Loading Please Wait !!!
ગોંડલમાં કરોડોના સોદા પર EDની એન્ટ્રી ભાજપ નેતાઓ પર સમન્સની ચર્ચા ?

  • એક કંપની સાથે જોડાયેલા કરોડોના નાણાકીય વ્યવહારો હવે તપાસના ઘેરામાં
  • એક નેતાએ વ્હાઈટના 4.50 કરોડ રૂપિયાનો વ્યવહારથી EDનું સમન્સ આવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે

સિટી ન્યૂઝ@રાજકોટ

ગોંડલના ગુંદાળા રોડ પર આવેલી એક કંપની સાથે જોડાયેલા કરોડોના નાણાકીય વ્યવહારો હવે તપાસના ઘેરામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જિલ્લા ભાજપ સાથે સંકળાયેલા કેટલાક નેતાઓએ આ કંપનીમાં મોટા પાયે નાણાકીય લેવડદેવડ કરી હોવાની માહિતી સામે આવી છે, જેને પગલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન્સ પાઠવાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

માહિતી મુજબ, કોલકત્તા સ્થિત ED કચેરી તરફથી આ સમન્સ મોકલ્યા છે અને મુંબઈના એક ઉદ્યોગપતિને પણ આ મામલે નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ખાસ  કરીને વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન એક નેતાએ આશરે ૪.૫૦ કરોડ રૂપિયાનો વ્યવહાર કર્યો હોવાનું સામે આવ્યું છે. અન્ય બે નેતાઓએ પણ અનુક્રમે લગભગ ૮૦ લાખ અને ૧ કરોડ જેટલા ટ્રાન્ઝેક્શન કર્યા હોવાની વિગતો બહાર આવી રહી છે.

સૂત્રો જણાવે છે કે કંપનીના રેકોર્ડમાં આટલી મોટી રકમ “વ્હાઈટ” માં દાખલ થવા અંગે શંકા ઉભી થતાં સમગ્ર મામલો તપાસ હેઠળ આવ્યો છે. હાલમાં જે સ્થળે આ કંપની કાર્યરત હતી, ત્યાં હવે રહેણાંક કોલોની વિકસાવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.

આ સમગ્ર મામલે ચાર વર્ષ બાદ તપાસ શરૂ થતા રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. EDના સમન્સથી બચવા માટે કેટલાક નેતાઓ મુંબઈ સુધી દોડધામ કરતા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

મૂળ પ્રશ્ન એ છે કે આ નેતાઓ પાસે આટલી મોટી રકમ આવી ક્યાંથી? ED દ્વારા શંકાસ્પદ નાણાકીય પ્રવાહોને ધ્યાનમાં રાખીને વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે.