સૂચિત કોચિંગ ક્લાસ એક્ટ મુદ્દે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનની ચીમકી
- » સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં આવનારા ‘ટ્યુશન એક્ટ’ મુદ્દે મુખ્ય સ્ટેક હોલ્ડર ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન મેદાને
- » 10 મહત્વના સુધારાઓની માંગ: ઓનલાઈન એજ્યુકેશન એપ અને હોમ ટ્યુશનને પણ કાયદાના સકંજામાં લેવાની ઉગ્ર રજૂઆત
- » જો હિતરક્ષક સૂચનો નહીં સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને કાયદાકીય લડત લડવાનો ખુલ્લો પડકાર
- » શિક્ષણ સચિવને પત્ર : ‘મટીરીયલ કે સોફ્ટવેરના પૈસા રિફંડ નહીં થાય, કાયદો શિક્ષકોને દબાવવા માટે ન હોવો જોઈએ’
સિટી ન્યૂઝ@રાજકોટ
ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ લાવવામાં આવી રહેલા "કોચિંગ ક્લાસિસ (નિયમન અને માર્ગદર્શન) અધિનિયમ" મુદ્દે હવે રાજ્યના ટ્યુશન સંચાલકોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. ૩૧ જુલાઈ ૨૦૨૫ ના રોજ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત (FAA) ના પ્રમુખ હેમાંગ રાવતે રાજ્યના શિક્ષણ વિભાગના મુખ્ય સચિવને એક કડક પત્ર લખીને ૧૦ મુદ્દાઓનું અલટીમેટમ આપ્યું છે. ફેડરેશને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, જો હજારો કોચિંગ ક્લાસિસ અને શિક્ષકોના હિતમાં સૂચવેલા આ સુધારાઓ સ્વીકારવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલન અને
કાનૂની લડત છેડવામાં આવશે.
સરકાર સમક્ષ આક્રમક રજૂઆત કરતા ફેડરેશને જણાવ્યું છે કે ફાયદો માત્ર સ્થાનિક ટ્યુશન ક્લાસ પૂરતો સીમિત ન રહેવો જોઈએ. ઓનલાઈન પ્લેટફોર્મ (જેવા કે Byju's, Vedantu, PhysicsWallah), હોમ ટીચર અને ફ્રીલાન્સ કોચને પણ સમાન નિયમો લાગુ પડવા જોઈએ. ઓનલાઈન કંપનીઓ માટે સ્થાનિક રજીસ્ટ્રેશન, ડેટા પ્રાઇવસી અને સર્વર લોકેશન અંગે કડક જોગવાઈઓ હોવી જોઈએ. તદુપરાંત, સ્થાનિક કોચિંગ ક્લાસિસ માટે સિંગલ વિન્ડો પદ્ધતિથી વિનામૂલ્યે રજીસ્ટ્રેશન અને લાયસન્સ અપાવવામાં કરાઈ છે અને ફક્ત સ્થળ બદલાય ત્યારે જ નવી મંજૂરી ફરજિયાત રાખવા જણાવાયું છે.
વિદ્યાર્થીઓને ફી પરત કરવાના નિયમો બાબતે ફેડરેશને સ્પષ્ટ કરી છે કે રિફંડ માત્ર ‘ટ્યુશન ફી’ પૂરતું જ
મર્યાદિત હોવું જોઈએ. એકવાર વિદ્યાર્થીને કિટ, ડ્રેસ, મટીરીયલ, સોફ્ટવેર કે ડિજિટલ એક્સેસ આપી દીધા બાદ તેનો ખર્ચ કોઈપણ સંજોગોમાં પરત ન આપવો જોઈએ. બંધારણના આર્ટિકલ ૧૬(૯) (g) ને ટાંકીને ફેડરેશને ભારપૂર્વક જણાવ્યું છે કે કાયદાનો હેતુ વિદ્યાર્થીઓનું શોષણ અટકાવવાનો હોવો જોઈએ, નહીં કે શિક્ષણ ઉદ્યોગ અને શિક્ષકોના વ્યવસાયિક અધિકારોને કચડી નાખવાનો, નાના ઉલ્લંઘન માટે સીધી મોટી સજા ફટકારવાના બદલે સંચાલકોને સુધારવાની તક (Rectification Opportunity) મળવી જોઈએ.
વિદ્યાર્થીઓ પરથી શૈક્ષણિક દબાણ ઘટાડવા ફેડરેશને સૂચવ્યું છે કે ટ્યુશનના સમયના નિયમો ઘડતા પહેલા ખુદ શાળાઓના સમયપત્રકોનો પુનર્વિચાર કરવો જરૂરી છે. વિદ્યાર્થી સ્વેચ્છાએ ક્લાસ છોડે તો તેનો દોષ સંચાલકો પર ઢોળવો યોગ્ય નથી.
ફેડરેશનને ’નોડલ એજન્સી’ તરીકે માન્યતા આપવા ઉગ્ર માંગ
કાયદાના અમલીકરણમાં બાબુશાહી અને ભ્રષ્ટાચાર અટકાવવા ફેડરેશને સરકાર સમક્ષ એક મોટી માંગ મૂકી છે. પત્રમાં જણાવાયું છે કે જે રીતે વકીલો માટે બાર કાઉન્સિલ (Bar Council) અને ફાર્માસિસ્ટ માટે ફાર્મસી કાઉન્સિલ કાર્ય કરે છે, તેવી જ રીતે કોચિંગ ક્લાસિસ માટે ‘ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત’ ને નોડલ એજન્સી તરીકે સત્તાવાર માન્યતા મળવી જોઈએ. એક ‘સેલ્ફ-રેગ્યુલેટરી મોડેલ’ (સ્વનિયમન) થકી રજીસ્ટ્રેશન, આચાર સંહિતા અને વિવાદ નિવારણ કાર્યો ફેડરેશન મારફતે થવા જોઈએ, તેમજ રાજ્ય અને જિલ્લા સ્તરની મોનીટરીંગ કમિટીઓમાં ફેડરેશનના પ્રતિનિધિઓને કાયમી સ્થાન મળવું જોઈએ.