સિંહણ ‘ધરતી’ એ આપ્યા 3 સંતાનો
- પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સિંહબાળોની કિલકારીઓ
- કુલ સંખ્યા 20 પહોંચી
- સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂમાં એશિયાઈ સિંહોના સંવર્ધન ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. ઝૂની સિંહણ ‘ધરતી’એ ૨૨ જુલાઈ, ૨૦૨૬ની રાત્રે ૧૦૭ દિવસની ગર્ભાવસ્થા પૂર્ણ થયા બાદ ત્રણ તંદુરસ્ત સિંહબાળને જન્મ આપ્યો છે. નવા બચ્ચાના જન્મ સાથે પ્રદ્યુમન પાર્ક ઝૂમાં એશિયાઈ સિંહોની કુલ સંખ્યા વધીને ૨૦ પર પહોંચી છે.
ઝૂ તંત્રના જણાવ્યા મુજબ નવજાત ત્રણેય સિંહબાળ અને તેમની માતા
સંપૂર્ણપણે સ્વસ્થ છે. વેટરનરી અધિકારીઓ અને નિષ્ણાતોની ટીમ દ્વારા તેમની સતત આરોગ્ય દેખરેખ રાખવામાં આવી રહી છે. માતા અને બચ્ચાાઓને કોઈપણ પ્રકારનો તનાવ ન થાય તે માટે ૨૪ કલાક સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૧૧ જૂન, ૨૦૨૫ના રોજ સિંહણ ‘ધારા’એ પણ ત્રણ સિંહબાળને જન્મ આપ્યો હતો. ધારાએ અગાઉ પ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બે સિંહબાળને જન્મ આપ્યો હતો. ધરતીના તાજેતરના પ્રસવ બાદ પ્રદ્યુમન પાર્ક ઝૂમાં હાલમાં ૪ પુખ્ત નર, ૮ પુખ્ત માદા, ૨ યુવાન નર અને ૬ નાનાં તથા નવજાત બચ્ચાં સહિત કુલ ૨૦ એશિયાઈ સિંહો છે. અત્યાર સુધીમાં ઝૂમાં કુલ ૫૮ સિંહબાળનો સફળ જન્મ નોંધાયો છે.
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ વિકસિત રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝૂમાં વનપ્રાણીઓને કુદરતી વાતાવરણ પૂરું પાડવામાં આવતું હોવાથી એશિયાઈ સિંહ અને સફેદ વાઘના સફળ સંવર્ધનમાં સતત સફળતા મળી રહી છે. વન્યપ્રાણી
વિનિમય યોજના હેઠળ રાજકોટ ઝૂએ દેશના અનેક અગ્રણી પ્રાણીઉદ્યાનોને એશિયાઈ સિંહો આપીને તેના બદલામાં અન્ય દુર્લભ પ્રજાતિના પ્રાણીઓ અને પક્ષીઓ મેળવ્યા છે.
હાલ પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ૭૦ પ્રજાતિના કુલ ૬૧૪ જેટલા વન્યપ્રાણીઓ અને પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. દર વર્ષે અંદાજે ૭ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાત લે છે અને નવા સિંહબાળના આગમનની આગામી સમયમાં મુલાકાતીઓની સંખ્યામાં વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.