‘ઠગે’ કિર્તીદાનને મૂર્ખ બનાવ્યા !
- ગરબામાં સ્પોન્સરશિપના નામે 4.75 કરોડની છેતરપિંડી
- 3.32 કરોડની સ્પોન્સરશીપના બહાને 1.5ના VIP પાસ મેળવ્યા
- ઠગ અનિલ વિભાણી અને તેની પત્ની વીમીએ 15 લોકોને શિકાર બનાવી રૂપિયા 20 કરોડ પડાવી લીધા
સિટી ન્યૂઝ@અમદાવાદ
શહેરના સરખેજ પોલીસ સ્ટેશનમાં ઠગ અનિલ વિભાણી વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ઠગે નવરાત્રિમાં લોક કલાકાર કિર્તીદાન ગઢવીના નોરતા નગરી નામથી યોજાયેલા ગરબા ઇવેન્ટમાં સ્પોન્સરશીપનું કામ લીધું હતું. જેના બદલામાં ૧.૫ કરોડના VIP પાસ મેળવ્યા હતા. અનિલ વિભાણીએ સ્પોન્સરશીપ ન લાવી આપી અને પાસની રકમ મેળવી કુલ ૪.૭૫ કરોડની છેતરપિંડી આચરી હતી. જે અંગે સરખેજ પોલીસે અનિલ વિભાણી સામે વધુ એક ગુનો નોંધ્યો છે.
ઉલ્લેખનીય છે કે, નોરતા નગરીના આયોજક કિર્તીદાન ગઢવી હતા અને આ ઇવેન્ટનું મેનેજમેન્ટ અર્જુનભાઈ ભુતિયા કરતા હતા. તેમણે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. બોપલમાં રહેતા અર્જુનભાઈ ભુતિયા ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે. વર્ષ ૨૦૨૫માં નવરાત્રિ પહેલા તેમની અનિલ વિભાણી સાથે મુલાકાત થઈ હતી. અનિલે પોતે મોટી ઇવેન્ટોનું કામ કરતો હોવાની વાત કરી હતી. સાથે વર્ષ ૨૦૨૫માં નવરાત્રિમાં ગરબાનું આયોજન કરીને મોટી ઇવેન્ટ કરવાની વાત અર્જુનભાઈને કરી હતી. અર્જુનભાઈ પણ ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા હોવાથી તેમણે એસપી રિંગરોડ પર ગોપાલ ફાર્મમાં કિર્તીદાન ગઢવીના નોરતા નગરી નામથી ગરબાનું આયોજન કરવાની વાત કરી હતી.
અનિલ વિભાણીએ આ ઇવેન્ટમાં કામ કરવાની ઈચ્છા દર્શાવી હતી અને અર્જુનભાઈને પોતાની સાથે રાખવા અરજ કરી હતી. આ સાથે અનિલે ૩.૨૫ કરોડની સ્પોન્સરશીપ લાવી આપવાનો પણ વાયદો કર્યો હતો. જેથી અર્જુનભાઈ સહમત થયા હતા અને ૧૨ કરોડનો ખર્ચ કરીને જાહેરાત, માર્કેટિંગ અને વીઆઈપી સુવિધાનું આયોજન કર્યું હતું. અર્જુનભાઈએ ૧.૫ કરોડની કિંમતના VIP પાસ અને ટિકિટો પણ અનિલ વિભાણીને આપી હતી.
જોકે, ઇવેન્ટ દરમિયાન અનિલ વિભાણીએ ૩.૨૫ કરોડની સ્પોન્સરશીપ ન લાવી આપી અને ૧.૫ કરોડની કિંમતના VIP પાસ અને ટિકિટોની રકમ મેળવી કુલ રૂપિયા ૪.૭૫ કરોડની રકમ અર્જુનભાઈને આપી નહોતી. અર્જુનભાઈએ ઉઘરાણી કરતા અનિલ વિભાણીએ ડિસેમ્બર સુધીનો સમય માંગ્યો હતો. બાદમાં તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. ગત એપ્રિલ માસમાં અર્જુનભાઈને જ્યારે અનિલ વિભાણી મળ્યો ત્યારે તેણે પૈસા ન આપવાનું કહીને મારી નાખવાની ધમકી આપી હતી.