સિમેન્ટ-સ્ટીલના 60% મોંઘુ પ્રોજેક્ટ પૂર્ણ કરવા પડકાર !
- બાંધકામ ક્ષેત્રમાં સંકટ | યુદ્ધની અસર રિયલ એસ્ટેટ પર
સીટી ન્યૂઝ@અમદાવાદ
દેશભરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં અગ્રેસર ગણાતું ગુજરાત હવે નવી મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવની સીધી અસર રાજ્યના આર્થિક વિકાસ અને રિયલ એસ્ટેટ પર પડી છે. ક્રૂડ ઓઈલ, ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ આસમાને પહોંચ્યો છે, સપ્લાયર્સ દ્વારા સિમેન્ટ, સ્ટીલ, ટાઈલ્સ, એલ્યુમિનિયમ જેવી વસ્તુમાં ૩૦ ટકાથી ૬૦ ટકા સુધીનો કૃત્રિમ ભાવવધારો ઝીંકાયો છે. વર્તમાન પરિસ્થિતિને લીધે શ્રમિકોના સ્થળાંતરથી લેબર શોર્ટેજ સર્જાઈ છે અને પ્રોજેક્ટ્સની ગતિ મંદ પડી છે.
આ સંજોગોમાં ડેવલપર્સ માટે પ્રોજેક્ટ કોસ્ટ સરેરાશ ૨૦-૨૫ ટકા વધી ગઈ છે. રિયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રી દ્વારા કિંમતો પર કાબૂ મેળવવા માટે સરકાર સમક્ષ વિવિધ ટેક્સમાં રાહત આપવાની અને પ્રોજેક્ટની સમય મર્યાદા ૬ મહિના લંબાવવાની માગ કરી છે. જોકે, સરકાર તરફથી હજુ સુધી કોઈ હકારાત્મક નિર્ણય લેવાયો નથી. ડેવલપર્સનું કહેવું છે કે જો સરકાર કોઈ રાહત નહીં આપે, તો આ વધારાનો બોજ ગ્રાહકો પર આવશે.
| વિગત | જાન્યુઆરી | મે | વધારો |
| સ્ટીલ (TMT) ટન | 56700 | 59600 | 5.11% |
| સિમેન્ટ (બેગ) | 295 | 330 | 11.86% |
| AAC બ્લોક ક્યુ.મી. | 3360 | 3640 | 8.33% |
| એગ્રીગેટ (10mm) ટન | 892 | 997 | 11.77% |
| એલ્યુમિનિયમ પાઇપ | 309 | 446 | 44.34% |
| ટાઇલ્સ (800X1600 GVT) | 44 | 54 | 22.73% |
| પ્લમ્બિંગ (UPVC) કિલો | 803 | 1111 | 38.36% |
મુદત વધારવાની માગ હજુ વણઉકેલાયેલી
ક્રેડાઈ અમદાવાદના સેક્રેટરી અંકુર દેસાઈએ કહ્યું કે, કોવિડ મહામારીની જેમ વર્તમાન વૈશ્વિક કટોકટીમાં પણ રિયલ એસ્ટેટ સેક્ટરને બચાવવા રેરા એક્ટની કલમ ૬ હેઠળ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની મુદત ૬ માસ લંબાવવી જરૂરી છે. આ અંગે મુખ્યમંત્રી અને રેરા ચેરપર્સનને પત્ર લખવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.
- બોમ્બે હાઈકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો
- ફ્લેટના કબજો બિલ્ડર મોડો આપે તો દર મહિને વ્યાજ ચૂકવવું પડશે
બોમ્બે હાઈકોર્ટદ્વારા રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ અંતર્ગત ઘર ખરીદદારોના પક્ષમાં એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો બિલ્ડર દ્વારા ફ્લેટનો કબજો આપવામાં વિલંબ થાય, તો ખરીદદારો દર મહિને વ્યાજ મેળવવા માટે સંપૂર્ણ હકદાર છે અને આ નિર્ણયથી વર્ષોથી પોતાના સપનાના ઘરની રાહ જોઈ રહેલાં અસંખ્ય પરિવારોને બહુ મોટી રાહત મળશે. ન્યાયાધીશ માધવ જામદારની સિંગલ બેન્ચે આ ચુકાદો આપતાં નોંધ્યું હતું કે રેરા કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય જ ઘર ખરીદનારાઓની મુશ્કેલીઓ દૂર કરવાનો તથા બાંધકામ ક્ષેત્રે થતાં વિલંબને રોકીને પારદર્શિતા લાવવાનો છે. તેથી બિલ્ડરો પ્રોજેક્ટમાં વર્ષો સુધી વિલંબ કરીને કાયદાકીય અસરો અને વ્યાજ ચૂકવવામાંથી મુક્તિ મેળવી શકે નહીં અને જે ખરીદદારો પ્રોજેક્ટમાં વિલંબ થવા છતાં પણ તેની સાથે જોડાયેલાં રહે છે, તેમને વાસ્તવિક કબજો ન મળે ત્યાં સુધી દર મહિનાના વિલંબ માટે બિલ્કરે બિનશરતી વ્યાજ ચૂકવવું જ પડશે.
આ સમગ્ર મામલો મુંબઈનાં મુલુંડ વિસ્તારનાં એક હાઉસિંગ પ્રોજેક્ટ સાથે જોડાયેલો છે, જેમાં ૧૦ ખરીદદારોએ વર્ષ ૨૦૦૬ થી ૨૦૦૭ દરમિયાન ફ્લેટ બુક કરાવ્યાં હોવા છતાં લાંબા સમય સુધી કબજો ન મળતાં વર્ષ ૨૦૧૮માં રેરા એપેલેટ ટ્રિબ્યુનલે બિલ્ડરને ફેબ્રુઆરી ૨૦૧૪થી લઈને વાસ્તવિક કબજો સોંપવામાં આવે ત્યાં સુધી વ્યાજ ચૂકવવાનો આદેશ કર્યો હતો, જેને બિલ્ડરે હાઈકોર્ટમાં પડકાર્યો હતો પરંતુ ઉચ્ચ ન્યાયાલયે ટ્રિબ્યુનલના નિર્ણયને યોગ્ય ઠેરવીને બિલ્ડરની અરજી ફગાવી દીધી છે. સુપ્રિમ કોર્ટના અગાઉનાં વિવિધ ચુકાદાઓનો ઉલ્લેખ કરતાં હાઈકોર્ટે જણાવ્યું કે સામાન્ય ખરીદદાર ઘર ખરીદવા માટે બેંકો કે અન્ય સંસ્થાઓ પાસેથી વ્યાજે નાણાં લે છે અને બિલ્ડરને એડવાન્સ રકમ ચૂકવે છે, જેથી ખરીદદાર પરોક્ષ રીતે પ્રોજેક્ટના ફાઇનાન્સરની ભૂમિકા ભજવે છે જે તેને અત્યંત સંવેદનશીલ સ્થિતિમાં મૂકી દે છે.