અમેરિકામાં ઓપરેશન ચેકમેટ: 30 ભારતીય ટ્રક ડ્રાઈવરોની ધરપકડ
- એરિઝોનાના યુમા સેક્ટરમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે યુએસ બોર્ડર પેટ્રોલિંગની મોટી કાર્યવાહી
- જો બાઈડેન સરકારના સમયના વર્ક પરમિટ ડોક્યુમેન્ટ્સ અમાન્ય ઠરતા કાનૂની સકંજો કસાયો
- પકડાયેલા લોકોમાંથી 3 ડ્રાઈવરો પાસે કોઈપણ પ્રકારનું ડ્રાઈવિંગ લાયસન્સ ન હોવાનો ખુલાસો
સિટી ન્યુઝ @ વોશિંગ્ટન
અમેરિકામાં વસતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને ખાસ કરીને નિયમોની ઐસીતૈસી કરીને કમર્શિયલ વાહનો ચલાવતા ભારે વાહનોના ડ્રાઈવરો સામે યુએસ વહીવટીતંત્ર હવે અત્યંત આક્રમક મૂડમાં આવી ગયું છે. અમેરિકી સુરક્ષા એજન્સી યુએસ બોર્ડર પેટ્રોલ એજન્ટોએ એરિઝોનાના યુમા સેક્ટરમાં 'ઓપરેશન ચેકમેટ' હેઠળ એક સચોટ અને ગુપ્ત ઓપરેશન પાર પાડીને કુલ 52 લોકોની ધરપકડ કરી લીધી છે, જેમાં આશ્ચર્યજનક રીતે 30 ભારતીય ટ્રક ડ્રાઈવરોનો સમાવેશ થાય છે. યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના સત્તાવાર અહેવાલ અનુસાર, આ મોટી કાર્યવાહી 11 થી 15 મે દરમિયાન કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગેરકાયદે રહીને ડ્રાઈવિંગ કરતા ચાલકોને પકડવાનો છે.
આ મેગા ઓપરેશન દરમિયાન પકડાયેલા કુલ 52 લોકોમાંથી 30 ભારતીયો ઉપરાંત અન્ય 6 નાગરિકો મેક્સિકો, અલ સાલ્વાડોર અને રશિયા જેવા દેશોના હોવાનું ખુલ્યું છે. તપાસ દરમિયાન વધુ એક ભયાનક ખુલાસો એ થયો છે કે ધરપકડ કરાયેલા લોકોમાંથી 3 ડ્રાઈવરો પાસે તો કોઈ પણ પ્રકારનું માન્ય રોડ ડ્રાઈવિંગ લાયસન્સ જ નહોતું. આ સિવાય મોટાભાગના પકડાયેલા ઓપરેટરો પાસે 'એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ્સ' (EAD) એટલે કે વર્ક પરમિટ હતી, જે અગાઉની જો બાઈડેન વહીવટીતંત્ર દરમિયાન મેળવવામાં આવી હતી, પરંતુ વર્તમાન કડક કાયદાકીય સમીક્ષામાં હવે તે માન્ય રહી નથી.
અમેરિકામાં ગેરકાયદેસર રીતે ટ્રક ચલાવતા ભારતીય ડ્રાઈવરો દ્વારા થયેલા અગાઉના જીવલેણ અકસ્માતો બાદ જ આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર બન્યો હતો. ઓક્ટોબર 2025 માં જશનપ્રીત સિંહ નામના ડ્રાઈવરે કેલિફોર્નિયામાં પ્રચંડ નશાની હાલતમાં ટ્રક હંકારીને એસયુવી (SUV) ને ટક્કર મારતા 3 અમેરિકી નાગરિકોના મોત નીપજાવ્યા હતા, જે 2022 માં મેક્સિકો બોર્ડરથી ગેરકાયદે ઘૂસ્યો હતો. આ સિવાય ઓગસ્ટ 2025 માં ફ્લોરિડામાં હરજિંદર સિંહ નામના ચાલકે હાઈવે પર ખોટી રીતે યુ-ટર્ન લેતા અન્ય 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ તમામ ગુનેગારો સામે ફેડરલ કાયદા મુજબ પ્રક્રિયા કરીને ટૂંક સમયમાં જ તેમને ડિપોર્ટ કરવામાં આવશે.
જાહેર સુરક્ષા માટે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ડ્રાઈવર્સને ડિપોર્ટ કરાશે: એક્ટિંગ ચીફ
યુએસ બોર્ડર પેટ્રોલના એક્ટિંગ ચીફ પેટ્રોલીંગ એજન્ટ ડસ્ટિન ડબલ્યુ. કોડલેએ આ કડક કાર્યવાહી બાદ મીડિયાને સ્પષ્ટ જણાવ્યું છે.
તેમણે કહ્યું કે આ સ્પેશિયલ ડ્રાઈવનો મુખ્ય હેતુ અમેરિકાની જાહેર સુરક્ષાને વધુ મજબૂત કરવાનો અને અયોગ્ય ડ્રાઈવરો દ્વારા થતા અકસ્માતો અટકાવવાનો છે.
એરિઝોના સરહદે પકડાયેલા તમામ વિદેશી નાગરિકોને જેલના સળિયા પાછળ ધકેલીને કાયદેસર રીતે દેશનિકાલ કરવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે.