Loading Please Wait !!!
અમેરિકાના ઓહાયોમાં હિન્દુ મંદિર પર હુમલો થયો

 

  • રિચમંડ હાઇટ્સ સ્થિત સ્વામિનારાયણ વડતાલ ધામ મંદિર

  • હુમલાખોરો દ્વારા મંદિરની ઇમારત પર ઈંટો ફેંકાઈ

  • સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ હોવાથી તપાસ હાથ ધરી

સિટી ન્યુઝ @ ઓહાયો

અમેરિકાના ઓહાયો રાજ્યમાં હિન્દુ ધાર્મિક સ્થળો પર વધતા જતા હુમલાઓની શૃંખલામાં વધુ એક અત્યંત નિંદનીય ઘટના સામે આવી છે, જ્યાં શુક્રવારે રિચમંડ હાઇટ્સ સ્થિત પ્રખ્યાત શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામ હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું. હુમલાખોરો દ્વારા મંદિરની ઇમારત પર આડેધડ ઈંટો ફેંકવામાં આવી હતી, જેના કારણે મંદિરની દીવાલો અને બારીઓને ભારે નુકસાન પહોંચ્યું હતું.

કોઅલિશન ઑફ હિંદુઝ ઑફ નોર્થ અમેરિકાના જણાવ્યા અનુસાર, અજાણ્યા હુમલાખોરો દ્વારા ફેંકવામાં આવેલી ઈંટોના પ્રહારથી મંદિરની બારીઓના કાચ તૂટીને જમીન પર વેરવિખેર થઈ ગયા હતા. સૌથી ડાઘાકીય બાબત એ રહી કે આ હુમલો થયો ત્યારે મંદિરની અંદર પૂજારી તેમજ અનેક શ્રદ્ધાળુઓ શાંતિપૂર્વક હાજર હતા, જેના કારણે ઉપસ્થિત લોકોમાં થોડા સમય માટે ભારે ડર અને અસલામતીનો માહોલ સર્જાઈ ગયો હતો.

હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને આ મામલે સખત રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે આ ઘટનાના તમામ સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ છે અને સ્થાનિક કાયદાકીય અધિકારીઓ તથા પોલીસ તેની ઝીણવટભરી તપાસ કરી રહી છે. સંગઠન દ્વારા આ અંગે તાત્કાલિક એફબીઆઈ (FBI) અને સિવિલ રાઇટ્સ ઓથોરિટીને જાણ કરવાની સાથે દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. હિન્દુ સ્વયંસેવક સંઘ USAના આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં અમેરિકામાં હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરીને તોડફોડની પંદરથી વધુ ઘટનાઓ બની ચૂકી છે.

આ ઘટનાને 'હેટ ક્રાઇમ' (ધૃણા અપરાધ) ગણાવતા હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને કહ્યું છે કે અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ-અમેરિકન સમુદાય વિરુદ્ધ નફરત અને હિંસાથી ભરેલી નિવેદનબાજીમાં ચિંતાજનક વધારો થયો છે. સંગઠને અમેરિકન નેતાઓ અને સરકારી એજન્સીઓ સમક્ષ અપીલ કરી છે કે તેઓ ભારતીય તથા હિન્દુ સમુદાયો વિરુદ્ધ ફેલાવવામાં આવતી આવી નફરતભરી માનસિકતાની સ્પષ્ટપણે નિંદા કરે અને સુરક્ષા પુરી પાડે.

અમેરિકામાં અગાઉ પણ ન્યૂયોર્કના ક્વીન્સ સ્થિત શ્રી તુલસી મંદિરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ, કેલિફોર્નિયાના નેવાર્ક અને સેક્રામેન્ટો સ્થિત BAPS મંદિરોની દીવાલો પર નફરતભર્યા લખાણો લખવાની અ અનેક ઘટનાઓ બની ચૂકી છે. વિદેશી ધરતી પર હિન્દુ ધર્મસ્થળોની પવિત્રતા અને સુરક્ષા સામે ઊભા થઈ રહેલા આ જોખમો સમગ્ર પ્રવાસી સમુદાય માટે ગંભીર ચિંતાનો વિષય બન્યા છે.

ધાર્મિક સહનશીલતા અને સુરક્ષા

લોકશાહી દેશોમાં કોઈપણ ધર્મ કે સમુદાયના પૂજાસ્થળો પર થતા હુમલાઓ સભ્ય સમાજ માટે કલંકરૂપ છે. કડક કાનૂની પગલાં અને સામાજિક સૌહાર્દથી જ આવી ધૃણાસ્પદ માનસિકતાને ડામી શકાય છે.