Loading Please Wait !!!
જામનગરમાં ગંદકી ફેલાવતા ૩૭૮ વેપારીઓ સામે મહાનગરપાલિકાની લાલ આંખ!

 

  • મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.

  • નોટિસો આપવા છતાં જાહેરમાં કચરો ફેંકનાર વેપારીઓ સામે દંડાત્મક પગલાં લેવાયા.

  • ફોટોગ્રાફિક પુરાવા એકત્ર કરીને મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરાઈ.

સિટી ન્યુઝ @ જામનગર

જામનગર, જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા અને ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ વિશેષ અભિયાન હેઠળ ગંદકી ફેલાવતા ૩૭૮ વેપારીઓ પાસેથી કુલ રૂ. ૨.૨૮ લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ સઘન કાર્યવાહી કોમર્શિયલ એકમો અને દુકાનોની આસપાસ યોગ્ય સ્વચ્છતા સુનિશ્ચિત કરવાના હેતુથી કરવામાં આવી છે, જેથી શહેરમાં વ્યાપક સ્વચ્છતા જળવાઈ રહે.

મહાનગરપાલિકા દ્વારા અગાઉ શહેરના અંદાજે ૨૧૦૦ કોમર્શિયલ એકમો અને દુકાનદારોને ન્યૂસન્સ નોટિસો આપવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ વેપારીઓને તેમના ધંધા-સ્થળોની આસપાસ સ્વચ્છતા જાળવવા માટે જાગૃત કરવાનો હતો. જોકે, નોટિસો આપ્યા છતાં કેટલાક વેપારીઓ દ્વારા દુકાન બહાર કચરો નાંખવો, ડસ્ટબિન ન રાખવો અને રાત્રે દુકાન બંધ કર્યા બાદ જાહેરમાં કચરો ફેંકવાની અનિયમિતતાઓ ચાલુ રાખવામાં આવતી હતી. આ પ્રવૃત્તિઓના ફોટોગ્રાફિક પુરાવા એકત્ર કરીને મ્યુનિસિપલ તંત્રએ દંડાત્મક કાર્યવાહી કરી છે.

કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ ઝુંબેશમાં ૩૭૮ વેપારીઓ અને દુકાનદારોને દંડ ફટકારવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા તમામ વેપારીઓને સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની દુકાન અને ધંધા-સ્થળની આસપાસ ચોખ્ખાઈ રાખે, કચરો ફક્ત ડસ્ટબિનમાં જ રાખે અને તેનો નિકાલ માત્ર મહાનગરપાલિકાના અધિકૃત ગાર્બેજ કલેક્શન વાહનમાં જ કરે.

આ પ્રકારના કડક પગલાંથી શહેરના જનઆરોગ્ય અને સ્વચ્છતાના ધોરણોમાં મોટો સુધારો જોવા મળી રહ્યો છે.