વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશનનો વિસ્તાર વધશે: હવે પશ્ચિમ દિશામાં પણ બનશે એક્ઝિટ ગેટ
- રેલવે સ્ટેશન નજીકની પડતર જમીન માટે FCI ને 20.16 કરોડનું વળતર ચૂકવાયું; કામગીરી શરૂ
- પંડ્યા બ્રિજ પાસે બની રહેલા સ્ટેશનનું વિસ્તરણ; કલેક્ટરના હુકમ બાદ જમીન સંપાદન પૂર્ણ
- 1075.0773 ચોરસ મીટરની ત્રિકોણ આકારની જમીન હવે મુસાફરો માટે એક્ઝિટ ગેટ બનશે
સિટી ન્યુઝ @ વડોદરા : વડોદરામાં નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા નિર્મિત મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મુસાફરોની સુવિધામાં મોટો વધારો થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી બુલેટ ટ્રેનનું મુખ્ય સ્ટેશન રેલવે સ્ટેશનની પૂર્વ દિશામાં જ બનાવવાનું આયોજન હતું, પરંતુ હવે શહેરના પશ્ચિમ વિસ્તારના પેસેન્જરોની અવરજવર સરળ બનાવવા માટે પશ્ચિમ દિશામાં પણ બીજો એક્ઝિટ ગેટ બનાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિસ્તરણ માટે જરૂરી જમીનનો પ્રત્યક્ષ કબજો પ્રોજેક્ટને સોંપી દેવામાં આવતા હવે પશ્ચિમ છેડે પણ કામગીરી તેજ બનશે.
આ પ્રોજેક્ટના વિસ્તરણ માટે વડોદરા રેલવે સ્ટેશનને અડીને આવેલી ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) હસ્તકની કિંમતી જમીન સંપાદન કરવામાં આવી છે. વડોદરા કસ્બાના વોર્ડ નંબર 1 માં આવેલી આ 1075.0773 ચોરસ મીટર જમીન અત્યાર સુધી બિનઉપયોગી અને પડતર સ્થિતિમાં હતી. ત્રિકોણ આકારની આ જમીન રેલવે સ્ટેશનની બિલકુલ નજીક પશ્ચિમ વિસ્તારમાં આવેલી છે, જે હવે બુલેટ ટ્રેન સ્ટેશનના મહત્વના એક્ઝિટ પોઈન્ટ તરીકે વિકસાવવામાં આવશે.
જમીન સંપાદનની આ પ્રક્રિયા માટે રેલવે વિભાગ દ્વારા FCI ને કુલ 20.16 કરોડનું જંગી વળતર ચૂકવવામાં આવ્યું છે. વડોદરા કલેક્ટરના સત્તાવાર હુકમ બાદ તારીખ 8 ના રોજ આ જમીનનો પ્રત્યક્ષ કબજો બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓને સોંપી દેવામાં આવ્યો છે. આ સાથે જ વડોદરામાં જમીન સંપાદનની કામગીરી હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં પંડ્યા બ્રિજની નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું મુખ્ય સ્ટેશન આકાર લઈ રહ્યું છે. અગાઉના પ્લાન મુજબ સ્ટેશન પૂર્વ દિશામાં હોવાથી પશ્ચિમ વડોદરાના મુસાફરોએ આખું રેલવે સ્ટેશન પસાર કરીને પૂર્વમાં આવવું પડતું હતું. પરંતુ હવે પશ્ચિમ દિશામાંથી પણ પ્રવાસીઓ નવા બનનારા ફૂટ ઓવરબ્રિજ (FOB) દ્વારા સીધા જ સ્ટેશનમાં પ્રવેશ કરી શકશે અને બુલેટ ટ્રેનનો લાભ લઈ શકશે. આ નવા પ્લાનિંગથી પૂર્વ દિશાના સ્ટેશન એરિયા પરનો ભાર પણ ઘટશે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં થયેલો આ સુધારો વડોદરાના શહેરી વિકાસ અને ટ્રાફિક વ્યવસ્થાપન માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે. શહેરના અલકાપુરી અને પશ્ચિમ વિસ્તારના રહીશોને હવે રેલવે સ્ટેશનના ભીડભાડ વાળા વિસ્તારોમાં જવાની જરૂર નહીં રહે. જમીન સંપાદન પૂર્ણ થતાં જ NHSRCL દ્વારા પશ્ચિમ એક્ઝિટ ગેટ અને ફૂટ ઓવરબ્રિજના નિર્માણ માટેનું સિવિલ વર્ક આગામી દિવસોમાં શરૂ કરી દેવામાં આવશે. વડોદરાનું બુલેટ ટ્રેન સ્ટેશન હવે બંને દિશામાંથી સુગમ એક્સેસ ધરાવતું આધુનિક ટર્મિનલ બનશે.