Loading Please Wait !!!
ચોંકાવનારી હકીકત; મુખ્યમંત્રીના વિસ્તારમાં જ દુષિત પાણીથી હજારથી વધુ લોકો બિમાર

સિટી ન્યૂઝ@અમદાવાદ

અગાઉના સમયમાં રાજાઓ અને તેના ઉચ્ચ અધિકારીઓ વેશપલટો કરીને પ્રજાજનો અને નગરની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે નીકળતા હતા. પરંતુ આજના રાજકારણીઓ અને અધિકારીઓને એસી ગાડીની નીચે પગ મૂકવો ગમતો નથી. તેના કારણે સામાન્ય પ્રજાની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદની હાલત આજે એટલી હદે કથળી છે કે, લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ મળી રહ્યું નથી. જે શહેરમાંથી મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રી ચૂંટાયેલા હોય, ત્યાં પીવાના દૂષિત પાણીની વર્ષે ૧૭ હજારથી વધુ ફરિયાદો સામે આવી રહી છે. અમદાવાદની ઐતિહાસિક ધરોહર જ્યાં સચવાયેલી છે, તેવા કોટ વિસ્તારમાં આજે પણ ઘરે ઘરે પીવાનું દૂષિત પાણી આવે છે. આડેધડ ખોદકામ અને ડ્રેનેજ-પાણીની લાઈનોના અણઘડ આયોજનના કારણે શહેરના નવા વિકસેલા વિસ્તારોમાં પણ હવે દૂષિત પાણીની સમસ્યા પેદા થઈ છે. પશ્ચિમમાં ઘાટલોડિયાથી માંડીને શેલા સુધી આ પ્રશ્ન વકર્યો છે. મળતી વિગતો અનુસાર અમદાવાદ શહેરમાં પીવાના પાણીને લગતી કુલ ૭૪,૨૪૨ ફરિયાદો છેલ્લા એક વર્ષ દરમિયાન નોંધાઈ છે. જેમાં ૧૭,૮૪૭ ફરિયાદો દૂષિત પાણીને લગતી હતી!

દૂષિત પાણીની 17,847 ફરિયાદોથી મચ્યો હાહાકાર જેમાં ૧૭,૮૪૭ ફરિયાદો દૂષિત પાણીને લગતી હતી! અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરના નવ નિયુક્ત મેયર અને મ્યુનિ. કમિશનર નિયમિત રીતે રસ્તા અને બ્રિજના કામોના નિરીક્ષણ માટે જાય છે, તે સારી બાબત છે. પરંતુ પીવાના પાણી જેવા ગંભીર પ્રશ્ન સહિતની પ્રાથમિક સુવિધાઓની ચકાસણીમાં ઉદાસીન જોવા મળી રહ્યા છે.

મુખ્યમંત્રીના વિસ્તારમાં દૂષિત પાણીથી 1000થી વધુ લોકો બીમાર મુખ્યમંત્રીના વિસ્તાર ઘાટલોડિયામાં ગત સપ્તાહે પીવાના દૂષિત પાણીથી એક હજારથી વધુ શહેરીજનો બીમાર પડ્યા હતા. ગઈકાલે શહેરી વિકાસ મંત્રીના વિસ્તારમાં વિફરેલા લોકોએ અધિકારીઓની બેદરકારીથી કંટાળીને મ્યુનિ.ની ટીમને રીતસર બંધક બનાવી લીધી હતી. આ બંને ઘટનાઓ બાદ પણ અમદાવાદના સત્તાધીશો અને અધિકારીઓએ કોઈ નક્કર એક્શન પ્લાન તૈયાર કર્યો નથી.

વિપક્ષ જવાબદારીમાં નિષ્ફળ લાંબા સમયથી વિપક્ષ તરીકે ભૂમિકા ભજવી રહેલા કોંગ્રેસના કાઉન્સિલરો વારે-તહેવારે માત્ર હાકલા-પડકારા કરીને સંતોષ માની બેસી જાય છે. લોકોને પીવાના પાણી માટે રીતસર વલખાં મારવા પડી રહ્યા છે. આ સ્થિતિમાં લાંબા સમયની અસરકારક લડત આજ સુધીમાં વિપક્ષે આપી નથી. સત્તાધીશો કામ ન કરતા હોય ત્યારે પ્રજા વતી અવાજ રજૂ કરવાની જવાબદારી વિપક્ષની છે.