Loading Please Wait !!!
મેઘરાજાની સત્તાવાર એન્ટ્રી; હવે સૂકી ધરા લીલોતરી ઓઢશે કેરળે ચોમાસાનું સ્વાગત કર્યું

કેરલમના 8 જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’

સિટી ન્યૂઝ@તિરુવનંતપુરમ

કાળઝાળ ગરમી, શેકાતી સડકો અને અસહ્ય ઉકળાટ વચ્ચે આખરે આખા દેશ માટે સૌથી મોટા ખુશખબર આવી ગયા છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ કેરલમમાં સત્તાવાર રીતે દસ્તક આપી દીધી છે. આ સાથે જ ભારતમાં વરસાદની મુખ્ય સીઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે.

ભારતીય હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત બાદ કેરલમના અનેક વિસ્તારોમાં તેજ વરસાદ શરૂ થઈ ગયો છે અને આકાશમાં ઘેરાયેલા કાળાડિબાંગ વાદળોએ ગરમીની તીવ્રતાને શાંત કરી દીધી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાનું આગમન માત્ર હવામાનની અપડેટ નથી, પરંતુ દેશના કરોડો ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય જનતા માટે આશા અને રાહતનો મોટો સંદેશ લઈને આવ્યું છે. ખેતરોથી લઈને શહેરો સુધી હવે સૌ કોઈની નજર વરસાદની આગામી ગતિ પર ટકેલી છે.

હવામાન વિભાગે ગુરુવારે પુષ્ટિ કરી છે કે ચોમાસું કેરલમમાં પ્રવેશી ચૂક્યું છે અને તેની સાથે જ લક્ષદ્વીપ તથા દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ તેજ બની છે. IMD દ્વારા ૪ જૂનથી ૬ જૂન વચ્ચે કેરલમમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી (ઓરેન્જ એલર્ટ) જાહેર કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન અનેક વિસ્તારોમાં ૭ સેન્ટિમીટરથી લઈને ૨૦ સેન્ટિમીટર સુધીનો ખાબકી શકે છે. ખાસ કરીને તિરુવનંતપુરમ, કોલ્લમ, પથાનમથિટ્ટા, અલપ્પુઝા, કોટ્ટાયમ, ઇડુક્કી, એર્નાકુલમ અને ત્રિશુર જિલ્લામાં વહીવટીતંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને જનજીવન પ્રભાવિત થવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.

ચોમાસાની કેરલમમાં એન્ટ્રી બાદ હવે તે ઝડપથી આગળ વધશે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ચોમાસું દેશના અન્ય ભાગોને પણ આવરી લેશે. ઉત્તર ભારત, મધ્ય ભારત અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં આગામી દિવસોમાં તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાનું એલર્ટ જાહેર કરાયું છે. કેરલમમાં સામાન્ય રીતે ૧ જૂનની આસપાસ ચોમાસું બેસતું હોય છે, પરંતુ આ વખતે ૪ જૂને તેની સત્તાવાર શરૂઆત થઈ છે. આ ગતિ જોતાં આગામી થોડા દિવસોમાં ચોમાસું મહારાષ્ટ્ર થઈને જૂનના મધ્ય સુધીમાં બિહાર અને જૂનના અંતિમ અઠવાડિયા સુધીમાં ઉત્તર પ્રદેશ (UP) માં પ્રવેશ કરે તેવી પૂરેપૂરી સંભાવના છે.

ભારતીય અર્થતંત્ર અને કૃષિ ક્ષેત્ર મોટેભાગે ચોમાસાના વરસાદ પર નિર્ભર છે. દેશમાં ચોમાસાની આ ધમાકેદાર શરૂઆતથી ખરીફ પાકની વાવણી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો ચોમાસું આવી જ પ્રગતિ સાથે આગળ વધશે, તો દેશમાં અનાજનું ઉત્પાદન વધશે અને મોંઘવારી પર પણ લગામ કસવામાં મદદ મળશે. હવામાન વિભાગે લોકોને હવે છત્રી અને રેઈનકોટ તૈયાર રાખવાની સલાહ આપી છે.

સાબરકાંઠામાં વીજળી પડતા યુવકનું મોત

સૌરાષ્ટ્રમાં વરસાદ વાવાઝોડાનું એલર્ટ

સિટી ન્યૂઝ@ગાંધીનગર

ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પૂર્વે જ વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. બુધવારે સાબરકાંઠા જિલ્લાના પોશીના અને વિજયનગર તાલુકામાં કરા સાથે વરસાદ વરસ્યો હતો, જેમાં પોશીનાના દાંતિયા ગામે વીજળી પડતા ૧૭ વર્ષીય વિક્રમ માલાભાઈ તરાલનું મોત થયું હતું. તો મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં સાંજના સમયે અચાનક આવેલા વાવાઝોડાએ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકસાન સર્જ્યું છે. અનેક કાચા મકાનોના છાપરા ઉડી ગયા છે, જ્યારે વીજપોલ અને વૃક્ષો પણ ધરાશાયી થતા જનજીવન પ્રભાવિત બન્યું છે. વાવાઝોડાના કારણે વાહનો પણ પલટી ગયા હતા. રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં ૪૨.૯C અને અમરેલીમાં ૪૧.૭C નોંધાયું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, સત્તાવાર રીતે કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. હવે આગામી દિવસોમાં તેની અસર દેશના અન્ય વિસ્તારોમાં પણ જોવા મળશે. આજે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. સાથે જ આજે અને આવતીકાલે શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય હોવાથી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. દક્ષિણથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે.