Loading Please Wait !!!
સ્કૂલોમાં બાળકોને ત્રાસ આપવાની પાંચ ઘટના બનશે તો માન્યતા રદ્દ !

  • બાળકો ઉપર શારીરિક-માનસિક ત્રાસ બંધ કરો: સરકારનો કડક નિર્ણય !
  • સ્કૂલ સામે શારીરિક શિક્ષા-માનસિક ત્રાસની ફરિયાદ બાદ કમિટી નિમાશે જો કમિટી સ્કૂલને દોષી માનશે તો સ્કૂલ સામે દંડ સહિતના કડક પગલાં

સિટી ન્યૂઝ@રાજકોટ

ખાનગી સ્કૂલમાં બાળકોને શારીરિક શિક્ષા અને માનસિક ત્રાસ આપવાની સતત પાંચ ઘટના બને તો સ્કૂલની માન્યતા રદ થશે. સ્કૂલ સામે શારીરિક શિક્ષા અને માનસિક ત્રાસની ફરિયાદ બાદ કમિટી નિમાશે. જો કમિટી સ્કૂલને દોષી માનશે તો સ્કૂલને દંડ થશે, પણ જો સ્કૂલમાં વારંવાર આ પ્રકારની ઘટના બનતી રહેશે તો અંતિમ પગલાં તરીકે શિક્ષણ વિભાગ સ્કૂલની માન્યતા રદ કરશે.

ખાનગી સ્કૂલોમાં બાળકોને માનસિક અને શારીરિક ત્રાસ અપાતો હોવાની મૌખિક ફરિયાદ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીને મળી હતી, જેના અનુસંધાને નિયામક કચેરી દ્વારા દરેક જિલ્લા શિક્ષણાધિકારીને સૂચના અપાઈ છે કે, સ્કૂલો બાળકોને શિક્ષા કરે તે સ્થિતિમાં કેટલો દંડ થઈ શકે છે તેની માહિતી વાલીની સાથે સ્કૂલોને આપવામાં આવે, જે મુજબ બાળકને શારીરિક શિક્ષા, માનસિક ત્રાસ આપવાની સ્થિતિએ સ્કૂલને ૧૦ હજારનો દંડ થશે. ત્યાર બાદ દરેક વખતે બાળકોને ત્રાસ આપવાની સ્થિતિએ ૨૫ હજાર પ્રમાણે દંડ વધશે.

સૂત્રોના પ્રમાણે, ખાનગી સ્કૂલોમાં વિવિધ કારણસર બાળકોને શારીરિક શિક્ષા આપવામાં આવે છે, જેમાં બાળકોને બેન્ચ પર ઊભા રાખવા, હાથ ઊંચા રાખીને ઊભા રાખવા વગેરે શિક્ષા કરાતી હતી. આ શારીરિક શિક્ષાને કારણે બાળકોને સ્કૂલે આવવા માટે મુશ્કેલી ઊભી થાય છે. બાળકોના માનસ પર પણ ખરાબ અસર ઊભી થાય છે. આ સ્થિતિમાં બાળકોને શિક્ષા નહીં, પણ સમજણથી કામ થાય તે ઉદ્દેશ સાથે શિક્ષણ વિભાગે નિયમ જાહેર કર્યો છે. સ્કૂલોને સૂચના અપાઈ છે કે બાળકોને શારીરિક શિક્ષા અને માનસિક ત્રાસ આપવો શિક્ષણના નિયમો મુજબ ગુનો બને છે, જેનો દંડ સ્કૂલ સંચાલકોને થાય છે. વાલીઓમાં ફરિયાદ ઉઠી છે કે ક્યારેક બાળક લેશન કરીને ન જાય તો પણ શિક્ષકો એમને આકરી સજા આપે છે. રાજકોટ સહિત રાજ્યમાં આવા અનેક બનાવો બન્યા છે.

  • સામાન્ય રીતે વાલી પોલીસ ફરિયાદ કરે છે

શિક્ષણ વિભાગના નિયમ પ્રમાણે બાળકને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપવાની સ્થિતિએ સ્કૂલ સંચાલકોને દંડની જોગવાઈ છે, પરંતુ વાલીઓ મોટે ભાગે પોલીસ ફરિયાદ કરે છે. અમદાવાદ શહેરમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં બનેલી ઘટનાઓમાં બાળકને શારીરિક શિક્ષા- માનસિક ત્રાસ આપવાની સ્થિતિએ વાલીઓ પોલીસ ફરિયાદ કરે છે.

  • બાળકોને બેન્ચ પર, હાથ ઉંચા રાખીને ઉભા રાખવા, અંગૂઠા પકડવાની શિક્ષકોને છૂટછાટ નહીં; બાળકોના માનસ ઉપર ખરાબ અસર ઉભી થાય છે