છઠ મહાપર્વના ખરના દિવસે ઘરના દરવાજા ખુલ્લા રાખવાની પરંપરા!
- છઠ્ઠી મૈયાના આગમન અને સ્વાગત સાથે જોડાયેલું રહસ્ય!
- નિર્જળા ઉપવાસ રાખીને ગોળની ખીરનો પ્રસાદ અર્પણ!
- ભક્તોના ઘરે પધારીને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે દેવી!
સિટી ન્યુઝ @ ધાર્મિક
ભારતમાં અનેક પવિત્ર તહેવારો શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે, જેમાં બિહાર, ઝારખંડ અને પૂર્વ ઉત્તર પ્રદેશ સહિત દેશભરમાં મનાવાતો છઠ મહાપર્વ સૂર્યદેવ અને છઠ્ઠી મૈયાને સમર્પિત છે તથા ચાર દિવસ સુધી ચાલતા આ પર્વમાં પ્રત્યેક દિવસનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે.
છઠ પૂજાના બીજા દિવસે 'ખરના'ની પરંપરા નિભાવવામાં આવે છે, જેમાં વ્રતધારીઓ આખો દિવસ નિર્જળા ઉપવાસ રાખીને સાંજે માટીના ચૂલા પર ગોળની ખીર અને પ્રસાદ તૈયાર કરી પૂજા અર્ચના પૂર્ણ કર્યા બાદ જ્ર પ્રસાદ ગ્રહણ કરે છે.
આ પર્વ સાથે જોડાયેલી અનેક રસપ્રદ માન્યતાઓ છે, જેમાં ખરનાની રાત્રે ઘરના દરવાજા ખુલ્લા રાખવાની પરંપરા સૌથી વિશેષ છે, કારણ કે લોકમાન્યતા અનુસાર આ પવિત્ર રાત્રે છઠ્ઠી મૈયા પોતાના ભક્તોના ઘરે પધારે છે અને પરિવારને આશીર્વાદ આપે છે.
દેવીના આગમનમાં કોઈ અડચણ ન આવે અને તેમના પ્રત્યે આદર વ્યક્ત થાય તે માટે ભક્તો દ્વારા દરવાજા ખુલ્લા રાખવાની આ પરંપરા પેઢી દર પેઢી શ્રદ્ધાપૂર્વક નિભાવવામાં આવતી હોય છે, જે સ્વચ્છતા અને પવિત્રતાનું પ્રતીક છે.
ખરનાની આ વિશેષ પૂજા અને પ્રસાદ ગ્રહણ કર્યા બાદ વ્રતધારીઓનું ૩૬ કલાકનું કઠિન નિર્જળા વ્રત શરૂ થાય છે, જે ત્રીજા દિવસે અસ્ત થતા સૂર્ય અને ચોથા દિવસે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યા બાદ સંપન્ન થાય છે.
લોક આસ્થા અને સાંસ્કૃતિક પરંપરાઓ
છઠ મહાપર્વ માત્ર એક ધાર્મિક અનુષ્ઠાન નથી, પરંતુ તે પ્રકૃતિ પ્રત્યેનો આદર, કઠિન સંયમ અને પારિવારિક સુખાકારીની ભાવનાનું અનોખું સંગમ છે. વર્ષોથી ચાલી આવતી આવી પરંપરાઓ આપણી પ્રાચીન સંસ્કૃતિ અને અતૂટ આસ્થાને જીવંત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી હોય છે.