Loading Please Wait !!!
પશ્ચિમ એશિયામાં યુદ્ધ અટકાવવા માટે ઈરાને કતાર અને પાકિસ્તાન મારફત મૂકી ૭ આકરી શરતો

 

  • કેમ્પ ડેવિડમાં વીકએન્ડની રજાઓ માણી રહેલા ટ્રમ્પ અચાનક વ્હાઈટ હાઉસ પરત ફરતા મચ્યો ખળભળાટ

  • ઇરાનની સુપ્રીમ નૈશનલ સિક્યુરિટી કાઉન્સિલના સચિવ મોહસીન રેઝાઈએ નિવેદન આપી સ્થિતિ કરી સ્પષ્ટ

  • અમેરિકન વિમાનવાહક યુદ્ધજહાજ પાસે ઈરાન દ્વારા એન્ટી-શિપ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું

સિટી ન્યુઝ @ વોશિંગ્ટન

પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના માહોલ વચ્ચે હવે બંને દેશો વચ્ચે પડદા પાછળ વાટાઘાટોની મહત્વપૂર્ણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઈરાને કતાર અને પાકિસ્તાન જેવા મિત્ર દેશો મારફત પોતાની ૭ આકરી શરતો અમેરિકા સમક્ષ મૂકી છે અને ફરીથી વાટાઘાટો કરવા માટે તૈયારી દર્શાવી છે. આ મહત્વના અહેવાલો મળતા જ મેરિલેન્ડ સ્થિત પ્રમુખ આવાસ કેમ્પ ડેવિડ ખાતે વીકએન્ડની રજાઓ માણી રહેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની રજાઓ અધવચ્ચે જ ટૂંકાવીને તાબડતોબ વ્હાઈટ હાઉસ પાછા ફર્યા હતા.

ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સચિવ મોહસીન રેઝાઈએ જણાવ્યું છે કે ઈરાને કતાર અને પાકિસ્તાન મારફત પોતાની આ શરતો અમેરિકાને મોકલી આપી છે અને હવે તે પ્રમુખ ટ્રમ્પના સત્તાવાર જવાબની રાહ જોઈ રહ્યા છે. રેઝાઈએ મુખ્ય શરતો અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે વાટાઘાટો શરૂ કરવા માટે અમેરિકાએ પશ્ચિમ એશિયામાં તમામ મોરચે યુદ્ધ સંપૂર્ણપણે બંધ કરવું પડશે, અમેરિકન જહાજો દ્વારા લદાયેલી નાકાબંધી ઉઠાવી લેવી પડશે અને ઈરાનનું જપ્ત કરાયેલું તમામ ફંડ તુરંત મુક્ત કરવું પડશે.

સોશિયલ મીડિયા પર સ્પષ્ટ સંદેશ આપતા રેઝાઈએ જણાવ્યું હતું કે ઈરાનનું વલણ એકદમ સ્પષ્ટ છે અને જો ટ્રમ્પે આ સંઘર્ષમાંથી બહાર નીકળવું હોય તો તેમણે ઈરાનના અધિકારો અને શરતો સ્વીકાર્યા વગર કોઈ છૂટકો નથી. ટ્રમ્પ દ્વારા અપાતી ધમકીઓથી ડરવાના બદલે ઈરાન કોઈપણ નિર્ણાયક યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર છે. તાજેતરમાં જ ઈરાને એક અમેરિકન વિમાનવાહક યુદ્ધજહાજ નજીક એન્ટી-શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ પણ કર્યું છે, જે દર્શાવે છે કે ઈરાને અમેરિકી જહાજો સામેલ સંભવિત હુમલાઓ માટે અગાઉથી જ તૈયારીઓ રાખી છે.

દરમિયાન, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું અચાનક વ્હાઈટ હાઉસ પરત ફરવું એ વાતનો સ્પષ્ટ સંકેત આપે છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું આ યુદ્ધ અત્યંત નાજુક અને ખતરનાક વળાંક પર પહોંચી ગયું છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને અમેરિકન વિદેશ મંત્રાલયે પોતાના નાગરિકોને પશ્ચિમ એશિયાનો પ્રવાસ ટાળવા અને સ્થિતિ અનિયંત્રિતરૂપે બગડવાની આકરી ચેતવણી જારી કરી છે. વળી, દૂતાવાસો દ્વારા એરપોર્ટ અધિકારીઓનો સંપર્ક સાધીને વિમાન સેવાઓની વર્તમાન પરિસ્થિતિ અંગે સંપૂર્ણ વિગતો મેળવવા સૂચના આપવામાં આવી છે.

બીજી તરફ, આ સંઘર્ષમાં ઈરાન સમર્થિત હૂથી બળવાખોરોએ પણ સાઉદી અરબ સામે મોર્ચો ખોલી દીધો છે, જેના કારણે આ યુદ્ધ વધુ વકરવાની પૂરી સંભાવના દેખાઈ રહી છે. હૂથી બળવાખોરોએ સાઉદી અરબમાં અનેક સ્થળો પર મિસાઈલ હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે, જો કે સાઉદી અરબ દ્વારા હજુ સુધી આ બાબતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ ક્ષેત્રમાં વધતા જતા તણાવને કારણે વૈશ્વિક સ્તરે સુરક્ષા અને શાંતિ સામે મોટો પડકાર ખડો થયો છે.

અંતરરાષ્ટ્રીય રાજકારણ અને સુરક્ષા

પશ્ચિમ એશિયામાં સર્જાયેલા રાજકીય અને સૈન્ય તણાવ વચ્ચે દેશો દ્વારા લેવાતા કૂટનીતિક અને રક્ષણાત્મક નિર્ણયો વૈશ્વિક અર્થવ્યવસ્થા અને શાંતિ પર ઊંડી અસર છોડે છે.