Loading Please Wait !!!
બસ સ્ટેશન પરિસરમાં રખડતા ઢોરોનો અડિંગો અને ગંદકીથી રોગચાળાની ભીતિ!

 

  • રોજ આસપાસના શહેરોમાં અભ્યાસ અર્થે હજારો વિદ્યાર્થીનીઓ અવરજવર કરે છે.

  • બસ સ્ટેશનની અંદર જ ગાયો અને ખૂંટિયાઓ મુક્તપણે આંટા મારી રહ્યા છે.

  • ચોમાસાની ઋતુમાં ખાડાઓમાં પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.

સિટી ન્યુઝ @ જૂનાગઢ

જૂનાગઢ, એક તરફ સરકાર લોકોની સુવિધા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવતી હોવાના મોટા દાવા કરી રહી છે, તો બીજી તરફ સ્થાનિક વહીવટી તંત્ર મુસાફરોને પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં સંપૂર્ણપણે ઊણું ઉતર્યું છે. જૂનાગઢ જિલ્લાના વંથલી બસ સ્ટેશનમાં હાલ મુસાફરો અને વિદ્યાર્થીઓની સુરક્ષા તેમજ પ્રાથમિક સુવિધાઓને લઈને અત્યંત ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ બસ સ્ટેન્ડ પરથી દરરોજ આસપાસના શહેરોમાં અભ્યાસ અર્થે જતી હજારો વિદ્યાર્થીનીઓ અને સામાન્ય મુસાફરોની મોટી અવરજવર રહે છે, તેમ છતાં સુરક્ષા અને સ્વચ્છતાના મામલે ભારે બેદરકારી જોવા મળી રહી છે.

બસ સ્ટેન્ડના મુખ્ય બેસવાના વિસ્તારમાં એક પણ સીસીટીવી કેમેરો ન હોવાથી સુરક્ષા સામે મોટો સવાલ ઊભો થયો છે. આ સિવાય રાત્રિના સમયે અંધારાનો લાભ લઈને અસામાજિક તત્વો ત્યાં નશો કરતા હોવાથી પોલીસ પેટ્રોલીંગ વધારવાની માંગ ઉઠવા પામી છે. વંથલીમાં કોલેજની સુવિધા ન હોવાથી વિદ્યાર્થીનીઓ માણાવદર, કેશોદ અને જૂનાગઢ અપડાઉન કરે છે. આ ઉપરાંત પીવાના પાણીના સ્ટેન્ડ પર યોગ્ય વ્યવસ્થા નથી અને નળ તૂટેલી હાલતમાં પડ્યા છે, જ્યારે બસ સ્ટેન્ડ પરિસરમાં રખડતા ઢોરો તથા આખલાઓએ અડિંગો જમાવ્યો છે.

ચોમાસાની ઋતુ હોવાના કારણે બસ સ્ટેન્ડમાં પડેલા મોટા મોટા ખાડાઓમાં ગંદુ પાણી ભરાઈ રહ્યું છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ ચિંતાજનક રીતે વધી ગયો છે અને રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. ભૂતકાળમાં આખલાએ એક વ્યક્તિને અડફેટે લઈને મારી નાખ્યાની ઘટના બની હોવા છતાં તંત્ર નિદ્રાધીન છે. વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ સિરાજભાઈ વાજા સહિતના સ્થાનિકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે કે બસ સ્ટેન્ડમાં તત્કાલ સીસીટીવી કેમેરા મુકવામાં આવે, સ્વચ્છતા જાળવવામાં આવે, રખડતા ઢોરનો નિકાલ કરવામાં આવે અને પોલીસ પેટ્રોલીંગ વધારવામાં આવે.

આ ગંભીર સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ લાવવામાં નહીં આવે તો જનતા દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

જનસુવિધા અને સુરક્ષા

નાગરિકો માટે જાહેર સ્થળોએ સુરક્ષા, સ્વચ્છતા અને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી એ સ્થાનિક વહીવટી તંત્રની પ્રાથમિક જવાબદારી છે.