિત કથા અનુસાર, વૃત્રાસુર માત્ર એક ભયાનક અસુર નહોતો, પરંતુ તે અસુર દેહમાં પરમ વિષ્ણુ ભક્ત હતો. પૂર્વજન્મમાં તે વિષ્ણુ ભગવાનનો મહાન ભક્ત ચિત્રકેતુ રાજા હતો, પરંતુ માતા પાર્વતીના શાપને કારણે તેને અસુર યોનિ પ્રાપ્ત થઈ હતી. દેવરાજ ઇન્દ્ર જ્યારે દધીચિ ઋષિના અસ્થિઓમાંથી બનેલા વજ્રથી વૃત્રાસુરને મારે તે પહેલાં, આ અસુરે ભગવાન વિષ્ણુની આરાધનામાં ચાર પરમ શક્તિશાળી શ્લોકો ઉચ્ચાર્યા હતા, જેને સનાતન પરંપરામાં 'વૃત્રાસુર ચતુ:શ્લોકી' તરીકે ઓળખવામાં આવે છે. આ શ્લોકોમાં તેણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જેવા ચારેય પુરૂષાર્થોને સિદ્ધ કરતી અનન્ય ભક્તિ પ્રગટ કરી હતી.
આ પૌરાણિક કથાની શરૂઆત ઇન્દ્ર દ્વારા પોતાના ગુરૂ બૃહસ્પતિના અપમાનથી થાય છે. ગુરૂના અપમાનથી દેવોનું તેજ ઘટતાં અસુરોએ આક્રમણ કર્યું. દેવોએ ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપને પુરોહિત બનાવ્યા, પરંતુ માતૃપક્ષે અસુર હોવાથી તે યજ્ઞનો ભાગ અસુરોને પણ આપતા હતા. આ જાણીને ઇન્દ્રે વિશ્વરૂપનો વધ કર્યો, જેનાથી ક્રોધિત થઈ ત્વષ્ટાએ ઇન્દ્રનો નાશ કરવા માટે વિશેષ યજ્ઞ કર્યો અને તેમાંથી મહાબલી વૃત્રાસુર પ્રગટ્યો. વૃત્રાસુર સામે હારેલા દેવો જ્યારે વિષ્ણુના શરણે ગયા, ત્યારે ભગવાને તેમને મહર્ષિ દધીચિ પાસે જઈ તેમના તપસ્વી શરીરના હાડકાં માગવાની સલાહ આપી, જેમાંથી વિશ્વકર્માએ દિવ્ય વજ્ર આયુધ તૈયાર કર્યું હતું.
યુદ્ધના મેદાનમાં જ્યારે ઇન્દ્ર થોડી ક્ષણો માટે નિરાશ થયા, ત્યારે ખુદ વૃત્રાસુરે જ તેમને ધર્મયુદ્ધ ચાલુ રાખવા પ્રેરણા આપી અને કહ્યું કે જન્મ-મરણ ભગવાનના હાથમાં છે. પોતાના ચાર શ્લોકોમાં વૃત્રાસુરે હરિ પાસે માત્ર પ્રભુના ચરણોના દાસ બનવાની જ કામના કરી હતી. તેણે ગાયું હતું કે, "જેમ પાંખ વગરના બચ્ચાં માતાની અને ભૂખ્યા વાછરડાં ગાયના આંચળની રાહ જુએ, તેમ મારું મન આપના દર્શન માટે તલસે છે. મને ઇન્દ્રપદ, બ્રહ્મપદ કે મોક્ષ પણ નથી જોઈતો, માત્ર આપના ભક્તોનો સંગ જોઈએ છે." અંતે ઇન્દ્રે વજ્ર પ્રહારથી તેનો વધ કર્યો, પરંતુ તે પરમ ભક્ત હોવાથી મરણ બાદ તેનું તેજ ભગવાન વિષ્ણુના સ્વરૂપમાં જ વિલીન થઈ ગયું હતું.
મહર્ષિ દધીચિનું અમર બલિદાન અને લોકકલ્યાણ જ્યારે દેવોએ મહર્ષિ દધીચિ પાસે જઈ લોકકલ્યાણ માટે તેમના દેહની યાચના કરી, ત્યારે મુનિએ હસતા મુખે કહ્યું કે, જે માણસ આ અનિશ્ચિત શરીરથી પ્રાણીમાત્ર પર દયા રાખી ધર્મ અને યશ કમાતો નથી, તે જડ સમાન છે. તેમણે હરિ સ્મરણ પૂર્વક પોતાના પ્રિય પ્રાણનો ત્યાગ કર્યો. દધીચિનું આ પરમાર્થ કાજ કરેલું અસ્થિ દાન સનાતન સંસ્કૃતિમાં ત્યાગનું સર્વોચ્ચ ઉદાહરણ છે.