ખોડલધામ 2027 જાન્યુઆરીમાં પાટીદાર ચહેરો લોન્ચ કરશે ?
- દશાબ્દી માત્ર મહોત્સવ નહીં, પરંતુ ગુજરાતની રાજનીતિમાં ટર્નિંગ પોઈન્ટ બની શકે છે
- ગુજરાતની રાજનીતિમાં કંઈક મોટું શાંત રીતે રંધાઈ રહ્યું છે ! ઔપચારિક મુલાકાત કે પછી કોઈ નવી ગોઠવણ ?
- નરેશ પટેલ-હર્ષ સંઘવી 30 મિનિટ બંધ બારણે બેઠક પાછળ મોટો ગેમ પ્લાન ?
- ડેપ્યુટી મુખ્યમંત્રી અને ખોડલધામના સર્વેસર્વા નરેશ પટેલના ઘરે માત્ર રામ-રામ કરવા જાય અને 30 મિનિટ સુધી ચર્ચા કરે એ વાત સામાન્ય લાગતી નથી
અંદર કી બાત | અનિરૂદ્ધ નકુમ
રાજકોટમાં ડેપ્યુટી મુખ્યમંત્રી અને ખોડલધામના નરેશ પટેલ વચ્ચે થયેલી મુલાકાતને ભલે “ઔપચારિક” કહેવામાં આવી રહી હોય, પરંતુ હકીકતમાં આ મુલાકાતે ગુજરાતની રાજનીતિમાં નવા સવાલો ઉભા કરી દીધા છે. કોઈ ટોચનો નેતા કોઈ પ્રભાવશાળી સંસ્થાના આગેવાનના ઘરે જાય, ૩૦ મિનિટ સુધી બંધ બારણે ચર્ચા કરે અને પછી કહે કે “માત્ર શિષ્ટાચાર મુલાકાત” આ વાત હવે જનતા સહેલાઈથી માનવા તૈયાર નથી.
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી હવે દૂર નથી અને સૌરાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ થઈ રહી છે. આમ આદમી પાર્ટી ગામડાં સુધી મજબૂત બની રહી છે, જ્યારે ભાજપ માટે પાટીદાર સમીકરણ ફરી ગોઠવવું જીવનમરણનો પ્રશ્ન બની ગયો છે. આવી સ્થિતિમાં ખોડલધામ જેવી સંસ્થા અને નરેશ પટેલ જેવા પ્રભાવશાળી ચહેરા કેન્દ્રમાં આવી જાય એ સ્વાભાવિક છે પણ અહીં સૌથી મોટો ટ્વિસ્ટ છે અનાર પટેલ.
પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની દીકરી અનાર પટેલને ખોડલધામમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. નરેશ પટેલે પોતે નિવૃત્તિના સંકેત આપ્યા હતા, તો હવે શું પાટીદાર નેતૃત્વને નવી દિશા આપવા માટે અનાર પટેલને આગળ ધપાવવાનો ગેમ પ્લાન તૈયાર થઈ રહ્યો છે?
સવાલો હજુ યથાવત છે
-
બંધ બારણે શું નક્કી થયું?
-
શું સૌરાષ્ટ્ર માટે નવી રાજકીય સ્ક્રિપ્ટ લખાઈ રહી છે?
-
કે પછી ૨૦૨૭ માટેનો મોટો “માસ્ટરસ્ટ્રોક” તૈયાર થઈ રહ્યો છે?
આ સવાલ એટલા માટે વધુ ગંભીર બને છે કારણ કે જાન્યુઆરી ૨૦૨૭માં ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ૧૦ વર્ષ પૂર્ણ થશે અને “દશાબ્દી મહોત્સવ ૨૦૨૭”નું ભવ્ય આયોજન થવાનું છે. ૨૩ જાન્યુઆરીનો દિવસ માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં, પણ રાજકીય મંચ બની શકે જ્યાંથી કોઈ મોટી જાહેરાત થાય તો નવાઈ નહીં.
શું અનાર પટેલને સૌરાષ્ટ્રનો કે ગુજરાતનો “નંબર વન” ચહેરો બનાવવાની તૈયારી છે? કે પછી આ બધું માત્ર અટકળો છે? પરંતુ રાજકારણમાં સમયનું મહત્વ હોય છે અને ચૂંટણી પહેલા માત્ર ૭-૮ મહિના બાકી હોય ત્યારે આવી મુલાકાતો ક્યારેય “સામાન્ય” નથી હોતી.
એક વાત તો નક્કી છે. જાન્યુઆરી ૨૦૨૭ માત્ર મહોત્સવ નહીં, પરંતુ ગુજરાતની રાજનીતિમાં ટર્નિંગ પોઈન્ટ બની શકે છે અને ત્યાં સુધી ખોડલધામમાં શું રંધાઈ રહ્યું છે તે રાજકારણની સૌથી મોટી મિસ્ટ્રી બની રહેશે!