Loading Please Wait !!!
કોકરોચ જનતા પાર્ટીનું X એકાઉન્ટ તુરંત ચાલુ નહીં થાય

» દિલ્હી હાઈકોર્ટનો નિર્ણય

સિટી ન્યૂઝ@દહેરાદૂન 

સોશિયલ કટાક્ષ માટે જાણીતી અને ઇન્ટરનેટ પર ભારે ધૂમ મચાવનાર કોકરોચ જનતા પાર્ટીના X એકાઉન્ટને કેન્દ્ર સરકાર દ્વારા બ્લોક કરવાના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. જસ્ટિસ પુરુષેન્દ્ર કુમાર કૌરવે આ મામલે શુક્રવારે સુનાવણી હાથ ધરીને કેન્દ્ર સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ને સત્તાવાર નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. જોકે, હાઈકોર્ટે હાલ તુરંત આ એકાઉન્ટ ચાલુ કરવાનો વચગાળાનો આદેશ આપવાનો ઇનકાર કરી દીધો છે. CJP ના સ્થાપક અભિજીત દીપકે કોર્ટને વિનંતી કરી હતી કે કેસની સુનાવણી ચાલે ત્યાં સુધી વચગાળાની રાહત તરીકે તેમનું X એકાઉન્ટ અનબ્લોક કરવામાં આવે. પરંતુ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, સરકારનો પક્ષ સાંભળ્યા વગર આવો આદેશ ન આપી શકાય, કારણ કે આ વિષયની અસરો ખૂબ દૂરગામી હોઈ શકે છે.

અરજદારની દલીલોમાં તથ્ય હોઈ શકે છે, પરંતુ આ બાબતના પરિણામો અને આયામો ઘણા મોટા છે. સામો પક્ષ (કેન્દ્ર સરકાર) પોતાનો પક્ષ રજૂ કરે તે પછી જ સમગ્ર બાબતને હોલિસ્ટિકલી ધ્યાને લેવામાં આવશે." કોર્ટે કેન્દ્ર સરકારને પોતાનો વિગતવાર જવાબ દાખલ કરવા માટે ૪ અઠવાડિયાનો સમય આપ્યો છે અને આ કેસની આગામી સુનાવણી ૬ જુલાઈએ નિયત કરી છે. ઇન્ટેલિજન્સ બ્યુરો તરફથી મળેલા ઇનપુટ્સના આધારે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર આ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, ૨૦૦0 ની કલમ ૬૯ (A) હેઠળ X ને આ એકાઉન્ટ બ્લોક કરવાનો આદેશ અપાયો હતો.