Loading Please Wait !!!
અમદાવાદ પ્લેન ક્રેશની 10 પરિવારોની કરુણ કહાનીઓ

સીટી ન્યૂઝ@અમદાવાદ

૧૨ જૂન, ૨૦૨૫ના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા માટે ઉડાન ભરેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-૧૭૧ ટેકઓફના ગણતરીના મિનિટોમાં જ દુર્ઘટનાગ્રસ્ત બની હતી. આ અકસ્માતે માત્ર ૨૪૧ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સનો જ નહીં, પરંતુ જમીન પર રહેલા અનેક નિર્દોષ લોકોનો પણ જીવ લીધો હતો.

સીમંતની ખુશીઓ માતમમાં ફેરવાઈ

ધોળકાના કેલિયા વાસણા ગામના વૈભવ પટેલ અને જીનલ પટેલ પ્રેમલગ્ન બાદ લંડનમાં વસતા હતા. જીનલ સાત મહિનાની ગર્ભવતી હોવાથી દંપતી ખાસ સીમંતની વિધિ માટે વતન આવ્યું હતું. ૫ જૂને પરિવારજનોની હાજરીમાં સીમંતની ખુશીઓ ઉજવાઈ હતી. કોઈએ કલ્પના પણ નહોતી કરી કે થોડા જ દિવસોમાં આ ખુશીઓ કાયમ માટે ખોવાઈ જશે.

ચાર મહિનામાં જ લગ્નજીવન પૂર્ણ થયું

બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થરાવ ગામના કમલેશ ચૌધરી અને ધાપુબેન ચૌધરીના લગ્નને હજુ ચાર મહિના પણ પૂરા થયા નહોતા. જીવનના નવા સપનાઓ સાથે બંને લંડન જઈ રહ્યા હતા. પરંતુ વિમાન દુર્ઘટનાએ તેમના સંબંધને એટલી ઝડપથી સમાપ્ત કરી દીધો કે પરિવારજનો આજે પણ એ હકીકત સ્વીકારી શકતા નથી.

એકમાત્ર દીકરો અને પુત્રવધૂ એકસાથે છીનવાઈ ગયા

ગાંધીનગરના ગૌરવ બ્રહ્મભટ્ટ અને તેમની પત્ની કલ્યાણી બ્રહ્મભટ્ટ પોતાના બે સંતાનોને પાછળ છોડીને લંડન જઈ રહ્યા હતા. બંને બાળકો હજુ અભ્યાસ કરી રહ્યા છે. ગૌરવ તેમના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો. દુર્ઘટનાએ એક જ ક્ષણમાં વૃદ્ધ માતા-પિતાનો સહારો છીનવી લીધો અને બે સંતાનોને અનાથ સમાન સ્થિતિમાં મૂકી દીધા.

અંતિમવિધિ માટે આવેલ દીકરાની માતા સાથે જ કાયમ માટે વિદાય થઈ ગઈ

ઉંઝાના ઐઠોર ગામના કેતન પટેલ પોતાના પિતાના અવસાન બાદ અંતિમવિધિ માટે લંડનથી ભારત આવ્યા હતા. તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ કરીને તેઓ પોતાની માતા સવિતાબેન સાથે પરત ફરી રહ્યા હતા. કોઈએ વિચાર્યું નહોતું કે પિતાના વિયોગનું દુઃખ સહન કરતો આ પરિવાર થોડા દિવસોમાં વધુ એક આઘાતનો સામનો કરશે.

ફિયાન્સી સાથે જ અંતિમ શ્વાસ લીધા

ગઢડાના અડતાલા ગામના હાર્દિક અવેધા છેલ્લા બે વર્ષથી લંડનમાં નોકરી કરતા હતા. થોડા સમય પહેલાં જ તેમની વિભૂતિ સાથે સગાઈ થઈ હતી. બંને ભવિષ્યના સપનાઓ લઈને પરિવારને મળવા ભારત આવ્યા હતા. સગાઈની ખુશીઓ હજુ તાજી હતી અને લગ્નની તૈયારીઓની ચર્ચાઓ ચાલી રહી હતી. પરંતુ વિમાન દુર્ઘટનાએ બંનેને એવી વિદાય આપી કે હવે માત્ર તેમની સગાઈની યાદો જ પરિવાર પાસે બચી છે.

