Loading Please Wait !!!
ગુજરાતમાં ભર ‘પૂર’ તબાહી

ગાંડીતૂર નદીઓ, છલકતા ડેમ, બેટમાં ફેરવાતા ગામો

  • ગામડાઓમાં વીજ પૂરવઠો ખોરવાયો

  • સુરતના અંબિકામાં 25 ઈંચ વરસાદથી જળબંબાકાર

  • 220 તાલુકાઓમાં 3 ઈંચથી 15 ઈંચ સુધી વરસાદ

  • 720 રસ્તાઓ વાહનવહવાર માટે બંધ છે ST બસોના અનેક રૂટ રદ્દ કરાયા અનેક ગામોનો સંપર્ક તૂટ્યો અનેક ડેમોના દરવાજા ખોલાયા 400થી વધુ નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર

સિટી ન્યૂઝ@રાજકોટ

આજે સવારે કઠી બપોરે ૨ વાગ્યા સુધીમાં ૨૧૩ તાલુકામાં સૌથી વધુ સુરેન્દ્રનગરના દ્રાંગધ્રામાં ૭ ઇંચ તો વલસાણમાં ૬.૧૮ ઇંચ વરસાદ ખાબક્યો છે. લખતરમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. લીલાપુર ગામમાં એકબાજુ ઉમઈ નદીના પાણી અને બીજી તરફ રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતાં સંપર્કવિહોણું બન્યું છે. લીલાપુર ગામ મુખ્ય માર્ગ પર હોવાથી માર્ગ બંધ થતાં આગળ આવેલા કારેલા, ઈંગરોલી અને સવલાણા સહિતના ગામોનો પણ તાલુકા મથક લખતર સાથેનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. ૨૪ કલાકમાં ૩૪ જિલ્લાના ૨૫૫ તાલુકામાં સરેરાશ ૭૯.૮૪ મિમી વરસાદ નોંધાયો છે. આ ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ સુરતના અંબિકા તાલુકામાં ૨૨.૨૪ ઇંચ, તાપીના ડોલવણમાં ૧૬.૭૩ ઇંચ, ખેડાના વસોમાં ૧૬.૩૮ ઇંચ, નવસારીના વાંસદામાં ૧૬.૨૬ ઇંચ અને ખેડાના નડિયાદમાં ૧૩.૪૩ ઇંચ નોંધાયો છે. રાજ્યમાં ચાલુ સિઝનમાં આજ સવારના ૬ વાગ્યા સુધીમાં કુલ સરેરાશ ૨૩.૧૭ ઇંચ વરસાદ નોંધાયો છે, જે સિઝનના સરેરાશ વરસાદના ૬૪.૭૬% જેટલો થાય છે.

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૯૧.૩૫% વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સક્રિય ચાર હવામાન સિસ્ટમના કારણે ૨૪ કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે અત્યંત ભારે વરસાદની સંભાવના સાથે ૬ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ૧૩ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને ૧૩ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે. હાલ રાજ્ય પર વેલમાર્ક લો પ્રેશર, મોનસૂન ટ્રફ, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત કુલ ચાર હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી વરસાદી માહોલ સર્જાયો છે. દરિયાઈ સ્થિતિ ઉગ્ર બનતા ૨ ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને રાજ્યના તમામ બંદરો પર નંબર-૩નું ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે સુરતની જીવાદोरी સમાન ઉકાઈડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેનાથી ડેમની સપાટી ૩૨૦.૮૨ ફૂટે પહોંચી છે.

  • મેઘરાજા મન મૂકીને વરસશે : અંબાલાલ પટેલ
  • 3 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી: રેડ એલર્ટ

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી ૨૪ કલાક દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદી ઝાપટા પણ પડી શકે છે. તેઓ લોકોએ હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવાની સલાહ આપી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજયની રાજધાની ગાંધીનગર અને અમદાવાદમાં આગામી ૨૪ કલાક દરમિયાન હલવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. હાલ સક્રિય વરસાદી સિસ્ટમના કારણે રાજ્યના મધ્ય ભાગમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને દિવસ દરમિયાન વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધી શકે છે. ખાસ કરીને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત પોરબંદર, અમરેલી, જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ પણ વધી શકે છે, જેના કારણે સ્થાનિક સ્તરે ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે.