1500 કરોડનો પ્રોજેક્ટ મોડો : રાજકોટ જેતપૂર હાઈ-વેનું કામ 2027માં પૂર્ણ થશે ?
- ગોંડલથી રાજકોટ આવતા વાહનો માટે 10 મેથી 31 મે સુધી રૂટ બદલાયો
- કોરાટ ચોક પાસે નવો એલિવેટેડ ઓવરપાસ બનશે
- આવતીકાલથી 21 દિવસ ગોંડલથી પરત આવતા વાહનો માટે ખોડિયાર હોટલથી કાંગસિયાળી રોડ સુધી ડાયવર્ઝન જાહેર
સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટ - જેતપુર સિક્સ લેનના કામમાં ફરી વિલંબ આવશે કારણકે કોરાટ ચોક પાસેનો એલિવેટેડ ઓવર પાસ નવો મંજૂર કરવામાં આવ્યો છે. જ્યારે આજી - ખોખળદડ નદી વચ્ચે કોર્પોરેશનની પાઇપ લાઇનના કામને કારણે બે બ્રિજનું કામ મોડું શરૂ થયુ. જેથી હવે જાન્યુઆરી - 2027 સુધીમાં 28 ઓવરપાસ બનશે અને બાકીનો એક ઓવરપાસ અને બે બ્રિજ બનતા જૂન - 2027 થશે. જેથી આ પ્રોજેક્ટનો ખર્ચ પણ 1200 કરોડથી વધીને 1500 કરોડે પહોંચી જશે. દરમિયાન આવતીકાલે 10 મે થી 31 મે એમ 21 દિવસ ગોંડલથી પરત આવતા ખોડીયાર હોટલથી કાંગસિયાળી રોડ સુધી ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યુ છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના રાજકોટ જેતપુર સિક્સ લેન રોડના પ્રોજેક્ટ ડાયરેક્ટર અબ્દુલા ખાને દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યુ હતુ કે, રાજકોટ અને જેતપુર વચ્ચેના સિક્સલેનનું કામ ચાલી રહ્યું છે હાલ પીઠડીયા પાસે બેમાંથી એક બ્રિજ શરૂ કરી દેવાયો છે જ્યારે અન્ય બ્રિજ 1 જૂનના શરૂ થશે. આ ઉપરાંત ખોડલધામ કાગવડ પાસે એક બ્રિજ ચાલુ છે જ્યારે વીરપુરમાં ત્રણ બ્રિજ લોકો માટે ખુલ્લા કરી દેવાયા છે. આ ઉપરાંત ચરખડી અને ગોમટામાં એક -એક બ્રિજ ચાલુ થઈ ગયા છે જ્યારે ચોરડીમાં એક બ્રિજનું કામ ચોમાસા બાદ શરૂ થશે.
આ ઉપરાંત જામવાડી અને ગોંડલ વચ્ચે ચાર બ્રિજ છે જ્યાં કોન્ક્રીટ રોડ બનાવવાનો છે પરંતુ ઉપરથી જેટકોની લાઈન જતી હોવાથી જેટકોનું એપ્રુવલ લેવાનું બાકી છે જે એપ્રુવલ મળી ગયા બાદ બ્રિજ ખુલ્લો મૂકી શકાશે. આ સાથે જ આશાપુરા ચોકડી પાસે એક બ્રિજનું કામ ચાલુ છે. જે સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થશે. હાલ ભોજપરામાં બે બ્રિજ અને બીલીયાળામાં એક બ્રિજ ચાલુ છે જ્યારે ભૂણાવામાં 3 માંથી 1 બ્રિજ ચાલુ છે. જ્યારે 2 બ્રિજ ઉપરથી જેટકોની લાઇન છે. જોકે તે બંને બ્રિજ 15 દિવસમાં શરૂ થઈ જશે.
આ સિવાય શક્તિમાન ઇન્ડસ્ટ્રીઝ પાસે એક બ્રિજનું કામ ચાલુ છે જે 15 જૂન સુધીમાં પૂરું થશે. જ્યારે ભરૂડી પાસે 1 તો પીપળીયામાં 2 બ્રિજ ચાલુ છે. આ ઉપરાંત શાપર વેરાવળમાં એક બ્રિજ ચાલુ છે. કોરાટ ચોક પાસે બ્રિજ બનાવવાનું કામ ચાલુ છે પરંતુ હવે એલિવેટેડ બ્રિજની લોકસભાના સાંસદ પરસોતમ રૂપાલાએ ડિમાન્ડ મૂકી હોવાથી તેના એપ્રુવલ બાદ કામ શરૂ થશે. આ સાથે જ કોઠારીયા પાસે 1100 મીટરના એક બ્રિજનું કામ હાલ ચાલુ છે. જે ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થશે. જ્યારે બોલબાલા રોડ ઉપર સ્વાતી પાર્ક પાસેના બ્રિજનું કામ જૂનના અંત સુધીમાં પૂર્ણ થશે.
આ ઉપરાંત આજીડેમ અને ખોખળદડ નદી વચ્ચે રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાના કહેવાથી એક બ્રિજ મંજૂર થયો હતો. જેનું કામ ચોમાસા બાદ શરૂ થશે. જ્યારે આજીડેમ અને માર્કેટિંગ યાર્ડ વચ્ચેનો અંડરપાસ સપ્ટેમ્બરમાં પૂર્ણ થશે.