કાલે ભીમ અગિયારસ
માન્યતાઓ : પાણી પીધા વિના વ્રત કરવાથી વર્ષની બધી એકાદશીઓનું પુણ્ય મળે છે
સિટી ન્યૂઝ@ગાંધીનગર
જ્યેષ્ઠ સુદ પક્ષની એકાદશી એટલે કે નિર્જળા એકાદશી આવતીકાલ (૨૫ જૂને) છે. તેને વર્ષની સૌથી મોટી એકાદશીઓમાંની એક માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે નિર્જળ વ્રત કરવાથી આખા વર્ષની બધી એકાદશીઓના વ્રત સમાન પુણ્ય મળે છે. ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વિશેષ શૃંગાર કરો. ઘણા લોકો વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ, તુલસી પૂજન, ભજન ગાયન અને રાત્રિ જાગરણ પણ કરે છે. નિર્જળા એકાદશીએ ભીમસેની કે પાંડવ એકાદશી પણ કહેવાય છે.
મહાભારત કાળમાં પાંડવ ભીમસેને પણ આ વ્રત કર્યું હતું. પૌરાણિક કથા છે કે મહર્ષિ વેદવ્યાસ પાંડવોને એકાદશી વ્રતનું મહત્વ જણાવી રહ્યા હતા. વ્યાસજીએ જણાવ્યું કે એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરીને વ્રત કરવું જોઈએ. આ સાંભળીને ભીમસેને કહ્યું કે તેઓ ભૂખના કારણે વર્ષની બધી એકાદશીઓનું ઉપવાસ કરી શકતા નથી, કારણ કે તેમનાથી ભૂખ સહન થતી નથી.
વ્યાસજીએ ભીમને જ્યેષ્ઠ શુક્લ એકાદશીનું નિર્જળા વ્રત કરવાની સલાહ આપી. તેમણે કહ્યું કે આ દિવસે સૂર્યોદયથી બીજા દિવસ સુધી જળનો પણ ત્યાગ કરીને વ્રત કરવાથી વર્ષની બધી એકાદશીઓનું ફળ પ્રાપ્ત થાય છે. એકાદશી વ્રત પછી બીજા દિવસે દ્વાદશી તિથિ પર સ્નાન કરીને જળ, વસ્ત્ર, ધન દાન કરીને ભોજન કરવું જોઈએ.
ભીમસેને આ વ્રત સ્વીકાર્યું અને શ્રદ્ધાપૂર્વક નિર્જળા એકાદશીનું પાલન કર્યું. આ વ્રત પાપોનો નાશ કરનાર અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરાવનાર માનવામાં આવ્યું છે.
નિર્જળા એકાદશીએ લોકોને પાણી પીવડાવવું અને જળ દાન કરવાની પરંપરા છે. આ દિવસે અનાજ, જળ, તલ, કાપડ, આસન, બુટ, છત્રી, પંખો અને ફળનું દાન કરવું જોઈએ. સાથે જ જળથી ભરેલાં ઘડા કે કળશનું દાન કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ શકે છે. આ દિવસે પાણી અને તલનું દાન કરવાથી પિતૃઓ પણ તૃપ્ત થઈ જાય છે. આ વ્રત કરવાથી બધી જ એકાદશીના દિવસે અનાજનું સેવન કરવાનો દોષ પણ દૂર થાય છે અને બધી જ એકાદશી વ્રતનું પુણ્ય મળે છે. શ્રદ્ધાથી જેઓ આ એકાદશીનું વ્રત કરે છે, તેઓ દરેક પ્રકારના પાપથી મુક્ત થઈ જાય છે.