આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હવાલા રેકેટનો પર્દાફાશ, 1424 બેન્ક ખાતા ફ્રીઝ
-
પ્રતિ લાખ 500 રૂપિયાના ભાડે ચાલતું નાર્કો હવાલા કૌભાંડ
-
38 સ્થળોએ કેન્દ્રીય એજન્સીઓના દરોડા, 18 આરોપીઓની ધરપકડ કરાઈ
-
ભારત-મ્યાંમાર સરહદે ચાલતા કરોડોના ડ્રગ્સ નેટવર્કનો મોટો પર્દાફાશ
સિટી ન્યુઝ @ નવી દિલ્હી: કેન્દ્રીય એજન્સીઓ દ્વારા મિઝોરમ, મણિપુર અને આસામમાં 38 સ્થળોએ સઘન દરોડા પાડીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હવાલા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ભારત-મ્યાંમાર સરહદ સાથે જોડાયેલા આ નેટવર્ક સામે કાર્યવાહી કરતા એજન્સીઓએ 1424 જેટલા બેન્ક ખાતા ફ્રીઝ કરી દીધા છે. આ કાર્યવાહી દરમિયાન 17.82 કરોડ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા છે અને કુલ 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
કેન્દ્રીય એજન્સીઓના જણાવ્યા મુજબ, બેન્ક ખાતા ફ્રીઝ કરવાની સાથે 26 કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે. દરોડા પાડવામાં આવ્યા તે તમામ સ્થળો હવાલા ઓપરેટર્સ અને મ્યુલ એકાઉન્ટધારકો સાથે સીધા સંકળાયેલા હતા. મિઝોરમમાં સ્થાનિક પોલીસ અને NCB દ્વારા સંયુક્ત રીતે દરોડા પાડીને આ મામલામાં 6 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.
તપાસમાં સામે આવ્યું છે કે ભારત-મ્યાંમાર સરહદે બંને તરફથી ગેરકાયદેસર તસ્કરી ચાલતી હતી. જેમાં ભારત તરફથી મ્યાંમારમાં કેમિકલ્સ મોકલવામાં આવતું હતું, જ્યારે તેના બદલામાં મ્યાંમારથી ભારતમાં નાર્કોટિક્સ, હેરોઇન, બ્રાઉન શુગર અને નશીલી ટેબલેટ્સ જેવા પદાર્થો ઘૂસાડવામાં આવતા હતા.
સરહદ પારથી હેરોઇન અને મેથાફેટામાઇન ટેબલેટ્સ મિઝોરમ તથા મણિપુરમાં ઘૂસાડ્યા બાદ તેને ભારતના અન્ય રાજ્યોમાં પહોંચાડવામાં આવતી હતી. આ ઉપરાંત આ નશીલા પદાર્થોનો જથ્થો ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશમાં પણ મોકલવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે.
આ સમગ્ર નાર્કો હવાલા કૌભાંડમાં પકડાયેલા મ્યુલ બેન્ક એકાઉન્ટધારકોએ ચોંકાવનારી કબૂલાત કરી છે. ખાતાધારકોએ સ્વીકાર્યું હતું કે તેઓએ પોતાના બેન્ક ખાતા પ્રતિ લાખ 500 રૂપિયાના કમિશનથી ભાડે આપ્યા હતા, જેનો ઉપયોગ ડ્રગ્સના કાળા નાણાંની હેરફેર માટે થતો હતો.
પ્રતિ લાખ 500 રૂપિયાના કમિશનથી ભાડે અપાતા બેન્ક ખાતા
ભારત-મ્યાંમાર સરહદે ચાલતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હવાલા રેકેટમાં કેન્દ્રીય એજન્સીઓએ 38 સ્થળોએ દરોડા પાડી 1424 બેન્ક ખાતા ફ્રીઝ કર્યા છે. આ કાર્યવાહીમાં 17.82 કરોડ રોકડા અને 26 કરોડની સંપત્તિ જપ્ત કરી 18 આરોપીઓને પકડવામાં આવ્યા છે. તપાસમાં ખુલ્યું છે કે મ્યુલ એકાઉન્ટધારકો પ્રતિ લાખ 500 રૂપિયાના ભાડે પોતાના બેન્ક ખાતા નાર્કો હવાલા માટે આપતા હતા.