દીકરીને મળવા જતાં માતા-પિતાની પ્રથમ સફર જ અધૂરી રહી ગઈ

ખંભાતના હેમંતભાઈ પંડ્યા અને નેહાબેન પંડ્યા પહેલીવાર લંડન જવા નીકળ્યા હતા. દીકરીએ બંને માતા-પિતાને પોતાના ઘરે બોલાવ્યા હતા અને પરિવાર લાંબા સમય પછી મળવાનો હતો. વર્ષોથી દીકરીને મળવાની રાહ જોતા માતા-પિતા માટે આ પ્રવાસ ખાસ હતો. પરંતુ વિમાન દુર્ઘટનાએ આ મુલાકાત ક્યારેય શક્ય ન બનવા દેતા પ્રથમ સફર જ અધૂરી રહી ગઈ હતી.

અઢી વર્ષની દીકરી સાથે નીકળેલી માતા ઘરે પરત ફરી નહીં

વડોદરાની સાદિકાબાનુ શેખવાલા પોતાના દિયરના નિકાહમાં હાજરી આપવા ભારત આવી હતી. તમામ પરિવારજનો સાથે ખુશીઓ ઉજવીને તે પોતાની અઢી વર્ષની દીકરી ફાતિમા સાથે લંડન પરત જઈ રહી હતી. એરપોર્ટ સુધી પરિવારજનો તેમને મૂકવા આવ્યા હતા.

દીકરીને ઘરે મૂકીને લંડન જતી માતા ક્યારેય પહોંચી નહીં

વડોદરાની નેન્સી પટેલ થોડા દિવસ પહેલાં જ પોતાની અઢી વર્ષની દીકરીના ધાર્મિક પ્રસંગ માટે ભારત આવી હતી. દીકરીને પરિવાર પાસે મૂકીને તે એકલી જ લંડન પરત જઈ રહી હતી. પરિવારને લાગતું હતું કે થોડા દિવસોમાં ફરી મળવાનું થશે. પરંતુ દુર્ઘટનાએ માતા અને દીકરી વચ્ચેનું અંતર કાયમ માટે વધારી દીધું.

પત્નીના અવસાનનું દુઃખ સહન ન થયું ત્યાં જ પોતે પણ ચાલ્યા ગયા

સુરતના અર્જુન પટોળિયાએ થોડા જ દિવસ પહેલાં પોતાની પત્ની ભારતીને કેન્સરના કારણે ગુમાવી હતી. પત્નીની અંતિમવિધિ બાદની ધાર્મિક વિધિઓ માટે તેઓ ખાસ ભારત આવ્યા હતા. જીવનસાથીના વિયોગમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહેલા અર્જુન લંડન પરત ફરી રહ્યા હતા.

માતા-પિતાને સરપ્રાઈઝ આપવા આવેલા દીકરા-વહુ અને પૌત્રીનું મૃત્યુ

સુરતના અકીલ નાનાબાવા, તેમની પત્ની હાના અને નાની દીકરી સારા બકરી ઇદ નિમિત્તે માતા-પિતાને સરપ્રાઈઝ આપવા ભારત આવ્યા હતા. પરિવાર સાથે ખુશીઓના દિવસો વિતાવ્યા બાદ તેઓ લંડન પરત ફરી રહ્યા હતા. પરંતુ આ સફર તેમની અંતિમ સફર બની ગઈ. માતા-પિતાને મળવા આવેલા દીકરા, વહુ અને પૌત્રીની હવે માત્ર યાદોમાં જ જોઈ શકાય છે.

એક દુર્ઘટના, સેંકડો અધૂરા સપનાઓ

આ તમામ કહાનીઓ માત્ર આંકડા નથી. દરેક નામ પાછળ એક પરિવાર, એક સપનું, એક ભવિષ્ય અને અસંખ્ય લાગણીઓ જોડાયેલી હતી. કોઈના લમજજીવનની શરૂઆત હતી, કોઈ માતા બનવાની રાહ જોઈ રહ્યું હતું, કોઈ પોતાના માતા-પિતાને મળવા જઈ રહ્યું હતું, તો કોઈ જીવનના દુઃખમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યું હતું.