દહેગામ-રખિયાલ હાઈવે પર હિટ એન્ડ રન: પ્રસંગમાં જતા દંપતીને કાળ ભેટ્યો
- અજાણી કારની ટક્કરે વાસણા રાઠોડ ગામના દંપતીનું કરુણ મોત; પોલીસ તપાસ તેજ.
- બાઈક પરથી ઉછળીને રોડ પર પટકાતા પતિનું સ્થળ પર અને પત્નીનું સિવિલમાં મોત.
- માતા-પિતાના મોતના સમાચાર મળતા જ પુત્ર હોસ્પિટલ પહોંચ્યો; કાર ચાલક ફરાર.
સિટી ન્યુઝ @ ગાંધીનગર : દહેગામ-રખિયાલ હાઈવે રોડ પર ગઈકાલે શુક્રવારે મોડી સાંજે એક હૃદયદ્રાવક હિટ એન્ડ રન અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર આવેલા જોગણી માતાના મંદિર પાસે પૂરઝડપે જતી એક અજાણી ફોર વ્હીલર ગાડીના ચાલકે બાઇક સવાર દંપતીને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વાસણા રાઠોડ ગામના હરિભાઈ કોદરજી ડાભી અને તેમના પત્ની લલિતાબેનનું કરુણ મોત નિપજ્યું હતું. દહેગામ પોલીસે આ મામલે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હરિભાઈ અને લલિતાબેન ગઈકાલે શુક્રવારે સાંજે બાઈક પર સવાર થઈને સાંપા ગામે એક પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. દરમિયાન તેઓ જ્યારે જોગણી માતાના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલી એક અજાણી ગાડીએ તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે દંપતી બાઇક પરથી ઉછળીને રોડ પર પટકાયું હતું.
અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી ગયા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જોકે, ગંભીર ઈજાઓ થવાના કારણે હરિભાઈનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. તેમના પત્ની લલિતાબેનને ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમણે પણ અંતિમ શ્વાસ લીધા હતા.
આ દુર્ઘટના સમયે મૃતક દંપતીનો પુત્ર રણજીત ડાભી પોતાના મોટા ભાઈ ભરતભાઈને હાથમાં ફેક્ચર હોવાથી સારવાર માટે નરોડાની હોસ્પિટલમાં લઈ ગયો હતો. તે દરમિયાન 108 દ્વારા ફોન કરીને તેને માતા-પિતાના અકસ્માતની જાણ કરાઈ હતી. રણજીત તાત્કાલિક દહેગામ સરકારી હોસ્પિટલ પહોંચતા તેને પિતાના મૃત્યુ અને ત્યારબાદ માતાના પણ નિધનના સમાચાર મળતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
દહેગામ પોલીસે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા અજાણ્યા કાર ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હાઈવે પરના સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓની પૂછપરછના આધારે વાહન અને ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. એક જ પરિવારના બે સભ્યોના અકસ્માતમાં મોત થતા વાસણા રાઠોડ ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.