Loading Please Wait !!!
ગાંધીનગરમાં વિઝા કૌભાંડનો પર્દાફાશ: ઓસ્ટ્રેલિયાના નકલી લેટર આપી ₹28 લાખ અને પાસપોર્ટ પડાવ્યા, મહેસાણાનો એજન્ટ શંકાના ઘેરામાં

 

  • કુડાસણની એજન્સીમાં છેતરપિંડીનો ખેલ- વિસનગરના એજન્ટે ડિલિવરી બોય સહિતના યુવાનોને વર્ક પરમિટના નામે છેતર્યા

  •  વોટ્સએપ પર નકલી વિઝા મોકલી વિશ્વાસ કેળવ્યો- ખરાઈ કરતા ભાંડો ફૂટ્યો; ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

  •  વર્ક પરમિટ અને વિઝીટર વિઝાના બહાને યુવાનો પાસેથી પડાવ્યા ₹18 લાખ અને ₹10 લાખ; તપાસનો ધમધમાટ શરૂ

    ગાંધીનગર: વિદેશ જવાની ઘેલછામાં વધુ કેટલાક ગુજરાતી યુવાનો છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની ઘટના ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાંથી સામે આવી છે. વિદેશ જવા ઈચ્છતા લોકોને ઓસ્ટ્રેલિયાના નકલી વિઝા લેટર પધરાવીને એક એજન્ટે કુલ ₹28 લાખ રૂપિયા અને અસલ પાસપોર્ટ પડાવી લીધા છે. આ મામલે ગાંધીનગરના સરઢવના યુવાનની ફરિયાદના આધારે ઇન્ફોસિટી પોલીસે મહેસાણાના વિસનગરના એજન્ટ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

    બનાવની વિગતો મુજબ, સરઢવ ખાતે રહેતા અને ડિલિવરી બોય તરીકે કામ કરતા વિશાલ મહેન્દ્રભાઇ સથવારાએ તેના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયા જવા માટે કુડાસણ સ્થિત સિદ્ધરાજ ઝેડ સ્ક્વેરમાં આવેલી એસ.એમ. વિઝા કન્સલ્ટન્સીનો સંપર્ક કર્યો હતો. ત્યાં તેની મુલાકાત એજન્ટ ધ્રુવ સંજયભાઇ પ્રજાપતિ (રહે. વિસનગર, મહેસાણા) સાથે થઈ હતી. એજન્ટે ઓસ્ટ્રેલિયાના વિઝીટર વિઝા અપાવવાની લાલચ આપી વિશાલ પાસેથી તેના પરિવારના કુલ 6 અસલ પાસપોર્ટ મેળવી લીધા હતા.

    વિશ્વાસ કેળવવા માટે આરોપી ધ્રુવ પ્રજાપતિએ વિશાલને વોટ્સએપ પર વિઝાની કોપી પણ મોકલી હતી. જોકે, વિશાલે જ્યારે આ વિઝાની ઓનલાઇન ખરાઈ કરાવી ત્યારે મોટો ધડાકો થયો હતો કે આ તમામ વિઝા લેટર નકલી છે. વિશાલે જ્યારે આ બાબતે એજન્ટ પાસે ખુલાસો માંગ્યો અને પોતાના પાસપોર્ટ પરત માંગ્યા, ત્યારે એજન્ટે પાસપોર્ટ અને નાણાં બંને આપવાનો ઇનકાર કરી દીધો હતો. આથી ભોગ બનનાર યુવાને પોલીસનો સહારો લેવાની નોબત આવી હતી.

    પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ધ્રુવ પ્રજાપતિએ માત્ર વિશાલ જ નહીં, પરંતુ અન્ય બે યુવાનોને પણ પોતાની જાળમાં ફસાવ્યા હતા. તેણે કેવીન ધર્મેન્દ્રભાઇ પટેલ પાસેથી ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝાના નામે ₹18,00,000 અને શુભમ પ્રવિણભાઇ પ્રજાપતિ પાસેથી ₹10,00,000 મળી કુલ ₹28 લાખ પડાવી લીધા હતા. આ બંને યુવાનોને પણ નકલી વાયદાઓ કરીને છેતરવામાં આવ્યા હતા અને તેમના નાણાં પરત આપવામાં આવ્યા નહોતા.

    હાલમાં ઇન્ફોસિટી પોલીસે આરોપી ધ્રુવ પ્રજાપતિ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. પોલીસે અન્ય લોકો જેઓ આ એજન્ટનો ભોગ બન્યા હોય તેમને પણ સામે આવવા અપીલ કરી છે. વિદેશ જવાની ઉતાવળમાં સત્તાવાર સરકારી વેબસાઇટ પર તપાસ કર્યા વગર કોઈ પણ એજન્ટને અસલ પાસપોર્ટ કે મોટી રકમ ન આપવા માટે પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને વારંવાર ચેતવણી આપવામાં આવી રહી છે.