મોમ્સ હોટલ સંચાલક આપઘાત કેસમાં આરોપી કિશન રાઠોડને મળ્યા જામીન
- વકીલ જીતેન્દ્રસિંહ જાડેજાની ધારદાર દલીલોથી હાઇકોર્ટે મંજૂર કર્યા રેગ્યુલર જામીન
સિટી ન્યૂઝ@મોરબી : મોરબીના ચકચારી મોમ્સ હોટલના માલિકના આપઘાત કેસમાં સંડોવાયેલા આરોપીને નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. આ કેસના મુખ્ય આરોપીઓ પૈકીના એક કિશનભાઈ મનુભાઈ રાઠોડને કોર્ટે રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આ કેસમાં બચાવ પક્ષના વકીલોની ધારદાર દલીલો અને સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓને ધ્યાને રાખીને હાઈકોર્ટે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
બનાવની વિગત મુજબ, ગત તારીખ 29/4/2026 ના રોજ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં નીરવ અશ્વિનભાઈ બોપલિયા દ્વારા 7 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદમાં ઇમરાનભાઈ માકડીયા, અજયભાઈ ભટ્ટ, ગીરીરાજસિંહ ગોહિલ, ભરતભાઈ રબારી, અજીતભાઈ રાઠોડ, વિપુલ રાઠોડ અને કિશનભાઇ મનુભાઈ રાઠોડનો આરોપી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ફરિયાદીના આક્ષેપ મુજબ, ફેબ્રુઆરી મહિનામાં હોટલના વ્યવસાય માટે તેમણે આરોપી કિશનભાઇ પાસેથી 10 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ રકમના બદલામાં આરોપીએ પ્રોમિસરી નોટ લખાવી લીધી હતી અને બે કોરા ચેક પર સહીઓ કરાવી લીધી હતી. ત્યારબાદ કિશનભાઇ દ્વારા અવારનવાર રૂપિયાની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. વ્યાજખોરોના આ સતત ત્રાસ અને દબાણના કારણે રૂપિયા ન ચૂકવી શકતા ફરિયાદીના પિતાએ આપઘાત કરી લીધો હતો.
આ ચકચારી કેસમાં આરોપી કિશનભાઇ રાઠોડ તરફથી વકીલ શ્રી જીતેન્દ્રસિંહ આર. જાડેજા અને યુવરાજસિંહ કે. જાડેજાએ કોર્ટમાં પક્ષ રાખ્યો હતો. બચાવ પક્ષના વકીલો દ્વારા કરવામાં આવેલી તાર્કિક અને ધારદાર દલીલો તેમજ નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના અગાઉના ચુકાદાઓના સંદર્ભો રજૂ કરવામાં આવ્યા હતા. આ તમામ કાનૂની પાસાઓને બારીકાઈથી ચકાસ્યા બાદ નામદાર ગુજરાત હાઈકોર્ટે આરોપી કિશનભાઈને રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે.