Loading Please Wait !!!
તું પાગલ થઈ ગયો છે: નેતન્યાહૂ પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ

  • બેરૂત પર હુમલાના આદેશ મુદ્દે અમેરિકી પ્રમુખે ઇઝરાયલી પીએમને ફોન પર લપડાક લગાવી
  • લેબેનોન પર ઇઝરાયલના સૈન્ય એક્શનથી અમેરિકા અને ઇરાન વચ્ચેની શાંતિ વાટાઘાટો જોખમમાં
  • યુએસ પ્રમુખે ટ્રુથ સોશિયલ પર કરી સત્તાવાર પોસ્ટ, લેબેનોનમાં યુદ્ધવિરામ માટે ઇરાન મક્કમ

સિટી ન્યુઝ @ વોશિંગ્ટન

મિડલ ઈસ્ટ એટલે કે મધ્ય-પૂર્વના દેશોમાં વૈશ્વિક શાંતિ સ્થાપવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યંત ગુપ્ત અને મહત્વપૂર્ણ શાંતિ વાટાઘાટો ચાલી રહી છે. આ અત્યંત સંવેદનશીલ સમયે ઈઝરાયલની સેના સતત લેબેનોન સરહદમાં ઘૂસીને ભીષણ હુમલા કરી રહી હોવાથી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પર બરાબરના ભડક્યા છે. આંતરરાષ્ટ્રીય મીડિયાના સત્તાવાર અહેવાલ અનુસાર, ટ્રમ્પે નેતન્યાહૂને સીધો ટેલિફોન કરીને લાઈવ લાઈન પર જ બરાબરના ધમકાવ્યા હતા અને ખુલ્લેઆમ અપશબ્દો કહ્યા હતા, જેનાથી બંને દેશોના રાજદ્વારી સંબંધોમાં મોટો ગરમાવો આવી ગયો છે.

આ હાઈપ્રોફાઈલ ફોન કોલ દરમિયાન ટ્રમ્પે ભારે આક્રોશમાં નેતન્યાહૂને સીધા "પાગલ" કહી દીધા હતા અને તેમની યુદ્ધની નીતિની આકરી ટીકા કરી હતી. ટ્રમ્પે ફોન પર રાડ પાડીને કહ્યું હતું કે, "તું તદ્દન પાગલ થઈ ગયો છે! જો હું સત્તામાં ન હોત તો તું અત્યારે જેલના સળિયા પાછળ હોત. હું તને વૈશ્વિક સ્તરે બચાવી રહ્યો છું, પરંતુ અત્યારે આખી દુનિયામાં સૌ કોઈ તને ધિક્કારે છે અને ઈઝરાયલ દેશને સરેઆમ નફરત કરી રહ્યું છે." ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જ ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ લેબેનોનની રાજધાની બેરૂત પર ફરીથી એક ભીષણ હુમલાના આદેશ આપ્યા હતા, જેના કારણે ટ્રમ્પ વહીવટીતંત્ર લાલઘૂમ થયું હતું.

ઈઝરાયલનો સત્તાવાર દાવો છે કે આતંકી સંગઠન હિઝબુલ્લાહ દ્વારા વારંવાર શાંતિ અને યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. જોકે, બેરૂત પર થયેલા આ આકરા હુમલા બાદ ઈરાને અમેરિકા સાથેની તમામ રાજકીય વાટાઘાટો તાત્કાલિક અટકાવી દીધી હતી. ઈરાની ઉચ્ચ અધિકારીઓનું સ્પષ્ટ કહેવું છે કે લેબેનોનમાં કાયમી યુદ્ધવિરામ એ અમેરિકા સાથેના કોઈપણ મોટા આંતરરાષ્ટ્રીય કરારનો અનિવાર્ય હિસ્સો છે. જોકે, ટ્રમ્પની આ આકરી ધમકીની તાત્કાલિક અસર જોવા મળી છે અને ઇઝરાયલે બેરૂતમાં હિઝબુલ્લાહના લક્ષ્યો પર હુમલો કરવાનું આયોજન હાલ પૂરતું મોકૂફ રાખવાની જાહેરાત કરી દીધી છે.

નેતન્યાહૂએ ટ્રમ્પની ધમકી વચ્ચે પણ હુમલાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરીને સ્પષ્ટ કર્યું છે કે બેરૂતમાં હવે કોઈ સૈન્ય હુમલા થશે નહીં. બીજી તરફ ઇઝરાયલી પીએમ નેતન્યાહૂનું વલણ અલગ છે અને તેમણે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે દેશની સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં થાય. જો હિઝબુલ્લાહ દ્વારા ઇઝરાયલી નાગરિકો પર હુમલા કરવાનું બંધ કરવામાં નહીં આવે, તો બેરૂતને ફરી સ્મશાન બનાવવા માટે લશ્કરી એક્શનનો વિકલ્પ ખુલ્લો જ છે.