Loading Please Wait !!!
અમેરિકાના ટેનેસીમાં મહિલાને મૃત્યુદંડ આપવાની પ્રક્રિયા

 

  • બોયફ્રેન્ડની ક્લોઝ ફ્રેન્ડની હત્યા કરી નાખી

  • સુપ્રીમ કોર્ટ સુધી લડી છતાં સજા યથાવત

  • ટેનેસીમાં બસો વર્ષમાં મૃત્યુદંડ મેળવનાર પહેલી મહિલા

સિટી ન્યુઝ @ અમેરિકા

અમેરિકાના ટેનેસી રાજ્યમાં એક અત્યંત ચોંકાવનારો અને દુર્લભ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં હત્યાના ગુનામાં મોતની સજા પામેલી એક મહિલા કેદીને મૃત્યુદંડ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેને હાથમાં ઝેરી ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું, પરંતુ પહેલાં ઈન્જેક્શનથી તેનું મૃત્યુ થયું નહીં તો બીજું બેકઅપ ઈન્જેક્શન પણ આપવામાં આવ્યું હતું. બબ્બે ઘાતક ઝેરી ઈન્જેક્શન શરીરમાં જવા છતાં તે ચમત્કારિક રીતે બચી ગઈ હતી અને હાલ ગંભીર હાલતમાં તેને સારવાર આપવામાં આવી રહી છે.

આ સમગ્ર પ્રકરણની શરૂઆત વર્ષ 1995 માં થઈ હતી, જ્યારે ક્રિસ્ટા પાઈક નામની કોલેજ સ્ટૂડન્ટે પોતાના બોયફ્રેન્ડ સાથે મળીને તેની જ ક્લાસમેટ કોલિન સ્લેમરની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. ક્લાસમેટનો માત્ર એટલો જ વાંક હતો કે તે ક્રિસ્ટાના બોયફ્રેન્ડની ખૂબ જ ક્લોઝ થઈ રહી હતી. આ અદાવતમાં ક્રિસ્ટાએ તેને અવાવરુ જગ્યાએ બોલાવીને કટરથી રહેંસી નાખી હતી, જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો.

આજથી વર્ષો પહેલા પકડાયેલી ક્રિસ્ટાને ટેનેસીની કોર્ટે 1996 માં મૃત્યુદંડની સજા ફટકારી હતી. તેણે ઉચ્ચ કોર્ટથી માંડીને અમેરિકાની સુપ્રીમ કોર્ટ સુધી લાંબી કાયદાકીય લડાઈ લડી હતી, પરંતુ તેની સજામાં કોઈ રાહત મળી ન હતી. ટેનેસીના 200 વર્ષના ગુનાખોરીના ઇતિહાસમાં તે મૃત્યુદંડ મેળવનારી પહેલી મહિલા બનવાની હતી, અને નક્કી કર્યા મુજબ ગત 30 સપ્ટેમ્બર, 2026 ના રોજ તેને પેંટોબાર્બિટલનું ઝેરી ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું.

ઈન્જેક્શન આપતી વખતે તબીબોને તેની નસ મેળવવામાં ભારે મુશ્કેલી પડી હતી, અને પહેલું ડ્રગ્સ આપ્યા બાદ પણ સામાન્ય રીતે 10 થી 15 મિનિટમાં થતી અસર અહીં જોવા મળી ન હતી. પરિણામે બેકઅપ ડોઝ તરીકે બીજું ઝેરનું ઈન્જેક્શન અપાયું હતું, છતાં તે બેભાન જેવી હાલતમાં રહી પરંતુ મૃત્યુ પામી નહીં. આખરે તેને ડેથ ચેમ્બરમાંથી બહાર કાઢીને સારવાર માટે ખસેડવામાં આવી હતી અને નસીબના જોરે બચી ગયેલી આ મહિલાની સજા માફ કરવાની માંગણી તેના વકીલો દ્વારા ઉઠાવવામાં આવી છે.

ભાગ્યે જ બનતો આવો રેર અને વિવાદાસ્પદ કિસ્સો હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ન્યાયતંત્ર અને મૃત્યુદંડની પ્રક્રિયા સામે અનેક પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે, ત્યારે આજીવન કારાવાસ કે માફી અંગે આગામી સમયમાં કેવા નિર્ણયો લેવાય છે તે જોવું રહ્યું.

ન્યાયિક પ્રક્રિયા અને માનવ અધિકાર

મૃત્યુદંડ જેવી અત્યંત ગંભીર સજાના અમલીકરણ દરમિયાન તકનીકી કે ડૉક્ટરી નિષ્ફળતાઓ નૈતિક અને કાનૂની વિવાદોને જન્મ આપે છે. કાયદાના શાસનમાં આવા દુર્લભ કિસ્સાઓ નવેસરથી ચિંતન માગી લે છે.