Loading Please Wait !!!
રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદતા દેશો પર ૧૦૦% ટેરિફ લાદવાના ખરડા પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી સહી

 

  • લિન્ડસે ગ્રેહામના આ પ્રસ્તાવને અમેરિકી સંસદ અને રાષ્ટ્રપતિ બંનેની મળી ગઈ છે મંજૂરી

  • ઓક્ટોબરના મધ્યમાં એટલે કે ભારતમાં તહેવારોની મોસમ ટાણે જ ટેરિફનો અમલ શરૂ થવાની સંભાવના

  • રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદનાર ટોચના પાંચ દેશોમાં ભારતનો પણ થાય છે સમાવેશ

સિટી ન્યુઝ @ વાશિંગ્ટન

રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદનારા ભારત અને ચીન સહિતના દેશો પર ૧૦૦% સુધીનો ટેરિફ લાદવાના લિન્ડસે ગ્રેહામના ખરડાને અમેરિકી સંસદની મંજૂરી મળ્યા બાદ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ ખરડા પર સહી કરી દીધી છે, જેના કારણે તે હવે સત્તાવાર રીતે કાનૂન બની ગયો છે. આ કાનૂનની અમલવારી માટે પ્રમુખ ટ્રમ્પને વિશેષ સત્તાઓ મળતા જ આગામી દિવાળી આસપાસ ટ્રમ્પનો આ ટેરિફ બોમ્બ ભારત અને ચીન જેવા દેશો પર ફૂટી શકે છે. ખાસ કરીને ચીનને પણ આ કાનૂનની વ્યાપક અસરો હેઠળ આવવાનું હોવાથી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની આ માસમાં જ યોજાનારી અમેરિકા મુલાકાત પૂર્વે ટ્રમ્પ આ કાનૂનનો કઈ રીતે ઉપયોગ કરશે તેના પર આખી દુનિયાની નજર કેન્દ્રિત થઈ છે.

આ નવા કાનૂનની કલમ ૧૧૩ અત્યંત મહત્વપૂર્ણ છે, જેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને આગામી ૩૦ દિવસની અંદર ૧૦૦% ની મર્યાદામાં ટેરિફની ચોક્કસ ટકાવારી નિશ્ચિત કરવાની સત્તા મળે છે. હવે ટ્રમ્પ ક્યારે અને કેટલા ટકા ટેરિફ લાદશે તેનો નિર્ણય ગમે ત્યારે લઈ શકે છે. ઓક્ટોબરના મધ્યમાં એટલે કે ભારતમાં દિવાળી સહિતના મોટા તહેવારોના પ્રારંભ પૂર્વે જ ટ્રમ્પના આ ટેરિફનો અમલ શરૂ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ તેલ ખરીદનાર વિશ્વના ટોચના પાંચ દેશોમાં ભારત પણ સામેલ છે.

જો કે, ભારતે અગાઉથી જ પોતાની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખીને સ્પષ્ટ કરી દીધું છે કે તે કોઈ પણ બાહ્ય દબાણ કે ટેરિફના ભય વચ્ચે પોતાના ઊર્જા સંસાધનો અને ક્રૂડ તેલની ખરીદી અંગે ક્યાંથી નિર્ણય લેવો તે નક્કી કરશે નહીં. આમ, અમેરિકા દ્વારા વાસ્તવિક રીતે કેટલા ટકા ટેરિફ લાદવામાં આવે છે અને તેનાથી વૈશ્વિક બજાર પર કેવી અસરો પડે છે તેના પર ભારતીય વહીવટી તંત્ર અને બજારની ઊંડી નજર રહેશે.

અંતરરાષ્ટ્રીય રાજકારણ અને અર્થવ્યવસ્થા

વૈશ્વિક વેપાર પ્રતિબંધો અને ઊર્જા સુરક્ષાને લગતા આવા નિર્ણયો આંતરરાષ્ટ્રીય બજારો તેમજ દેશો વચ્ચેના વેપારી સમીકરણો પર સીધી અને દૂરગામી અસરો પેદા કરતા હોય છે.