Loading Please Wait !!!
Gift Cityમાં લક્ઝરી એપાર્ટમેન્ટ 17 કરોડમાં વેંચાયો

રિયલ એસ્ટેટમાં રેકોર્ડ: 5 વર્ષમાં પ્રોપર્ટીના ભાવ ડબલ

સિટી ન્યૂઝ@ગાંધીનગર

દેશના પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર (IFSC) તરીકે વૈશ્વિક સ્તરે ડંકો વગાડનાર ગાંધીનગરની GIFT City (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી) માં રિયલ એસ્ટેટ ક્ષેત્રે અત્યાર સુધીનો સૌથી મોંઘો અને ઐતિહાસિક રહેણાંક સોદો નોંધાયો છે. શિવાલિક ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવી રહેલા હાઈ-એન્ડ પ્રોજેક્ટ ‘Prsent The GIFT Riverfront Residency’ માં એક અલ્ટ્રા-લક્ઝરી એપાર્ટમેન્ટ રેકોર્ડબ્રેક ૧૭ કરોડમાં વેચાયો છે. રિયલ એસ્ટેટના નિષ્ણાતોના મતે, આ મેગા ડીલ સાથે જ ગિફ્ટ સિટીમાં સત્તાવાર રીતે ‘અલ્ટ્રા-લક્ઝરી હાઉસિંગ સેગમેન્ટ’નો ભવ્ય ઉદય થયો છે.

અત્યાર સુધી વૈશ્વિક સ્તરે માત્ર બિઝનેસ, બેન્કિંગ અને ફાઇનાન્સના હબ તરીકે ઓળખાતી ગિફ્ટ સિટી હવે હાઈ-નેટ-વર્થ ઈન્ડિવિજ્યુઅલ્સ (HNIs) અને ઉચ્ચ વ્યાપારીઓ માટે રહેવા માટેનું પણ મનપસંદ સરનામું બની રહી છે. રિયલ એસ્ટેટ બજારના સત્તાવાર આંકડાઓ અનુસાર:

  • ૩ વર્ષમાં કિંમતોમાં ઉછાળો: ગિફ્ટ સિટીમાં રહેણાંક મિલકતોના ભાવમાં છેલ્લા ત્રણ વર્ષમાં આશરે ૬૦ ટકાનો તોતિંગ વધારો થયો છે.

  • ૫ વર્ષમાં ભાવ બમણા: પાછલા પાંચ વર્ષના ટ્રેન્ડને જોતાં અહીં પ્રોપર્ટીના રેટ અંદાજે બમણા થઈ ચૂક્યા છે.

  • NRI રોકાણમાં વધારો: વૈશ્વિક સ્તરે વસતા બિન-નિવાસી ભારતીયો (NRI) ની રસદારી અને રોકાણમાં પણ ૧૫ ટકાની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે.

વૈશ્વિક નાણાકીય સંસ્થાઓના દિગ્ગજોની પહેલી પસંદ ગિફ્ટ સિટીમાં હાલમાં ૫૦૦થી વધુ અગ્રણી વૈશ્વિક નાણાકીય સંસ્થાઓ ધમધમી રહી છે. જેમાં મલ્ટીનેશનલ બેંકો ઉપરાંત NSE IFSC, BSE IFSC અને India INX જેવા પ્રતિષ્ઠિત એક્સચેન્જોનો સમાવેશ થાય છે. આ આંતરરાષ્ટ્રીય બિઝનેસ ઇકોસિસ્ટમના કારણે અહીં કાર્યરત ટોચની કંપનીઓના સીઈઓ (CEOs), સીએક્સઓ (CXOs), હેજ ફંડ મેનેજર્સ, ગ્લોબલ બેન્કર્સ અને વિદેશી રોકાણકારો હવે રોજગારની સાથે ગિફ્ટ સિટીના વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્થાયી થવાનું પસંદ કરી રહ્યા છે.