Loading Please Wait !!!
પર્યાવરણીય મંજૂરી વિના માઇનિંગ કરીને રૂ. ૯.૪૫ કરોડથી વધુની રોયલ્ટી ચોરી!

 

  • મોરબી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

  • અનિલકુમાર ઠક્કર અને પ્રીતિબેન ઠક્કરના નામે લીઝ મંજૂર થયેલી છે.

  • ભૂસ્તરશાસ્ત્રી જગદીશ વાઢેરે નિયમ મુજબ જ લીઝ અને ખનીજ થયું હોવાનું જણાવ્યું.

સિટી ન્યુઝ @ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર, હળવદ તાલુકામાં સરકારી નિયમોને નેવે મૂકીને કરોડો રૂપિયાનું ગેરકાયદે ખનન આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ફરિયાદ સામે આવી છે. મોરબી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીને ટીમડી ગામના જાગૃત નાગરિક કિરીટભાઈ લાલજીભાઈ વડસોલા દ્વારા લેખિત રજૂઆત કરાઈ છે, જેમાં લીઝ ધારકો દ્વારા પર્યાવરણીય મંજૂરી (EC) વગર જ માઇનિંગ ચાલુ રાખીને અંદાજે રૂ. ૯.૪૫ કરોડથી વધુની રોયલ્ટી ચોરી અને ગેરકાયદે ખનન કરાયાની રાવ કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવ્યા અનુસાર હળવદના ઢવાણા ગામે સરવે નંબર ૬૦૮ પૈકીની લીઝ અનિલકુમાર જમનાદાસ ઠક્કર અને પ્રીતિબેન અનિલકુમાર ઠક્કરના નામે મંજૂર થયેલી છે, પરંતુ આ બંને લીઝ માટે કેન્દ્ર સરકારની ફરજિયાત પર્યાવરણીય મંજૂરી મેળવવામાં આવી નથી. નિયમ મુજબ ઇસી વગર એક કણ પણ ખસેડી શકાતો નથી, તેમ છતાં સ્થળ પર બેફામ માઇનિંગ કરીને અંદાજે ૩,૦૦,૦૦૦ ટન કરતાં વધુ બ્લેકટ્રેપનો જથ્થો ઉપાડી લેવાયો છે અને ટન દીઠ રૂ. ૩૧૫ લેખે સરકારી તિજોરીને મોટો ચૂનો ચોપડવામાં આવ્યો છે.

આ મામલે ભૂસ્તરશાસ્ત્રી જગદીશ વાઢેરે જણાવ્યું છે કે જગ્યા લીઝની કાયદેસરની જગ્યા છે અને જેટલી લીઝ આપેલી છે તે મુજબ જ ખનીજ થયું છે, મામલતદાર પાસે તપાસ કરાવવામાં આવી છે અને જમીન સરકારી ખરાબો છે. બીજી તરફ, લીઝ ધારકે ગેરકાયદે ખનન છૂપાવવા માટે સરકારી હદ બહાર ખોટા ખુટા મારી દીધા હોવાના આક્ષેપ સાથે જાગૃત નાગરિકે જીપીએસ લાઈવ લોકેશન અને ફોટોગ્રાફ્સના પુરાવા એકત્ર કરી લીધા છે.

સાપકડા ગામના સરપંચ નટુભાઈ કણઝરીયાએ જણાવ્યું હતું કે ક્વોરીઓના કારણે ૭૦૦ એકર જમીન પર ધૂળ ઉડે છે અને ૬૦ ટનથી વધુ વજન ભરીને દોડતા ભારે વાહનોના કારણે રસ્તાઓ બિસ્માર બની ગયા છે, જેથી હવે ચોટીલા નાયબ કલેકટર એચ.ટી. મકવાણા આ વિસ્તારમાં આવે તેવી માંગ કરવામાં આવશે.